Diaspora
-
2009-10-23
ગુજરાતી સાહિત્ય અકાદમીની, પોપટલાલ જરીવાળા નગર, ક્રૉયડન ખાતે બેઠેલી આઠમી ભાષા-સાહિત્ય પરિષદનાં અધ્યક્ષ નિરંજનાબહેન દેસાઈ, આ બેઠકના સભાપતિ અનિલભાઈ વ્યાસ, અકાદમીપ્રમુખ ભદ્રાબહેન વડગામા અને બધું મળીને આ ખંડમાં અબીહાલ જે ૪૭ જેટલાં સાવજ બેઠાં છે, તે સઉ. આવી વાત એટલા માટે હું શરૂઆતમાં કરું છું, કેમ કે, આપણી કને, ૪૭ જેટલાં લોકો,
અહીં, હાલ, હાજર છે. આપણાંમાંથી અનેકોને સાંભરતું હશે : જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં, અમદાવાદના ‘ગૂજરાત વિદ્યાપીઠ’ સંકુલમાં ને સાબરમતી નદીને કાંઠે, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના મકાનમાં, વિલાયતની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના નેજા હેઠળ, બે દિવસનો પરિસંવાદ યોજાયા બાદની ઘટના છે. ‘સાહિત્યમાં વિવિધ સમાજોનું નિરૂપણ’ વિષય પર ૨૭ તથા ૨૮ જાન્યુઆરી ૨૦૦૯ના બંને દિવસોએ, ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના વડપણ હેઠળ, એક પરિસંવાદનું આયોજન થયું હતું. સમાજમાં જુદા જુદા જે જૂથો છે એમના વિચારો, વલણો, અભિવ્યક્તિઓ, એમનાં સાહિત્ય, ઇત્યાદિ વિષે વિચારણા કરવા આ પંડિતો ત્યારે ભેગા મળ્યાં હતાં. અધ્યક્ષસ્થાને, અલબત્ત, પરિષદપ્રમુખ નારાયણભાઈ દેસાઈ જ હતા. પરિષદના કાર્યવાહક મંત્રી મનસુખભાઈ સલ્લાએ, પહેલે દિવસે, બેઠકના આરંભમાં જ, મારી આંખ ઉઘાડનારો, પરંતુ ચોંકવનારો એક મુદ્દો ખુલાસારૂપે આપ્યો. પરિષદ પ્રમુખને ઉદ્દેશીને એ કહેતા હતા, નારાયણભાઈ, આ બેઠક અમે બરાબર ગોઠવી નહોતા શકતા કારણ કે હાજરીનો સવાલ છે અને તે હાજરી મેળવવાની ક્યાંથી, તો અમદાવાદની ગુજરાતી વિભાગની અથવા વિભાગ ચલાવતી જે તે કૉલેજો, એનાં અધ્યાપકો, એનાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ આવે, અહીં આવી શકે એવી જોગવાઈ કરવાની વાત મૂળમાં છે. માનશો ? એ ખંડમાં બધું મળીને ૫૭ લોકો હાજર હતાં ! એમાં અધ્યાપકો, શિક્ષકો, વક્તાઓને બાદ કરીએ તો મારા જેવા સાંભળનારની સંખ્યા, ભલા, કેટલી હશે ? ઉત્તર ખોળવાનું તમારા પર છોડું છું. અને અહીં જોઉં છું તો હું, બાવો ને મંગળદાસ જેવાં આ ૪૭ સાવજ બેઠાં છે; અને એ પણ લંડનની અંદર. એટલે આપણે આપણને લગીર ઉતારી ન જ પાડીએ.
અને માટે જે વાત આજે કરવાની છે એ કે મિત્ર વલ્લભભાઈ નાંઢાની અવેજીમાં કરવાની છે. બીજું, ક્ષમા કરજો કેમ કે પરિસ્થિતિવસાત બેસીને વાત કરું છું. મારે સંદર્ભો ય ટાંકવાના છે. તેની વાત પણ મારે કરવાની છે. વળી, જોડાજોડ ચોખવટ પણ કરી લઉં છું : હું અહીં જે અત્યારે બોલીશ તે માત્ર અંગત અંગત, વ્યક્તિગત, વિપુલ કલ્યાણી તરીકે જ મંતવ્ય આપીશ. હું જે કંઈ અહીંયા રજૂ કરીશ કે જે કંઈ કહીશ તે ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ના મહામંત્રી તરીકેની કોઈ જવાબદારી રૂપે ય નહીં હોય. તે ઉપરાંત “ઓપિનિયન”ના તંત્રી તરીકેની જવાબદારીમાંથી પણ બોલતી વેળા ફારેક બનું છું. તે બન્ને જવાબદારીઓથી પર જઈને મારે જે કંઈ કહેવું છે તે હું કહીશ. એટલે કોઈએ પણ બંધ બેસતી એવી પાઘડી કે ટોપી પહેરવી હોય એને હું છૂટ આપીશ. સ્વસ્થપણે મારે કહેવું છે એ કહીશ. આ કહેવાનું તાત્પર્ય એટલા માટે કે સને ૧૯૮૮માં વેમ્બલીની પ્રેસ્ટન મેનર હાઈસ્કૂલમાં કનૈયાલાલ માણેકલાલ મુનશીનગર ભાષા-સાહિત્ય પરિષદમાં એક વ્યક્તિ તરીકે વક્તવ્ય આપતો હતો. તે વખતના ઉપપ્રમુખ મારાથી બહુ જ નારાજ થયેલા. મારા વક્તવ્યની, મંચ ઉપર આવીને તેમણે ઝાટકણી કાઢી અને તત્કાલીન અકાદમી-પ્રમુખને કહ્યું કે મહામંત્રી તરીકે મને આમ બોલવાનો કોઈ અધિકાર નથી.
આથીસ્તો, આ મારો અંગત અભિપ્રાય છે, એમ હું ફરીવાર કહીશ. મારે એવી જે કંઈ વાત કરવી છે તે એક અનુભવની વાત કરવી છે અને એ અનુભવને ઓછામાં ઓછો ૫૭ વર્ષનો ઈતિહાસ છે. આ વાત મારે એટલા માટે કરવી છે કેમ કે હું કવિ નથી, તેમ હું સાહિત્યકાર તો
છું જ નહીં. હું જે કંઈ હોઉં તે એક પત્રકાર છું. અને સંપૂર્ણપણે હું જે કંઈ છું તે જીવનભર કર્મશીલ રહ્યો છું. એને કારણે જે કંઈ મારા અનુભવો છે. જે કંઈ મેં જોયું જાણ્યું છે એ આધારે તમારી સમક્ષ વાત કરવી છે. ટાંગાનિકામાં એ દિવસોમાં એના ઉત્તર પ્રાન્તમાં, નોર્ધન પ્રોવિન્સમાં, તેના મુખ્ય શહેર અરૂશામાં હતો. તે મારું ગામ. એ ગામની નિશાળમાં હું ભણું. અમારા આચાર્ય હતા રણજિતભાઈ આર. દેસાઈ. એક અદ્ભુત શિક્ષક. બહુ જ મજાના શિક્ષક. એમણે ગુજરાતીનું જે પાણી મને પાયું તેની હું તમને વાત કરવા ઈચ્છું છું. ત્યારે દસમાં ધોરણમાં હું ભણતો. એવો અનુભવ ભદ્રાબહેનને ય છે. દસમા ધોરણમાં હું ભણતો અને મને નવમા ધોરણમાં ગુજરાતીનો વર્ગ
લેવા અમારા આચાર્ય મોકલતા ! એ અરૂશાની ગુજરાતીની શાળા - ઈન્ડિયન પબ્લિક સ્કૂલમાં - અમે ‘ગુજરાતી સાહિત્ય મંડળ’ પણ ચલાવ્યું એટલે મારો અનુભવ ત્યાંથી શરૂ થયો છે. અને એને કેટલાં બધાં વર્ષો થયાં ! સાહિત્યની સાથેસાથે ભાષાના પિંડ સાથે ય આમ આરંભથી એક લગાવ રહ્યો છે એટલે, થોડીક પેટ છૂટી વાત અહીં કરું છું. કોઈ પણ મુલકમાં, કોઈ પણ સર્જક, સ્વાભાવિક લખે છે તો ઘણું, પરંતુ બહુધા તે સ્વાનંદે લખે છે. પરંતુ મુશ્કેલી તે પછી શરૂ થાય છે. તે લખે તો છે. પરંતુ તે લખાણને 'share' કરવાની તે ઈચ્છા સેવે છે. બીજાની સાથે આદાન પ્રદાન તેને કરવું છે. અને તે સર્જન કાજે જેને તેને કોઈ િનમંત્રણ તો મળ્યું હોતું નથી. આથી આ
અને આવા દરેક કવિલેખકની જો કોઈ કદરનોંધ થતી ન હોય, તો તેમાં કોઈનો વાંકગુનો જોવો ય ઠીક નથી. હોઈ શકે છે કે સર્જનનું સ્તર જોવાતું હોય. અને પછી, એ બળાપો પણ કાઢી લે છે કે મારી કોઈ નોંધ લેતું નથી. ઉમાશંકર જોશીના શબ્દો ટાંકીને કહેવાનું મન થાય છે, ભાઈ, કોઈએ કંકુ ચોખા કર્યા નહોતાં. કોઈએ ક્યાં ય ચોખાનું આંધણ મૂકીને આપણને નોતર્યા નહોતા, કે ભાઈ તમે કવિતા લખો, વાર્તા લખો, નિબંધ લખો.... દરેક નિજાનંદે લખે છે. હું જો કોઈ સામે આંગળી તાકું છું, તો તેની સામે તો એક જ આંગળી તકાય છે, ત્રણ તો મારી સામે, ખુદની સામે તકાતી રહે છે. તેમ હું કોઈની આલોચના કરું ત્યાર તેની સામે તો એક છે, ત્રણ મારી સામે છે, તેનું શું ? ..... હા, ક્યારેક વળી ઉદાસીનતા અને ઉપેક્ષા પણ જોવા મળતી હોય છે. આવું હોય તો તેને સારુ એક માત્ર વિધેયક માર્ગ લેવો જોઈએ. નરી ટીકાટિપ્પણનો માર્ગ લેવો બરાબર નથી. બલકે ન્યાય મેળવવાને સારુ સતત રજૂઆતો કરવી જોઈએ. આથી, ડાયસ્પોરાના કવિ-લેખકગણને વિનંતી છે કે આપણે Negativityમાંથી, નકારાત્મકતામાંથી બહાર નીકળીને સૌને સાંકળવા માટેનો પ્રયાસ કરીએ. એ માટેના નુસખાઓ શોધી કાઢીએ. તેની તપાસ કરીએ. વારુ, આ વિષય અંગે લાંબા અરસાથી, સરેરાશ ૧૯૮૮થી, સતત બોલતો અને લખતો રહ્યો છું. આ વિશે આમ માહિતીવિગતો છે અને તેને ય ધ્યાનમાં લેવા ધારી છે. એ મિષે એક દાખલો આપું. કવિ-લેખક છું નહીં, અને છતાં, ૧૯૮૦-૮૧થી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’, અમદાવાદ સાથેનો ઘનિષ્ઠ નાતો થયો છે, અકાદમીના મહામંત્રીપદને જવાબદારીપૂર્વક જાળવવાનું જ આ કામ છે, તેમ સમજું છું. તેને સતત સંવર્ધિત કરતો આવ્યો છું. કવિ લેખક તરીકેની વાત છોડી દઈએ. અમદાવાદના સાહિત્યકારો, કર્મશીલો, પત્રકારો, અન્ય મિત્રો સાથેના ય આજે મીઠા સંબંધો છે. આ સંબંધો બંધાતા જો કે વાર લાગે છે. સંબંધો કેળવવામાં અને એવા સંબંધો, દેશ પરદેશમાંનાં કવિ લેખકો સાથે, જાળવવાનું ખાસ અગત્યનું બને છે.
ડાયસ્પોરાના આપણા કવિલેખકોને પૂછવું છે : આપણે દેશ પરદેશ જઈએ છીએ, ત્યારે આપણે આવી પરિષદોમાં જઈએ છીએ ખરા કે ? આપણી િબરાદરી સંગાથે સંબંધો કેળવીએ છીએ કે ? પ્રકાશકોને મળીએ છીએ, એકાદ પ્રકાશક નહીં, અનેક સાથે આપણે પરિચય કેળવીએ છીએ ખરા ? સેતુ રામેશ્વરની યાત્રાએ જઈએ છીએ, કાશી વિશ્વનાથ જવું છે. સોમનાથ, દ્વારકા, ય જઈએ છીએ. ડાકોર જઈ રણછોડરાયની જય બોલાવીએ છીએ. પોતાના સ્વાર્થની વસ્તુ છે, પોતાના નિજી સ્વાર્થની જ આ વાત બને છે, તો આપણે કેમ સજાગ ન રહીએ ? પરિણામે, આ કામ પહેલું કામ કરવાનું છે, જો આપણે ત્યાં જતા હોઈએ ત્યારે સંબંધો બાંધવાનું, પરિચયો કેળવવાનું કામ પહેલવહેલું જ કરવાનું હોય. કેમ કે તેને વખત લાગે છે.આંબો વવાયા પછી, કેરીને બેસતાં, ભાઈ મારા, વાર લાગે છે. આજના એટલે કે ત્રીજી મે ૨૦૦૯ના મુંબઈથી નીકળતાં “સન્નડે એક્સપ્રેસ”
સાપ્તાહિકમાં આપણા મિત્ર મેઘનાથ દેસાઈનો એક લેખ છે. એનો હવાલો મારે આપવો છે. એ લેખમાં મેઘનાદ દેસાઈ એમ કહે છે કે બધાએ બહુ જ ઝડપી પ્રગતિ કરવી છે, પરંતુ એ પરિણામને વખત લાગે છે. ૩૮ વર્ષ પહેલાં એ લેબર પાર્ટીમાં જોડાયા થયા. કર્મશીલ
થયા અને ધીમે ધીમે આગળ વધ્યા. આજને પદે પહોંચ્યા. વખત લાગે છે. રાતોરાત કશું જ થતું નથી. લેખકોનું, આપણી વાર્તાઓનું, આપણી કવિતાઓનું, આપણા નિબંધોનું પણ એવું જ છે. અને બીજા એક અનુભવને આધારે કહેવું છે. જરૂરિયાત અનુસાર, બીજી ટોપી
પહેરવાની છે, જેની સાથે હું સંકળાયેલો છું, તે “ઓપિનિયન”ની પણ વાત કરું. ૧૫ વર્ષ થયાં છે. વાચકો આજે પણ તૂટે છે, મળતા નથી. કારણ કે આપણા લેખકો અને કવિઓ ય ધીમે ધીમે હવે ખોવાઈ પણ રહ્યાં છે. ૧૯૭૯માં આપણે સૌથી પહેલી પરિષદ કરી.
વેમ્બલીના ઈલિંગ રોડ ઉપર. અત્યારે જે લેબર પાર્ટીનો હોલ છે, તે લોરિ પોવેટ હૉલમાં. તેને ૩૦ વર્ષ થયાં. આજે હવે આ આઠમી પરિષદ થઈ છે. એ વખતે કેટલા મોટા ગજાનાં કવિઓ-લેખકો આપણી વચ્ચે હતાં. ક્યાંક શાંતિથી વિચારવાની જરૂર છે. આપણા એ
કવિ-લેખક ગયાં. નિબંધકાર ગયા, ઈતિહાસકાર ગયા, કોને કોને એમ યાદ કરશું ? અને એ બધાંની જ વાત કરીએ. આ પરિણામે બધાને સમજાવું જોઈએ કે આપણે કોઈ એ જગ્યા ભરી શક્યા જ નથી. આપણી આ કવિ-લેખકોની જમાત એક કે બીજી રીતે તૂટી રહી છે, ગુજરાતી ભાષા અને સાહિત્યમાં રસ લેનારો જે વર્ગ હતો, એ પોતાની યુવાનીમાં, પોતે જાતે ગાડી ચલાવીને, આસાનીથી, આવી સભાબેઠકોમાં આવી શકતો હતો. આપણે એ પછીની પેઢીને તૈયાર કરી શક્યા જ નથી અને સાથે સાથે એ સમજીએ અને સ્વ્ીકારીએ કે, એ વખતે, ૩૦ વર્ષ પહેલાં આપણી ઝુંબેશમાં આવી શકતો વર્ગ આજે તેમ કરી શકતો નથી. આવનજાવન માટે આજે કોઈ પર તેને આધાર રાખવો પડે છે. તેમને લઈ જાય, મૂકી જાય, તે માટે. અને એ નવોદિત વર્ગને આપણી આવી પ્રવૃત્તિઓમાં કેટલો રસ? આપણે આવો રસ તે પેઢીમાં જન્માવી શક્યા જ નથી. આથી, આપણે આપણી કેટલીક મર્યાદાઓ જોવાતપાસવાની છે. બીજી જે વસ્તુ એ થઈ છે કે કેટલાક, વળી, કોઈ પણ કારણે, નોખા ચોકાઓ થયા છે. એને કારણે ક્યાંક અહીં-તહીં ટકરાતા પણ રહ્યા છીએ. આ બધા વ્યવહારુ સવાલોની સામે આપણે આપણી આ ઝુંબેશને જોવી પડશે.
મિત્રો, મારી સામે જે વિષય મુકાયો છે તે ‘બ્રિટનમાં ગુજરાતી સમાજની દશા અને દિશાનો’. તેની તો વાત કરું જ છું, પરંતુ, આપણે મૂળ તો એ જ જોવાનું છે. એમાં સર્જન, સાહિત્ય, પ્રકાશન અને અનુવાદના મુદ્દાઓ જોવાના રહે છે. અને એ આપણે જોઈએ; પરંતુ, ૧૯૮૮થી આ બાબત સતત હું કેવળ બોલતો જ રહ્યો છું. આ વિષયે લખતો ય રહ્યો છું, તો હું નવું શું કહેવાનો છું ? માટે મારે તો વળી શું નવું રજૂ કરવાનું છે ? વળી, ઘનશ્યામભાઈ પટેલ સરીખા વિવેચક પૂછી ય પાડે કે, ભાઈ, પુનરાવર્તન સિવાય બીજી નવી શી સામગ્રી તમે આલવાના હતા ? તો પાછી મારે જ ઉપાધિ ! આથીસ્તો, જે કંઈ કહેવાનું છે તે ફેર કહેવાનું થાય અને કોઈએ આપેલા મુદ્દાઓ પેશ કરવાના થાય. “અસ્મિતા”ના અંકોમાં, “ઓપિનિયન”ના અંકોમાં, તેમ જ અન્યત્ર આ વિશેનાં વિવિધ લખાણો જોવાવાંચવા અનુભવવા મળતાં રહ્યાં છે. “અસ્મિતા”ની વાત, ચાલો, પહેલી જોઇએ. તેના પહેલા જ અંકમાં, વિનય કવિ, હર્ષદ વિ. વ્યાસ, બળવંત નાયક, ભાનુશંકર ઓધવજી વ્યાસ તેમ જ રમણભાઈ એચ. પટેલના લેખોથી કેવી સરસ માંડણી બંધાઈ છે. અને પછીના સાતેસાત અંકોમાં, યોગેશ પટેલ, રોહિત બારોટ, િમરઝા મહમ્મદ બેગ, ભદ્રા પટેલ, પોપટલાલ શિ. જરીવાળા, બળવંત નાયક, દીપક બારડોલીકર, જગદીશ દવે, પ્રીતિ સેનગુપ્તા, અદમ ટંકારવી, વલ્લભ નાંઢા, વગેરે વગેરેના વિધવિધ લેખો નિરાંતવા-વાંચવા તપાસવા સમ છે જ છે. તદુપરાંત, આજ લગી, બહાર પડેલા “ઓપિનિયન”ના દરેક અંક પણ આ માટેની લા-જવાબ તથા અદ્વિતીય સામગ્રી છે. એમણે જે
મહેનત કરી છે એ મહેનતની સરખામણીમાં હું તો તમને નવું શું કહેવાનો છું ? વળી આ ઉપરાંત હજુ હમણાં, ગત જાન્યુઆરીના આરંભે, અમદાવાદ ખાતે, યોજાયેલા બંને પરિસંવાદોમાં પણ આ અંગે ભદ્રાબહેન વડગામા, અનિલભાઈ વ્યાસ, રમેશભાઈ દવે, મધુસૂદન કાપડિયા, પ્રકાશભાઈ ન. શાહ, મંગુભાઈ પટેલ, ઈલાબહેન પાઠક, શિરીનબહેન મહેતા, મકરન્દભાઈ મહેતા તેમ જ દાઉદભાઈ ઘાંચીએ પોતપોતાના વિવિધ વિચારો પેશ કરેલા જ છે. એથી મોરનાં ઈંડાંને ચીતરવાની કોઈ જરૂર નથી. ચાલો, એ બધું જ કોરાણે મૂકી
દઉં છું અને આપણે આપણી ડેલીમાં જ અહીં બેઠાં હોઈએ તેમ, આપણે સૌને કહીએ કે આવો, અહીં 'ઢોલિયા' પાથર્યા છે. તમે અને હું અડખેપડખે બેઠા છીએ. હમણાં કાવા કસુંબા થશે અને કાવાપાણી કરતાં કરતાં આપણે જાણે કે પેટ છૂટી વાતો કરીએ - આ પ્રશ્નની
મૂળ વાત રજૂ કરવી છે એટલે ભાષણને અને બાજોઠને જ બાજુમાં મૂકી દઈએ. આ વિષય હેઠળ, આપણે હવે ત્રણ મુદ્દાઓની ચર્ચા કરવાની છે : સાહિત્યસર્જન, પ્રકાશન અને અનુવાદ. પ્રથમપહેલાં, સાહિત્યની વાત લઈએ. ૧૨ ફેબ્રુઆરી ૧૯૭૭ના દિવસે ‘ગુજરાતી સાહિત્ય મંડળ’માંથી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની રચના થઈ. આપણે અહીં જો એકડો મૂકતા હોઈએ તો જરૂર મૂકીએ. આ આપણા ઇતિહાસની અત્યંત અગત્યની તારીખ છે. ત્યારથી ગણતરી કરીએ તો આજ સુધી આપણે કેટલા બધા સાથીદારો ગુમાવ્યા છે; અને આ બાર મહિનાનો જ ગાળો લઈએ, તો મહેશચંદ્ર કંસારાથી માંડીને, પોપટલાલ જરીવાળાથી માંડીને, ડાહ્યાભાઈ પટેલથી માંડીને, પોપટલાલ પંચાલ અને વિનય કવિ સુધી અગત્યના મોટા મોટા સ્થંભ આપણી વચ્ચેથી વિદાય થયા છે. ખરું ને ?
તેની જગ્યા પૂરવાને આપણે નવા, બરોબરિયા, કવિ કે લેખક, મોટા ભાગે, તૈયાર કરી શક્યા નથી. ઉમાશંકર જોષી કહે છે તેમ 'કલમ' ઘડવાનું આ કામ છે. અને ના નહીં જ, આપણી વચ્ચે, છતાં, એક જબ્બર કામ થયું છે. છછ વરસથી એક રીડર્સ ગ્રુપ - વાચક જૂથ
- ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’, બ્રેન્ટ લાઇબ્રેરી સેવાઓના સાથસહકારમાં, ચલાવી રહ્યું છે. પોપટલાલ પંચાલ, વલ્લભ નાંઢા, અનિલ વ્યાસની રાહબારીમાં, આપણને કેટલાક નવા લેખકો, વાર્તાકારો એમાંથી જરૂર મળ્યા છે. અહીં વ્યાપીઠે, અનિલ વ્યાસની બાજુમાં નીરુબહેન દેસાઈ બેઠાં છે. ‘હેરૉ વિમેન્સ એસોસિયેન્સ’ના નેજા હેઠળ, એમણે એક જુદો જ પ્રયોગ કર્યો અને કેટલીક નવી કવિતાઓ અને વિચાર-સ્પંદનોની બે ચોપડીઓ એ સંસ્થા હેઠળ બહાર પડી છે. આ પણ આપણો એક પ્રયોગ છે. એવું જ ઉત્તર ઈંગ્લેન્ડમાં, બર્મિગમમાં, બ્લેકબર્ન, પ્રેસ્ટન વિસ્તારોમાં પણ બન્યું છે. ઉત્તરમાં, વળી, મિત્રોએ ૧૯૭૨-૭૩થી ચાલતી સાહિત્યની પ્રવૃત્તિઓમાં કલમ ઘડવાનું
સોજ્જું કામ કર્યું છે. કેટલાક કવિઓ મળ્યા છે. પણ જેની જગ્યા આપણે પૂરવાની છે, એ જવાબદારી આપણે પૂરી રીતે િનભાવી શક્યા નથી. સમજાય છે, આ સહેલું સરળ કામ નથી જ નથી. હકીકતે, આ બધાની, સૌની વાત છે; માટે પૂછવું છે, આ કવિ-લેખકોએ જે કંઈ
લખાણ આપણને આપ્યું છે, એમણે જે કંઈ ગુજરાતી સાહિત્ય-સર્જન કર્યું છે, તે ખરેખાત, ગુજરાતી ડાયસ્પૉરિક સાહિત્ય સર્જન છે કે ? આ સવાલ મારે મન અગત્યનો છે.ડાયસ્પોરિક સાહિત્ય સર્જન નામે જે લેખનકામ થઈ રહ્યું છે તે કદાચ ચીલાચાલુ - બીબાંઢાળ અને જરીપુરાણી ફોર્મ્યુલામાં થઈ રહ્યું છે. ક્યાંક પતિ પત્ની, ક્યાંક કુટુંબ, ક્યાંક, જરાક, સમાજના પ્રશ્નો વણાયા છે. તેમ છતાં માહોલ તો ગુજરાતનો છે. અરે ભઈલા, ગુજરાતને છોડીને આપણે નીકળ્યા એને તો ૫૦-૬૦ વરસનો ગાળો થઈ ગયો. કોઈક દાખલામાં તો પેઢી બે પેઢી અને ક્યાંક ત્રણત્રણ પેઢીનું અંતર પડયું છે. ઝાંઝીબારના, ટાંગાનિકાના, મલાવીના, દક્ષિણ આફ્રિકાના, વિલાયતના એમ વિવિધ અનુભવો; આપણા વિધવિધ પ્રશ્નો; આપણી આ કે તે વાતો; અડતોનડતો રંગભેદ; માનસિક તાણ; રોજગારીમાં ભેદભરમ; પ્રવાસ; આફ્રિકા જેવા દેશપરદેશના મુલકોમાંથી મૂળ સોતાં ઊખડીને અન્યત્ર ખોડાવું; ધર્મ અને સંસ્કૃિત સામેના પડકારો; જ્ઞાતિ બહારના જ હવે નહીં, ધર્મ તેમ જ જાતિ બહારના લગ્નવ્યવહારો; સ્ત્રીસશક્તિકરણની ડાહી ડાહી વાતો; વડીલ વર્ગ અને તેમના સવાલો; નિજી સ્વતંત્રતા; પશ્ચિમિયા નીતિપ્રવાહો;
અલાયદી જીવન પદ્ધતિ; યુરોપીય નીતિરીતિ; વગેરે વગેરે − આ બધી વાતો આપણાં સાહિત્યમાં લાવીએ છીએ ખરાં ? નથી લાવી શકાઈ, તો વિચારીએ, કે તે કેમ નથી આવી શકી; તો તેની ય વેળાસર માંડણી કરીએ.
કવયિત્રી નિરંજના દેસાઈએ, અહીંના વૃક્ષ-પાન-પશુ-પંખીનાં કેટલાંક નામોને કવિતામાં આમેજ લીધાં છે. ઘણાં તેમ કરી શક્યાં જ નથી. આપણે જાણીએ છીએ, વાતો કરીએ છીએ. અને છતાં, હજુ અહીંયા બેઠા બેઠા ઉદાહરણરૂપે રાજકોટની, જામનગરની, અમદાવાદની, કલોલની વાત લખાણમાં જાણે કે કરતા રહીએ છીએ ! અરે, ગુજરાતને છોડીએ. ગુજરાતવાળા સહજ સ્વાભાવિક તે વિશે લખશે. તે કામ તેમને સારુ રહેવા દઈએ. એ ભૂલ મુંબઈએ કરી છે. ચંદ્રકાન્ત બક્ષી કહેતા હતા કે મુંબઈના કોઈ લેખકે મુંબઈના ગુજરાતી સમાજની વાત લખી નથી. વાત દેખીતી ખરી છે. મુંબઈમાંના લેખકોનાં આપણે પુસ્તકો જોઈશું, તપાસીશું તો કદાચ તેની ખબર પડે. એમણે જે 'કંઈ લખ્યું છે તે ઉપરછલ્લું, ગુજરાત સાથેના અનુબંધવાળું લખ્યું હોય તેમ પણ બને. પણ પછી ડાયસ્પોરા એટલે શું? મુંબઈમાં રહેનારો માણસ એ મરાઠી વાતાવરણમાં જીવે છે, શિવકુમાર જોશી, મધુ રાય કે ચંદ્રકાન્ત બક્ષીએ બંગાળી ડાયસ્પોરામાં શ્વાસ ભર્યા
છે. અમૃતલાલ વેગડ મધ્યપ્રદેશમાં લોકો વચ્ચે જીવે છે એની વાત આ જે તે લેખકો લાવી શકતા હોય તો મુંબઈનો કેમ ન લાવે? આફ્રિકાના કેમ ન લાવે? એમ વિલાયતના કેમ ન લાવે? કદાચ આપણે આપણી જાતને પૂછવું પડશે, આપણો એ ટકોરાબંધ સાહિત્યનો ખડખડાટ જો સાંભળવો હોય તો આપણે આપણું પોતાપણું ઊભું કરવું પડશે. સારું છે, કે કોઈ પણ કારણે ખિસ્સામાં થોડા પૈસા છે. ૨૫૦-૩૦૦-૪૦૦ પાઉન્ડ ખરચીને આપણે પુસ્તક પ્રકાશન કરી શકીએ છીએ. સારી વાત છે. પણ આટલું કહેવા દો, મિત્રો. વેમ્બલીમાં આવી પેલી પ્રેસ્ટન મેનર હાઈસ્કૂલના હૉલમાં, વર્ષો પહેલાં, દિવંગત ભાનુબહેન કોટેચાનું પુસ્તક - ‘પૂર્વ આફ્રિકાને પગથારે’નું - લોકાર્પણ થતું હતું. હિંદી વસાહતીઓ બાબત સંશોધન કરેલું આ પુસ્તક. દિવંગત પ્રાણલાલ શેઠ જોડે હું ય એ પુસ્તક પ્રકાશિત થાય તે સારુ આરંભથી સંકળાયો હતો. ત્રણચાર વખત ભાનુબહેનની સાથે બેસીને એ સંપાદિત કરવામાં અમે મદદરૂપ થઈ શક્યા, એ પુસ્તકની વાત કરું છું. લોકાર્પણ આપણા વરિષ્ટ સાક્ષર મનુભાઈ પંચોળી ‘દર્શક’ કરી રહ્યા હતા. એ પુસ્તક જોઈ ગયા પછી, એના વિચારોમાં વ્યસ્ત, એ હોલની અંદર જે પહેલું વાક્ય એમણે કહ્યું એ જ વાક્ય, આપણા કવિ લેખકોને કહેવાનું મને મન છે. મનુભાઈ પંચોળી - ‘દર્શકે’ ત્યારે કહેલું, દુનિયા આખીમાં ગણનાપાત્ર માત્ર ચાર કવિઓ જ છે − વાલ્મીકિ, કાલિદાસ, શેક્સપિયર અને રવીન્દ્રનાથ ટાગોર. આ
મનુભાઈના શબ્દ છે - બાકી સૌ ઝાડનો ખો કાઢી રહ્યા છે ! .... એક તરફ, પુસ્તકનું એ વિમોચન કરી રહ્યા છે અને બીજી પા, ‘દર્શક’ પાયાગત વાત કહી રહ્યા છે : પર્યાવરણનો આ મૂળગત સવાલ છે. આપણી સામે ઝાડ ઉછેર - વૃક્ષ ઉછેરની સાદી સીધી
તદ્દન વાત આવી રહી છે. એનો એ પડકાર આપણા કવિ-લેખકોને છે.
આ બધા પ્રશ્નોને લઈને આપણે ચર્ચાવિચારણા માંડવી જ પડશે. જો આપણે તેમ કરી શકતા ન હોઈએ, તો અમીબા[amoebae]ની પેઠે વિસ્તૃત થયા વગર, - કનૈયાલાલ માણેકલાલ મુનશીને 'ગુજરાતનો નાથ' પ્રકાશિત કરતાં જેમ દસ વરસ લાગે છે, એમ આપણા કવિ લેખકોએ પણ, દર વરસે પુસ્તક આપવાને બદલે, બે-ત્રણ-ચાર-પાંચ વર્ષે, શાંતિથી, એકાદું મજેદાર પુસ્તક કરવાનું રાખવું જરૂરી બને છે. આજકાલ કેટલાંક રેઢિયાળ પુસ્તકોને ગાંધીનગરનાં અને અમદાવાદનાં ઈનામો મળે છે. આપનાર અને લેનાર બંને સામે આંગળી ચિંધી શકાય છે. ટકોરાબંધ સાહિત્યકાર હોય, એમણે રચેલાં ટકોરાબંધ પુસ્તકને ઇનામ મળે, એ દિવસની મને રાહ છે. અત્યારે તો છાતી સામૂકી ભીંસાય છે.એથીસ્તો, કહેવાનું મન એ થાય - નાનજી કાલિદાસ મહેતાએ જ્યારે એમની આત્મકથા લખી - એ કેટલું ભણ્યા હશે ? દસ વરસની ઉંમરે તો એ યુગાન્ડા ગયેલા, ઝાઝું ભણ્યા ય નહોતા. ગુજરાતી ડાયસ્પોરાનું એમણે એક ઉત્તમ પુસ્તક આપ્યું છે, આત્મકથાનું. અને એમણે જે રજૂઆત કરી છે એ માત્ર યુગાન્ડાની જ વાત નહોતી, એ આપણી વસાહતની બોલતી કહાણી છે. પ્રભુદાસ ગાંધીએ દક્ષિણ આફ્રિકામાં રહેતા રહેતા ‘જીવનનું પરોઢ’ આપ્યું. મોહનદાસ કરમચંદ ગાંધીનું આ ૨૦૦૯ને મસ્સે વિશેષ સ્મરણ છે. લંડનથી દક્ષિણ આફ્રિકા જતાં, નવેમ્બર ૧૯૦૯ દરમિયાન, ‘કિલડોનન કેસલ’ સ્ટીમરમાં બેઠા બેઠા એમણે જે પુસ્તક લખ્યું, તે ડાયસ્પોરાનું એક બીજભૂત કામ (સીમિનલ વર્ક) છે, એટલું જ નહિ, પણ આ દુનિયાનું એક મોટું ‘seminal work’ છે. તમે અને હું તેને 'હિંદ સ્વરાજ' તરીકે ઓળખીએ છીએ. આ ડાયસ્પોરાએ દીધું પુસ્તક છે. એવું જ બીજું પુસ્તક : ગાંધીએ લખેલો દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ. ગાંધીનું સાહિત્ય આપણને ગમ્યું હોય. ‘આત્મકથા’, ઇત્યાદિની વાત છોડીએ. ‘આત્મકથા’નું ગુજરાતી વધારે સારું અને સરળ છે. ‘હિંદ સ્વરાજ’નાં ગુજરાતી વિષે વિદ્વાન વિવેચકો આલોચના ને ટીકાઓ ય કરે. અને છતાં, એ ‘seminal work’ તરીકે જાહેર કેમ થતું હશે ? કહેવું છે એટલું જ કે આપણે
થોડો અભ્યાસ કરીએ. થોડા ઊંડા ઊતરીએ, થોડા આપણા અનુભવોને માંહે લાવીએ. કેટકેટલા પ્રશ્નો આપણી સામે પડ્યા છે ! એ પ્રશ્નોને લખાણમાં આણીએ તો જ એની કિંમત છે.પ્રકાશનની વાત કરવાનું મન પણ એટલું જ છે. આ દેશમાં શું શું પ્રકાશન થયું ? પહેલાં એ જોઈ લઈએ. આપણે તો આપણી દશા તપાસવાની છે અને થોડી દિશા ય જોવાની છે. દિશામાં એટલું જ છે આપણા એક વખતનાં કોષાધ્યક્ષ દિવંગત હીરાલાલ શાહનું એક પુસ્તક “ગુજરાત સમાચારે” આપ્યું. બર્મિંગમના આપણા કવિ, પ્રફુલ અમીનનું એક કાવ્ય-પુસ્તક, ‘અમે અમથારામ’ બર્મિંગમમાં જ મુદ્રિત થઈ પ્રગટ થયું. એ જ રીતે વિનય કવિનું એક પુસ્તક પણ અહીં લેસ્ટરમાં ટાઈપસેટ થયું અને રાજકોટથી પ્રકાશિત થયું છે. અને પછી પૂર્ણવિરામ આવી જાય ! તે પછી, કદાચ, એકાદું પુસ્તક લઈ શકીએ : ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’નું Prospectus. અંગ્રેજીમાં અને ગુજરાતીમાં મુદ્રિત થયું છે, અહીં જ છપાયું છે, પણ એ તો ભાષા-શિક્ષણ માટેનું કામ છે. આ સિવાયનાં પુસ્તકો આપણે અહીંયા કરી શક્યાં નથી. ખર્ચાળ છે અને અહીં કરવું વ્યાજબી હોવા છતાં, એ થઈ શકે એમ નથી. એટલે આપણી નજર હિંદના પેટાખંડ તરફ જાય છે. પેટાખંડ - શબ્દ સાચવીને કહું છું - પેટછૂટની વાત કરવી છે, એટલે. પ્રેસ્ટનના કદમ ટંકારવીનું એક પુસ્તક બે વર્ષ પહેલાં મળ્યું છે. એ પાકિસ્તાનથી છપાઈને આવ્યું છે. ગુજરાતીમાં દીપક બારડોલીકરની કેટકેટલી ચોપડીઓ કરાંચીમાં છપાઈ છે. દક્ષિણ આફ્રિકાના દિવંગત કાંતિ મહેતા 'આશ્લેષ' આપણા એક કવિ છે. જોહનિસબર્ગ હતા. દક્ષિણ આફ્રિકામાંથી એમનાં એકાદબે પુસ્તકો થયાંનું સ્મરણ છે. નાની પુસ્તિકા છે. પણ, પછી શું ? મોટા ભાગનાં જે પુસ્તકો છપાયાં છે, તે ગુજરાતમાં છપાય છે, કેમ કે સસ્તાં પડે છે, સારાં પડે છે. ભારત કે પાકિસ્તાનમાં પુસ્તક પ્રકાશનનું કામ િકફાયત અને ખિસ્સાને પરવડે તેવું રહ્યું છે. માટે પ્રકાશકો સાથે સંબંધો કેળવવા
જોઈએ. એમને હળવું મળવું જોઈએ.‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ની આપણે આ પહેલાં વાત જ કરી છે. તેના કાંદિવલી અધિવેશનમાં તો ઘણી બધી વાત કહેલી. કાંદીવલી અધિવેશન વખતે હું જે કંઈ બોલ્યો હતો, એ વિષે મારા પર પસ્તાળ પડી છે. એ હું સમજું છું પણ મારે જો કહેવાનું આવે, તો હું, ફરી એકવાર, એ જ વસ્તુ વાત, જરા વધુ વાર, ફરી ઘૂંટી ઘૂંટીને કહું. કારણ કે મને એના વિશેની એષણા નથી. મારા ભાંડુઓ વિષે, મારી માદરેજબાનના આ સિપાઈઓ માટે સ્વાભાવિક મારે વાત કરવાની જ હોય. કાંદિવલીમાં વાત કરી હતી, એનું પરિણામ એ આવ્યું કે ત્યાર પછીના પ્રમુખોએ એમાંનું કંઈ જ સ્વીકાર્યું હોય તેવી એંધાણી મળતી નથી; એક માત્ર, દિવંગત બકુલ ત્રિપાઠીએ પરદેશમાંના કવિ લેખકોની બેઠકો શરૂ કરેલી.
લેખકોના પ્રકાશકો સાથેના સંબંધો સુધરે અને એ જો મજબૂતાઈથી સંબંધો બંધાતા થાય, તેમ થવું જોઈએ. એવી બેઠકો કરીએ. ભલા માણસ, જાતને પૂછીએ : બકુલ ત્રિપાઠીએ કરી તેવી સભાબેઠકોનો, આપણા કવિ-લેખકોએ લાભ કેટલો લીધો ? બકુલભાઈ કમભાગ્યે લાંબું જીવ્યા નહીં. આપણા કમનસીબ. બકુલભાઈ જીવ્યા હોત તો આવો સંબંધ જરૂર વિસ્તર્યો હોત. વારુ, આ પુસ્તક પ્રકાશનની જે વાત કરી છે એ તથા સામાયિકો, પુસ્તક પ્રકાશન અને સંસ્થાઓ. પુસ્તક પ્રકાશન અને વ્યક્તિઓ, તેમ જ પ્રકાશન સંસ્થાઓ અને
વિક્રેતાઓ − આ બધું અગત્યનું પાસું છે. એ સઘળું સામેલ કરતાં રહીને પણ આપણે આપણું કામ આગળ કરવું જોઈએ. હું સમજું છું ત્યાં સુધી ૧૯૭૯થી માંડીને આજ સુધીના આ અને આવા અધિવેશનોમાં, આવી વાત સતતપણે કહેવાતી આવી છે, પણ છતાં ક્યાંક આપણો કવિ લેખક પોતે ખુદ પણ ચૂકે છે. એણે પોતાના નિજી હિતની ખાતર થઈને પણ ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ સાથે, ગાંધીનગરની ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ સાથે, મુંબઈની ફાર્બસ ગુજરાતી સભા સાથે, “પરબ”, “શબ્દસૃષ્ટિ”, “ત્રૈમાસિક”, “ઉદ્દેશ”,
“બુદ્ધિપ્રકાશ”, સરીખાં એ બધાં સમસામયિકો સાથે, પ્રકાશકો સાથે પણ જીવંત સંબંધો કેળવવા જોઈએ. વાંચન કરવું જોઈએ અને સોજ્જા અભ્યાસ સાથે જ લેખનકામ કરવું જોઈએ. એક અઠવાડિયું, બે અઠવાડિયું, ત્રણ અઠવાડિયાના પ્રવાસે જઈએ એમાં જ એ સવાલ તાકીદે
(ઇન્સ્ટન્ટ) કેળવવાનો હોતો નથી. એને વાર લાગે છે એ કેળવવા માટે એક વરસ, બે વરસ, વધુ વરસ પણ થાય છે. દાયકો પણ લાગે, બે દાયકા પણ લાગે. મહેનત કરવી પડે છે. બીજી એક વાત એની સાથે એટલી જ વણાયેલી છે. આપણે એવું કહીએ છીએ કે ‘ગુજરાતી
સાહિત્ય પરિષદ’ કે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ અમારી પ્રત્યે ધ્યાન નથી આપતી. વાત ખરી જ છે. કે અને ગુજરાત માંહેના કવિ લેખક આપણે ત્યાં આવે છે, ત્યારે આપણે તેને હેરવીએ છીએ ફેરવીએ છીએ. અહીંના રોકાણ દરમિયાન વળી તેણે દુનિયા આખીના
મધ-મીઠાં વચનો ય આપ્યા હોય છે. એ લોકો વચન તો આપી જાય છે, પરંતુ ત્યાં ગયા પછી, એમને આપણા માટે વખત નથી ! અહીં મહેમનાગતિ માણી છતાં, એક વાર પણ કોરી 'ચા' માટે ય, ‘ઘરે આવોને’, તેમ કહેતા તે સંભળાતા નથી ! એનું શું કારણ ?તેમની પેઠે આપણી પાસે પણ વખત નથી, એ હું સમજું છું, પણ સવાલ આટલો જ છે. આ માનવ સ્વભાવ છે. અને છતાં આવી ટીકામાંથી બહાર નીકળીએ. કેમ કે આપણી પાસે પણ વખત નથી. આપણે જ્યારે અહીં ડાયસ્પોરા વિસ્તારમાં રહી, ગુજરાતી જબાનમાં લખીએ છીએ, ત્યારે આપણે એક નબળા પડ પર ઊભા છીએ તેટલું સમજાઈ જવું જોઈએ. ત્યારે એ સંબંધ કેળવવા માટે વિસ્તરવા માટે વધુ સમય અને શક્તિ આપણે ખરચવાં પડશે. અને જ્યાં સુધી મુખ્ય પ્રવાહમાં આપણું વજન નહીં પડે, ત્યાં સુધી વેમ્બલીના, લેસ્ટર કે પ્રેસ્ટનના માહોલમાં ઝાઝું ફેરફૂદડી કરી કૂદી શકવાનાં જ નથી. મુખ્ય પ્રવાહ સાથે પરિણામે રહેવાનું અત્યંત આવશ્યક છે.
રણજિતરામ મહેતાને આટલાં બધાં વર્ષો પહેલાં જે સૂઝેલું, તે એમની સ્થાપી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ચૂકી છે. તે ચૂકે, પણ આપણે તો ચૂક્યા નથી ને? તો આપણે તે સંદર્ભે કંઈક કરવું પડશે. શું ? આજે અમદાવાદમાં બેઠી ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ ગાંધીનગરમાં બેઠી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ કે મુંબઈમાં બેઠી ‘ફાર્બસ ગુજરાતી સભા’ કે પછી, બીજી બધી તેવી તેવી સંસ્થાઓ એકલી કામ નહીં જ કરી શકે. આ ઠોકીઠોકીને, સતત, કહેતા રહેવું પડશે. આ ગ્લોબલાઈઝ્ડ વર્લ્ડમાં, આ વિશ્વગ્રામમાં, એમણે અમદાવાદની બહાર નીકળવું જ પડશે. રાજકોટ, સુરત, વડોદરા, ભૂજ, પાટણ, વલ્લભવિદ્યાનગર એ તો ઠીક, પણ મુંબઈ, કોલકોત્તા, ચેન્નઈ તો ઠીક, સિંગાપોર, લંડન, જોહનિસબર્ગ, ડરબન, મૉસ્કો, કૉમો, નાઈરોબી, ન્યૂ યોર્ક, ફિલાડેલ્ફિયા કે લોસ એન્જલસ, કે પછી તમારે જે કંઈ કહેવું હોય એ બધાંની સાથે, તે દરેકે, ઘનિષ્ઠ સંબંધ કેળવવો પડશે. કોઈ ચારો જ નથી. તે દિવસોમાં, એકસો વરસ પહેલાં, બળવંતરાય ઠાકોરને ય તે સૂઝેલું. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં વિવિધ સાધનો છતાં, આ વડેરાંઓને છત્તે આંખે આજે લગીર સૂજતું જ નથી ! આને મોટા માણસોની નાની જ વાત કહીશું કે ?!હમણાં લંડનના અર્લ્સ કોર્ટમાં એક આંતરરાષ્ટૃીય સ્તરનો પુસ્તકમેળો યોજાયો હતો. એમાં બે ગુજરાતી લેખકોએ ભાગ લીધો હતો. એક ગુજરાતીમાં લખતા નથી અને એક ગુજરાતીમાં જ લખે છે. વર્ષા અડાલજા ગુજરાતીમાં લખે છે. એ ત્યાં હતાં. અને સુકેતુ મહેતા, જેણે અંગ્રેજીમાં લખ્યું છે તે ય હતા. ત્યાં ઠેર ઠેર પુસ્તકો ભરી આલમારીઓ હતી. તે ફરીને જોઈ. ધ્યાનપૂર્વક જોઈ. આવડા મોટા જથ્થામાં પુસ્તકો ત્યાં હતાં. હિંદુસ્તાનના વિવિધ પ્રકાશકોને ધ્યાનમાં રાખીને, કેન્દ્રમાં રાખીને અત્યંત મહત્ત્વનું કામ થયેલું, આ પુસ્તકમેળાનું કામ. પરંતુ તેમાં એક માત્ર પુસ્તક ગુજરાતીનું હતું. આવું કેમ ? ગુજરાતીની છ-સાત કરોડ જનતાના પ્રતિનિધિ તરીકે, ગાંધીનગર અને અમદાવાદમાં બેઠા આ આગેવાનોને પૂછવાનું મન થાય છે : આ શરમજનક વસ્તુ નથી ? ગેંડાની જેમ હજુ ય તમે જાડી ચામડી રાખી વાણીવર્તનમાં ચકચૂર રાચતા રહેવાના છો કે ? શિરીષ પંચાલ સંપાદિત એક વાર્તાસંગ્રહ સિવાય બીજું કોઈ જ પુસ્તક તે આખા પ્રદર્શનમાં હતું જ નહીં ! હિંદુસ્તાનથી આવેલાં કુલ પર વાર્તાકારો, લેખકો, કવિઓ, વિવેચકોમાં એક માત્ર વર્ષા અડાલજા જ કેમ ? તળ ગુજરાતે ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ શું કરે છે? ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ શું કરી રહી છે? ત્યાં જે જાહેર ચર્ચા થઈ એ વિગતની ચર્ચા મારે હવે આગળ ધરવાની છે. તે મારો, હવે પછીનો, મહાભારત મુદ્દો છે − અનુવાદનો. તે ભણી મારે ફંટાવાનું જ છે. અનુવાદની
વાત નીકળી. ગુજરાતની કોઈ પણ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગમાં કોઈ દહાડે આપણે ગયા છીએ ખરા કે ? જવા જેવું છે. એ વિભાગમાં શું ભણાવાય છે, અને સ્તર કેટલું છે, એ આપણે કોઈ દહાડે જોયું તપાસ્યું છે? એમના અધ્યાપકો, પ્રાધ્યાપકો એમના વડા અને વળી એમના ય વડા ઉપરાંત ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ કે ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ કે જે તે બીજાં મંડળો છે તેમની શિથિલ વૃત્તિ વધતી ચાલી છે; તે વધુને વધુ એકલગંધી, સંકુચિત થતી ગઈ છે. એમ કેમ ચાલે ? એ જ્યાં ગુજરાતી ભાષાનું સાંચવી શકતી નથી તો એ અનુવાદનું શું કરશે? શું ઉજાગર કરશે ?
રવીન્દ્રનાથ ટાગોરનું ‘ગીતાંજલી’ તો આપણને ૧૯૧૨ની આસપાસ મળે છે. રવીન્દ્રનાથ ટાગોરે, ખુદ, ‘ગીતાંજલી’નું ભાષાંતર બંગાળીમાંથી અંગ્રેજીમાં આપ્યું છે; અને પછી, તે જ, આયરિશ કવિ ડબલ્યૂ. બી. યેટ્સ એને સુધારીને, આપણને પાછું પ્રકાશિત
કરીને આપે છે. આપણા કેટલા કવિ-લેખકોની પાસે આપણે આવી અપેક્ષા રાખી શકીએ ? કારણ કે જે તે કૃતિ તો છેવટે લેખકની કે કવિની હોવાથી પોતાની કૃતિનું ભાષાંતર કરવાનું સૌથી મોટું કામ તો એનું પોતાનું હોય; તેમ થવું જોઈએ. એવી ઝુંબેશના માતવર કોણ બને ? આપણા ભોળાભાઈ પટેલ ? રઘુવીર ચૌધરી કે? હું અહીં માત્ર બેત્રણ નામ જ આપું છું. પણ આ સમગ્રનું કામ છે. નિરંજના દેસાઈ કે અનિલ વ્યાસ કે યોગેશ પટેલ કે ભદ્રાબહેન વડગામા કે પછી જેનું નામ આપણે આપવું હોય તે લઈએ. મૂળગત આપણી કાબેલિયત કેટલી છે? આપણી સજ્જતા કેટલી છે, તે જ ચકાસવાનું છે. આપણું અંગ્રેજી કેવું છે, તે તપાસવાનું કામ અગત્યનું ઠરે છે.
આપણી વસાહતમાં અહીં જે સામયિકો નીકળે છે તેમાં ગુજરાતીની સાથે સાથે અંગ્રેજીમાં ય આવૃત્તિ આવે છે. એક નુસખો કરી જોઈએ : આપણાં છોકરાઓને તે આવૃત્તિ આપીએ તો ખરા. ઘડીભર જો તે વાંચી શકતા હોય તો. અંગ્રેજીમાં તે જરૂર લખાય છે; પણ ભઈલા, ક્યું અંગ્રેજી ? મારા બાપદાદા વાંચતા હતા એ અંગ્રેજી કે ? જેમ આ દેશમાં જુદું અંગ્રેજી છે, તેમ ઓસ્ટ્રેલિયાનું જુદું અંગ્રેજી છે, તેમ અમેરિકાનું જુદું છે, કે દૂર પૂર્વનું ય જુદું છે. આમ સઘળે જુદું જુદું અંગ્રેજી છે. એની સમજણ આપણે
ક્યારે કેળવીશું ?
વરસો પહેલાં, ‘સાઉથ એશિયન લિટરેચર સોસાઈટી’ની આ દેશમાં બોલબાલા હતી. તે એક જીવંત સંસ્થા હતી, તે આજે નથી. દુ:ખ બહું મોટું છે. એણે અનુવાદનાં જે કામો બતાવ્યાં, તેની ચોમેર ભારે સરાહના થયેલી છે. મોટા ભાગના આપણા કવિ-લેખકો એમાં સામેલ થઈ શક્યા નહોતા. જો કે આજે પણ આપણા કવિ-લેખક પંજાબી સાથે, ઉર્દૂ સાથે, હિન્દી સાથે, બંગાળી સાથે, મરાઠી સાથે, તમિળ સાથે, કન્નડ સાથે ય આદાનપ્રદાન કરી શકતો નથી; તે અંગ્રેજી સાથે કેવી રીતે કરે ? આ સમજાતું જ નથી. અને આવું આદાન-પ્રદાન નહીં થાય તો અનુવાદનો સવાલ તો માથે પટકાવવાનો જ છે. સવાલ આપણી નિષ્ક્રિયતાનો પણ છે. બહુ સહેલું છે કોઈને ટીકા કરવી, કે પરિષદની, કે અકાદમીની, કે કોઈપણની. આપણે આપણી જાતને સવાલ પૂછવાની જરૂર છે કે આપણે કેટલા સજ્જ છીએ ? તો એ સજ્જનતાની જોડાજોડ કહેવાનું છે કે ભાષાના આ જે સવાલો છે જે ‘ગુજરાતી સાહિત્યે પરિષદે’, એક દા, એક પૂર્વ પ્રમુખ નિરંજન ભગતના વડપણ હેઠળ હાથ ધરેલો. ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના એ બાહોશ પ્રમુખ હતા. એ દૂરંદેશ પણ હતા. એમણે પરિષદમાં ભાષાંતર માટે એક વિભાગ ઊભો કર્યો. પણ પછી તેનું શું થયું ? જવાબરૂપે કદાચ કહી શકાય કે પરિષદની દૃષ્ટિમાં દૂરંદેશીપણું હવે આવતું જણાતું નથી. એ આપણી આજની દશા છે. તેવી દશાને માટે થઈને, છેલ્લા મુદે, કહેવાનું મન છે કે આ બધું કરવાનું છે એ ફરજની ભાવનાથી નહીં જ - કદાપિ નહીં જ, સમજણની ભાવનાથી અને સમજણની તે ભાવનામાં દૂરંદેશીપણું લાવ્યા વગર ચાલશે જ નહીં.પેલા ખેડૂતને જઈને પૂછીએ તો ખરા કે પોતે આંબો રોપે છે તે ખુદ કેરી ખાઈ શકવાનો છે કે ? એનું સંતાન, પછીથી એનું ય સંતાન થશે, તેને તે લાભ ખરેખાત મળે. એમ આપણે આપણી વાર્તા, આપણી કવિતા, આપણો નિબંધ લખીએ, અને જરૂર લખીએ. હવે પછીની પેઢીને માટે ય તે વારસો મૂકતા જઈએ. ટૂંકામાં, એ સર્જન મુખ્ય પ્રવાહમાં ય તરી શકે, તેમ બનવું રહે. તે ઈનામો ખેંચી લાવે, એવું સર્જન પણ આપણે આપીએ. દેશપરદેશમાં લખાતાં ગુજરાતી સાહિત્યમાં, ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યમાં સૌથી વડેરું નામ હોય તો તે બળવંત નાયકનું છે. આવું રઘુવીર ચૌધરી, એક વાર, મને કહેતા હતા. એ શું આપણું ગૌરવ નથી ? બ્રિટનનું જ તે ગૌરવ બને છે. બળવંત નાયક અહીં છે. હજુ હયાત છે. તેથીસ્તો, ગૌરવ બેવડાય છે. આ વાત એટલા માટે કહું છું કે પ્રકાશ ન.શાહે અમદાવાદમાં જે કહેલું એ મુદ્દે વાત કરવાની છે. ડાયસ્પોરાની વાત લઈને, યુગાન્ડાની બળવંત નાયકે જે નવલકથા આપી એ અમુક હદ સુધી આપણને આપણા ડાયસ્પોરાના અનુભવ ભણી લઈ જાય છે. આપણે તો મૂળ સોતાં ઉખડેલા માણસો છીએ ને ? ક્યાંક ફીજીથી આવ્યા છીએ. ક્યાંક બ્રહ્મદેશથી આવ્યા છીએ. ક્યાંક દક્ષિણ આફ્રિકાથી આવ્યા છીએ. ક્યાંક મલાવીથી આવ્યા છીએ. ક્યાંક પૂર્વ આફ્રિકાના મુલકમાંથી. સુદાનમાંથી પણ આવ્યા છીએ. ક્યાંથી ક્યાંથી આવ્યા છીએ. કેટલા કેટલા અનુભવો ગાંઠે બાંધીને આવ્યા છીએ. મારી વણઝારાની પોઠમાં જામખંભાળિયાની વાત છે. મારાં પોટલાંમાં સેવક ધુણિયાની વાત છે. જામનગરની અને મુંબઈની વાત છે અને અરૂશાની વાત પણ એમાં ભરી પડી છે. અને એમાં ઉમેરાયું છે મારું હાઉન્સલૉ, મારું વેમ્બલી અને મારું લંડન. અહીં ઉખેડાઈને આવ્યો, ત્યારે અમને રહેવાનો ઓરડો પણ ભાડે મળતો નહોતો. કહેવા દો, કે અહીંયા ભારતીયો અથવા દેશીઓ અને કૂતરાઓને માટે પણ આવવાની, રહેવાની, પ્રવેશવાની મનાઈ છે, એવાં પાટિયાં ત્યારે હતાં જ ને? એ પછી પણ આપણને ઓરડો મળતો હોય, તો આપણા સદ્દનસીબ. જો તમારે સંતાન હોય, તો તમને ઓરડો પણ કોઈ ભાડે નહોતું આપતું. અને જો આપતું હતું તો તેના કેવાકેવા ય અનુભવો હતા. અમને જ્યારે છેવટે ઓરડો મળ્યો ત્યારે, કુંજને પૂછજો, એ કહેશે, અર્ધો કલાક જ અમને હીટર મળતું હતું ! દીવાલ પરથી ઓરડાની હૂંફને અભાવે, પાણીનો રેલો નીકળી આવે એટલું તમને પાણી નીતરતું મળે ! એટલું એ ઠંડું ઘર હતું. સૂવાને જે ખાટલો મળતો તેની ય વર્ણનની પેલે પારની પરિસ્થિતિ. ખાટલામાં વચ્ચે ખાડો. તૂટલો હતો! અમે કોઈક નાનકી હોડીમાં સૂતાં પડયાં હોઈએ તેવો તે ઘાટ હતો ! ખેર ! આવા આવા અનેક અનુભવો વચ્ચેથી, આપણો સમાજ અહીંયા બેઠો થયો છે. એ અનુભવ અમારો એકલાનો જ નથી, પરંતુ સામે બેઠેલા તમામ માણસોને આવા અનેક અનુભવોમાંથી પસાર થવાનું આવ્યું છે. એવા એવા અનુભવો આપણી સાહિત્યની આ કૃતિઓમાં આવીને પડ્યા છે, ખરા ? કેમ નહીં ?
તો એ અનુભવ જ્યાં સુધી લખાણમાં આવશે નહીં ત્યાં સુધી, પ્રકાશ ન. શાહે જે માગણી કરી છે તે ડાયસ્પોરાનું ઉત્તમ સર્જન આપણને મળવાનું નથી. એમ જ્યારે થશે, ત્યારે રણજિતરામ સુવર્ણ ચંદ્રક ખડખડ કરતો એ આપણી આ વિલાયતની ભૂમિ પર આવીને પડ્યો હશે. તો એ માટેનું આહ્વાન સઉને છે. આપણી આ સંસ્થાને ૩૦ વર્ષ થયાં. આ ત્રિશતિની ઉજવણી ટાંકણે આટલી માગણી કરવી અને આટલી આશાની અપેક્ષા રાખવી એ જરા ય વધુ પડતી નથી. અહીં દીપક બારડોલીકર આવીને એક સરસ નવલકથા આપે છે. પાકિસ્તાનના માહોલની તે નવલકથા છે. ડાયસ્પોરાની કેટલીક સરસ કૃતિઓ એમણે આપી છે. એમની સાથેનો મારો લગાવ “ઓપિનિયન”ને કારણે રહ્યો છે. આવી આવી કૃતિઓને માટે, એની બરોબરીમાં બેસી શકે તેવા સાહિત્યકારોની પણ મને ખૂબ રાહ છે. હું ઈચ્છું કે એવો દિવસ સાચ્ચેસાચ આવે. એમાંથી ય ઉત્તમ અનુવાદ મળે, જતે દહાડે જે કુન્તલ અને કુન્તલનાં સંતાન પણ વાંચી શકે અને માણીને કહે કે આ જો આવું મારા બાપદાદાઓ લખતા. તે આટલું સરસ છે તો મૂળ કેટલું સરસ હશે ? અને એવું જ્યારે લખાશે ત્યારે એ જ સંતાન ઊઠીને કહેશે કે મારી બાપદાદાની આ ભાષા ? એમનું આ સાહિત્ય ? ચાલોને, હું ગુજરાતી શીખું. બની શકે કે એ ય ગુજરાતી બોલશે, વાંચશે અને પછી લખશે ત્યારે સરદાર પટેલની ભડ ગુજરાતી જાણશે, મહાત્મા ગાંધીનું સરળ ગુજરાતી વાંચશે, એમ નરસિંહની જગતના ચોકમાં બેસે એવી કવિતાઓ વાંચશે. એ વાંચે તેવા દિવસના મને ઓરતા છે. આ બધું બનશે ફરજની ભાવનાથી જરા ય નહીં; સમજણથી જ અને એક માત્ર સમજણથી. મુલક આખામાં, ઉપરતળે, આજે જે રીતે ગુજરાતીના વર્ગો ચાલે છે તેને ય ચકાસવાની આવશ્યક્તા છે. સતતપણે ૪૫ વર્ષોના અનુભવ પછી, કેટલાક વર્ગોને ખંભાતી તાળા ભેટ આપવાનું મન થાય છે. તે જે રસમે ચાલે છે તેનાથી હૃદયમાં શેરડા પડે છે. એના કરતાં વર્ગો ન ચલાવે એ સારું છે. તો બીજી પાસ, એમાં સુદીર્ઘ તપ થઈ રહ્યું છે. કેટલી જગ્યાએ સારું તપ થયું છે. એમાંથી આપણી અનેક પેઢીનો વિકાસ પણ થયો છે. એવી લાગણીનો એક સૂર સમજવા મિત્ર ડાહ્યાભાઈ નાનુભાઈ મિસ્ત્રીના દીકરા કિરણનું ઉદાહરણ મુનાસિબ રહેશે. તે બર્મિંગમમાં છે. હમણાં એનો એક ઈ-મેઈલ આવ્યો. “ઓપિનિયન”ની ઓન-લાઈન વેબસાઈટ શરૂ થઈ, એ જોતાં તેણે જે લખ્યું તેની વાત કહેવી છે. તેણે લખ્યું, વિપુલકાકા, આ બધું જોઉં છું. તો મને થાય છે કે હું કેટલું બધું ચૂકી ગયો છું. તમને વચન આપું છું. અત્યારે તો હું ક્વાલાલમ્પુર છું. લગ્નમાંથી ઘેર પાછો જઈ રહ્યો છું. જુઓ, તે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તે મોબાઈલમાંથી મને ઈ-મેલ કરે છે. પછી કહે છે : ઈ-મેલ સીંગાપુર જઈને પૂરો કરીશ અને ત્યાંથી મોકલીશ. પણ એક વચન આપું છું કે મને લાગે છે કે કાકા (તેના પિતાને એ કહે કાકા કહે છે.) અને તમે અને બીજા ગુજરાતી મિત્રો ગુજરાતીમાં વાંચો છો, લખો છો, એ હું વાંચી શકું, લખી શકું, સમજી શકું. તેમ મારે કરવું છે. કૃષ્ણા (તેની પત્ની)અને હું ગુજરાતી શીખવા જવાનાં છીએ.
આ આપણી તાકાત છે. બહુ વખત લીધો. મિત્રો, ટીકાઓ કરવાનું બંધ કરીએ. આપણે આપણી જાતને તપાસીએ અને આપણી આવતી કાલની પેઢીને તૈયાર કરવા માટે, ફરજની ભાવના વગર. સજ્જ બનીએ. ટૂંકમાં, એક માણસ, એક માણસને તો તૈયાર કરે; બસ આટલું તો કરીએ. ... 'જય હો ! મારી માતૃભાષાનો'.
(ક્રૉયડન ખાતે મે ૨૦૦૯ દરિમયાન, ભરાયેલી ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ૮મી ભાષા-સાહિત્ય પરિષદમાં રજૂ થયેલું શિઘ્ર વક્તવ્ય. ઘનશ્યામ ન. પટેલની મૂળ નોંધ અનુસાર − સુધારાવધારા સાથે. મુદ્રાંકન સહયોગ શ્રુતિબહેન અમીન)
e.mail : vipoolkalyani.opinion@btinternet.com(સદ્દભાવ : "ઓપિનિયન", ૨૬ ઑક્ટોબર ૨૦૦૯)
-
૧૯૫૦-૬૦ના ગાળામાં, દક્ષિણ ગુજરાતમાંથી પ્રથમ વસાહતીઓ બ્રિટન આવ્યા અને લૅન્કેશર, યૉર્કશરનાં 'મિલ નગરો' માં વસ્યા. ૧૯૬૦-૭૦માં યુગાન્ડા તથા અન્ય આફ્રિકન દેશોના ગુજરાતી મૂળના લોકો આવ્યા અને મોટે ભાગે લંડન, લેસ્ટરમાં સ્થાયી થયા. આ વસાહતીઓ પોતાની સાથે ગુજરાતી ભાષા - સાહિત્યનો વારસો લઈને આવેલા.
૧૯૬૫ના શિયાળામાં, હઝલકાર 'બેકાર' ગુજરાતથી બ્રિટનના પ્રવાસે આવેલા. તેમની ઉપસ્થિતિમાં, બોલ્ટનના સ્પિનર્સ હૉલમાં, મુશાયરો થયો, જેમાં અંજુમ વાલોડી, કદમ ટંકારવી, મહેક ટંકારવી તથા સૂફી મનુબરીએ કાવ્યપઠન કરેલું. બ્રિટનનો આ પ્રથમ ગુજરાતી મુશાયરો.
૧૯૬૭માં કદમ ટંકારવી તથા મહેક ટંકારવીએ લૅન્કેશરમાં 'ગુજરાતી સાહિત્ય મંડળ'ની સ્થાપના કરી. ૧૯૭૩માં શેખાદમ આબુવાલા જર્મનીથી બ્રિટનના પ્રવાસે આવેલા ત્યારે પ્રેસ્ટનમાં કદમ ટંકારવીના નિવાસે કવિમિલન યોજાયેલું. આ પ્રસંગે શેખાદમની પ્રેરણાથી, 'ગુજરાતી સાહિત્ય મંડળ'નું 'ગુજરાતી રાઇટર્સ' ગિલ્ડ, યુ.કે.'માં રૂપાંતર થયું, અને સંસ્થાની પ્રવૃત્તિઓનો વ્યાપ વધ્યો.
૧૯૭૦ના ગાળામાં 'ગુજરાતી સાહિત્ય મંડળ' અંતર્ગત ડાહ્યાભાઈ પટેલ, કુસુમ શાહ, યોગેશ પટેલ, નિરંજના દેસાઈ લંડન - લેસ્ટરમાં સાહિત્યિક પ્રવૃત્તિઓ ચલાવતાં હતાં. ૧૨મી ફેબ્રુઆરી ૧૯૭૭ના રોજ શ્રી સૂર્યકાન્ત દવેના નિવાસસ્થાને યોગેશ પટેલ, વિપુલ કલ્યાણી અને પંકજ વોરાએ તૈયાર કરેલ લિખિત બંધારણ પ્રમાણે આ 'સાહિત્ય મંડળ' વિધિવત 'ગુજરાતી સાહિત્ય અકાદમી'માં ફેરવાયું.
આ ચારેક દાયકા દરમિયાન બ્રિટનમાં જે ગુજરાતી સાહિત્યસર્જન થયું તેની ઇયત્તા અને ગુણવત્તાની તપાસ માટેની ભૂમિકા રચાય તે હેતુથી કેટલાક મુદ્દા અહીં પ્રસ્તુત છે :
બ્રિટિશ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : બ્રિટિશ ગુજરાતી સાહિત્ય વિશે થોડી નોંધો તથા મૉનૉગ્રૅફ્સ મળે છે, પણ એના વિકાસ, વલણો, પ્રવાહોનો તલસ્પર્શી અભ્યાસમાં સહાયરૂપ થાય એવો સર્વગ્રાહી ઇતિહાસ લખાયો નથી. મુખ્ય સર્જકો તથા તેમની કૃતિઓ વિશે અધિકૃત માહિતી મળે, એવો કોઈ ગ્રંથ નથી. દાયકાવાર વિવિધ સાહિત્યસ્વરૂપોના પ્રતિનિધિ સંચયો પણ થઈ શકે. જેમ કે, સાતમા દાયકાની બ્રિટિશ ગુજરાતી કવિતા. આવા સંચયથી જે તે ગાળાના સર્જનની દશા - દિશાનો અભ્યાસ થઈ શકે.
વિવેચન-મૂલ્યાંકન : ચારેક દાયકા દરમિયાન બ્રિટિશ ગુજરાતી સાહિત્ય વિશે કેટલાક રસપ્રદ નિરીક્ષણો થયાં છે, જેને આધારે આ સાહિત્યની વિવેચનાત્મક ચર્ચા થઈ શકે. આ નિરીક્ષણો ભાવવિશ્વ, વિશ્વદર્શન, સંવેદના, વિષયવસ્તુ, સર્જકચેતના, ભાષા-અભિવ્યક્તિ, રચનારીતિ તથા કૃતિના સાહિત્યિક મૂલ્ય જેવા મુદ્દાઓને સ્પર્શે છે.
૧. મે, ૧૯૮૫માં અકાદમીની ભાષા સાહિત્ય પરિષદની 'બ્રિટનમાં સર્જાતું ગુજરાતી સાહિત્ય - પોત અને પ્રકાશ' બેઠકમાં યોગેશ પટેલે જણાવ્યું, 'આપણા સમાજના પ્રશ્નોને આવરી લેતી કૃતિઓને ખાસ જરૂર છે.' આમાં એવો નિર્દેશ છે કે, બ્રિટનનો ગુજરાતી સર્જક જે પરિસ્થિતિમાં જીવે છે તેનો સંદર્ભ એના સર્જનમાં પ્રતિબિંબિત થતો નથી.
૨. ૧૯૯૩માં સુમન શાહ બ્રિટનના પ્રવાસે આવેલા ત્યારે અહીંના સાહિત્યકારો તથા સાહિત્યરસિકો સાથે મુલાકાતો/ચર્ચાઓ કરેલી. આના પર આધારિત તેમણે કરેલ નિરીક્ષણો નીચે મુજબ છે :
(ક) આજે ઇંગ્લૅન્ડમાં સાહિત્ય-નામે જે લખાય છે અને છપાય છે તેમાં એક સળવળાટથી વિશેષ દમ નથી. આ સાહિત્ય 'પ્રાથમિક' કક્ષાનું છે. (ખ) અહીંના સર્જકનું ગુજરાતી સાહિત્યના 'મેઇન-સ્ટ્રીમ'- મુખ્યપ્રવાહ સાથે 'પરમ્પરાનુસન્ધાન' નથી. 'મેં મારી ઘણી સભાઓમાં નોંધ્યું કે શ્રોતાઓને ૧૯૬૦ પછીના ગુજરાતી સાહિત્યની કશી જ માહિતી નહોતી!' (ગ) બ્રિટનના ગુજરાતી સર્જકનો અંગ્રેજ સાહિત્યકારો સાથે કશો સમ્પર્ક નથી. (ઘ) બ્રિટિશ ગુજરાતી સર્જક પોતાને પ્રાપ્ત અને સુલભ એવા 'તમામ સંદર્ભો'માં વિસ્તરીને વ્યક્ત થતો નથી.
૩. ૧૯૯૪માં અકાદમીની પાંચમી ભાષા-સાહિત્ય પરિષદ ટાણે ભીખુ પારેખે કહ્યું, 'ગુજરાતને ધ્યાનમાં રાખીને અહીં લખાય છે એ સંસ્થાનવાદી મનોદશા છે. જે દેશમાં આપણે રહીએ છીએ તેને ધ્યાનમાં રાખીને સાહિત્યસર્જન થવું જોઈએ.'
૪. જાન્યુઆરી ૨૦૦૯માં અમદાવાદમાં 'ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્યસર્જન' વિષયક પરિસંવાદના સમાપનમાં પ્રકાશ ન. શાહે આ સાહિત્યના બે તબક્કાની વાત કરી 'વસાહતી વસવાટના પ્રારંભિક તબક્કે, બને કે વતનઝૂરાપાની લાગણી એના સર્જનમાં પ્રગટ થવા કરતી હોય, પણ આરમ્ભે 'આરત છે તો પછીથી અભિસ્થાપન પણ છે. કંઇક longing, કંઇક belonging.'
ઉપરોક્ત મુદ્દાઓ ચાર દાયકાના બ્રિટિશ ગુજરાતી સાહિત્યની તપાસ માટે ભૂમિકા રચી આપે છે, અકાદમી વિવિધ સાહિત્ય સ્વરૂપોના પ્રતિનિધિ સંચયો પ્રગટ કરે તો આવી તપાસમાં સુવિધા રહે. આવા સંચયોમાંથી પસાર થનારને ખ્યાલ આવે કે,
• બ્રિટિશ ગુજરાતી સાહિત્ય મુખ્યપ્રવાહને કહેતાં ગુજરાતી ગુજરાતી સાહિત્યથી કઈ રીતે જુદું પડે છે. • બ્રિટિશ ગુજરાતી સાહિત્યની પોતીકી મુદ્રા છે? અને છે તો કેવી છે? • મુખ્યપ્રવાહના સાહિત્યનો એના પર કેટલો/કેવો પ્રભાવ છે? • આ સર્જન પર સમકાલીન અંગ્રેજી સાહિત્યનો પ્રભાવ છે? • અનુભૂતિ - અભિવ્યક્તિ સંદર્ભે વસાહતના આરમ્ભથી લઈ અત્યાર સુધીના સર્જનમાં કેવાં સ્થિત્યંતરો પ્રગટ થયાં છે? • બ્રિટિશ ગુજરાતી સર્જકે પોતાની ચેતનાને અનુરૂપ diction પ્રયોજી છે કે ગુજરાતની પડઘાશૈલીથી કામ ચલાવે છે? • ૬ જૂન ૨૦૦૯ના રોજ લંડનના નેહરુ સેન્ટર ખાતે યોજાયેલ પરિસંવાદમાં પ્રકાશ ન. શાહે સર્જકનો એના પરિવેશ સાથેના encounterનો મુદ્દો ચર્ચેલો. બ્રિટિશ ગુજરાતી સર્જક જે દેશકાળમાં શ્વસે છે તેને કઈ રીતે સંવેદે છે અને કઈ રીતે વ્યક્ત કરે છે?
બ્રિટનમાં સર્જાતા ગુજરાતી સાહિત્યનું સાહિત્યિક મૂલ્ય કેટલું? આ સર્જન પાછળ ઊંડી કલાસૂઝ છે કે પછી સુમન શાહ કહે છે તેમ, એ માત્ર 'પાસ ટાઇમ ઍક્ટિવિટી' છે? જો આમ હોય તો સુમનભાઈના શબ્દોમાં એ 'કામચલાઉ' બની રહેશે.
ચાર દાયકાના બ્રિટિશ ગુજરાતી સર્જનને અંકે કરી એની તલસ્પર્શી તપાસ માટેની ભૂમિકા રચી આપવાનું ભગીરથ કાર્ય ઇંગ્લૅન્ડની ગુજરાતી સાહિત્ય અકાદમી સામે પડેલું છે, અને આ ક્રમ અગ્રતાક્રમમાં મોખરે છે.
(૬ જૂન ૨૦૦૯ના, લંડનસ્થિત ‘નેહરુ કેન્દ્ર’માંના, ગુજરાતી સાહિત્ય અકાદમીના પરિસંવાદ ટાંકણે રજૂ કરેલા મૂળ અંગ્રેજી નિબંધનો સારાંશ)
(મુદ્રાંકન સદ્દભાવ : શ્રુતિબહેન અમીન)
-


- <!--BREAK-->



- તા. ૧૧-૧-૨૦૦૯, સ્થળ ગુજરાતી સાહિત્ય એકેડમી, અમદાવાદ
- Umesh Solanki (http://nirdharumesh.blogspot.com/)
- વતનનો ઝુરાપો, વતનની ઝંખના, વતન છોડવાના દુઃખમાંથી ગુજરાતી ડાયસ્પોરી ગુજરાતી સાહિત્યને મુકત કરી બે સંસ્કૃતિમાંથી ગમતું-અણગમતું લઇ નોખી સૃષ્ટિ સર્જવાની વાત પ્રકાશ ન. શાહે ‘ડાયસ્પોરી ગુજરાતી સાહિત્યસર્જન : દશા અને દિશા’ના સમાપનવકતવ્યમાં કરી, જેને ગુજરાતી ડાયસ્પોરી ગુજરાતી સાહિત્યને ગુજરાતફલક પર, વિશેષ તો પરિષદફલક પર મૂકનારા વિપુલ કલ્યાણીએ આશ્ચર્ય, સ્વીકાર અને સ્વીકારના આનંદ સાથે ઝીલી, જે તસ્વીરમાંની તેમની બૉડી લૅન્ગવિજમાં દેખાય છે.
-
2009-04-28
ગુજરાતી ડાયસ્પોરિક પ્રજાસમૂહ વચ્ચે ઘનશ્યામભાઈ ન. પટેલનું એક ઉત્તમ વિવચેક તરીકેનું માનસ્થાન છે. વરસ દહાડા દરમિયાન, બેચાર વખત, તંતોતંત પુસ્તક વાંચ્યા કેડે જ તેમણે આ લખાણ આપ્યું છે. તળ ગુજરાત અને અન્યત્ર આ પુસ્તક વિશે જોયેલા કેટલાક ભોળા ભાવના અને ઉપલકિયા વિવરણોની સામે પક્ષે, લેખકે અહીં કેટલીક તાર્કિક અને શાસ્ત્રીય ચર્ચા માંડી છે. ગુજરાતી ડાયસ્પોરા ઇતિહાસને માટે, આથીસ્તો, આ લખાણ અગત્યનું બની રહેવાનું છે. - વિપુલ કલ્યાણી
આમુખ : ગુજરાતથી, ખાસ તો છેલ્લી ત્રણચાર સદીઓદરમિયાન, બેવડાં-ત્રેવડાં સ્થળાંતર કરીને ગુજરાતીઓ, ગણનાપાત્ર સંખ્યામાં, અન્ય દેશવાસીઓસહિત, વિશ્ર્વભરના અનેક દેશોમાં વસવાટ કરી રહ્યા છે. દરેક દેશમાં આપણી જમાવટ સ્થળ, કાળ ને સંજોગોને અનુરૂપ વિભિન્ન રૂપે વિકસી રહી છે. ‘દેશ એવો વેશ’. એવી સામાન્ય જનતામાં પ્રચલિત કહેવત અનુસાર, આપણે પરદેશોમાં જાતજાતનાં વાણી, વર્તન સાથે કેટકેટલી વેશભૂષા ધારણ કરીએ છીએ ! અલબત્ત, આપણી બહુમુખી વારસાગત અને વિશિષ્ટ ગુજરાતની અસ્મિતા યથાશક્તિ ટકાવીને !
૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના દિને લગભગ દોઢસો વર્ષોથી પરાધીન રહેલા હિન્દુસ્તાનને ભાગલા થવા છતાં સ્વતંત્રતા પ્રાપ્ત થઈ. આટલા લાંબા ગાળાના મુખ્યત્વે અહિંસક સંઘર્ષ બાદ અંગ્રેજી સામ્રાજ્યનો અંત આવ્યો તો ખરો, પરંતુ હકીકતમાં, તો જાણ્યે અજાણ્યે આડલાભ સ્વરૂપે અંગ્રેજ પ્રજા અને તેના મૂળ વતન બ્રિટન સાથે આપણી કાયમની અવરજવર ઉપરાંત સ્વેચ્છાએ પ્રાપ્ત કરેલી બ્રિટિશ નાગરિકતાની રૂએ કાયમની લેણાદેવી ચાલુ રહી. બ્રિટિશ સામ્રાજ્ય હેઠળ વિસ્તરેલા જગત ભરના દેશોમાં સ્થળાંતરિત થયેલા ભારતીયોને તે દેશોની આઝાદી પ્રાપ્તિ બાદ આ લાભ મળ્યો. પરંતુ વિશેષત: તો પૂર્વ આફ્રિકામાં અન્ય સ્થળે બહુમતી ધરાવતી ગુજરાતી પ્રજા જ વધુ સદ્દભાગી હતી.<!--BREAK-->
ટાંઝાનિયા, યુગાન્ડા અને કેન્યા, અનુક્રમે સન ૧૯૬૧ - ૧૯૬૨ - ૧૯૬૩માં, બ્રિટિશ ધૂંસરીમાંથી મુક્ત થયાં. સ્વતંત્રતા બાદ આ પ્રદેશોમાં ખાસ કરીને સરકારી વહીવટમાં તથા બેંકોમાં આફ્રિકીકરણની નીતિ અમલમાં આવી. વેપારધંધામાં ઈજારા - પરવાના દાખલ થતાં એશિયન કહેવાતા આ બ્રિટિશ પાસપોર્ટ ધરાવનારને બ્રિટનમાં આવવાના સંજોગો ઊભા થયા. આમ ૧૯૬૦- ૧૯૮૦ દરમિયાન મુખ્યત્વે આપણી વસાહતનું, પહેલી-બીજી ગણાતી પરદેશી પેઢીનું બીજું સ્થળાંતર, બ્રિટનમાં તેમના પ્રવેશ માટે કડક પ્રતિબંધક કાયદાઓછતાં, સંપન્ન થયું. જો કે હાલ સંજોગો બદલાતાં છેલ્લા એકાદ દાયકાથી તો ભારતથી વિશિષ્ટતા પ્રાપ્ત નવા ગુજરાતી નસ્સલના આગંતુકો બ્રિટનમાં આવીને વસવાટ કરી રહ્યા છે.
વનુ જીવરાજ સૌમૈયાએ જોડિયા બાળક જેવું અંગ્રેજીમાં ઇતિહાસ સામગ્રીવાળું પુસ્તક, The Ancient History of the Solar Race & History of the Indians of East Africa [ISBN 1-898941-66-1] પ્રકાશિત કર્યું છે. જુલાઈ ૨૦૦૨ના “ઓપિનિયન”માં, આ પુસ્તકના બીજા ભાગની સમીક્ષા મેં રજૂ કરી હતી. આ સમીક્ષા લેખમાં અન્ય અનુભવી લેખકો દ્વારા પૂર્વ આફ્રિકાની હિંદી વસાહત વિષય પર ગુજરાતીમાં લખાયેલાં આઠ પુસ્તકો ઉપરાંત ત્રણ નવલકથાઓનો પણ ઉપરોક્ત અંકના પાનાં નં. ૧૨ પર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ દરેક પુસ્તક બ્રિટનમાં હાલ સ્થિર થયેલી અને ભાવિ આપણી પેઢોઓનો ચિરસ્થાયી અમૂલ્ય વારસો છે.
હવે પહેલી બીજી પેઢીના સ્થળાંતર - કૂદકા સ્વરૂપે આ વસાહતના મોટા ભાગનાં પગલાં ભારતની આઝાદી ટાણાના સમયથી ગણીએ તો છેલ્લા છ દાયકાઓથી (૧૯૪૭-૨૦૦૭) ગ્રેટ બ્રિટનના એક નાનકડા ટાપુ પર સ્થિરતાપૂર્વક જાણે મંડાઈ ચૂક્યાં છે એમ ખાતરીપૂર્વક કહી શકાય. જાણે કે આજ સમયગાળાના ફળસ્વરૂપ ‘હીરક મહોત્સવ’ ટાણે ગુજરાતી પ્રજાના સાહસો, અરમાનો, આકાંક્ષાઓ, સફળતા-નિષ્ફળતા, ચડતી-પડતી કે ભાવિનાં સ્વપ્નો ઉદ્દઘોષિત કરવાની સમયની માંગ પુરુષાર્થી અને સાહસિક ગુજરાતી પ્રજાના દિલમાં બળવત્તર બની રહી છે. અને .... અને ...
... હવે આ સમયગાળા દરમિયાન અસ્તાચળે ઢળી ગયેલી નિવૃત્ત પેઢી કે આપણી સદા ધબકતી કર્મયોગી વસાહત સાથે ત્રીજી (પરણિત કે કુંવારા) નોકરી-ધંધાવાળા કે ચોથી (વિદ્યાર્થી - યુવાન વયસ્ક) પેઢીઓનું સળંગ છણાવટ કરતું પુસ્તક ‘બ્રિટનમાં ગુજરાતીઓ’, ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા, ૨૦૦૭માં પ્રકાશિત થયું છે. આ પુસ્તકના જોડિયા લેખકો, પ્રવીણભાઈ ન. શેઠ અને જગદીશભાઈ દવેનો ટૂંક પરિચય, અનુક્રમે, મુખપૃષ્ઠ અને અંતિમ પૃષ્ઠ પરના અંદર વળતા અડધિયામાં ફોટા સાથે પ્રસ્તુત છે.
ગાંધીનગરની અકાદમીએ આ પહેલાં ડાયસ્પોરા શ્રેણીમાં ત્રણ પુસ્તકો (૧) અમેરિકામાં ભારતીયો, (૨) ઉછાળા ખાય છે પાણી (૩) ખોવાયેલા ચહેરા પ્રકાશિત કર્યાં છે. હવે આ ચોથા પુસ્તક ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ના પ્રકાશનની જવાબદારી લઈને અકાદમીએ લેખક બેલડીને આર્થિક રીતે નચિંત કર્યા છે. ભીખુ પારેખે લેખકોને ગુજરાતીમાં આ વિષયના પ્રથમ પ્રદાન માટે ‘આમુખ’ લખી જરૂરી સલાહ સૂચન પણ કર્યાં છે. સાથેસાથે યુનાઇટેડ કિંગ્ડમ / યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં સંબંધિત વ્યક્તિઓની મુલાકાતો, પ્રવાસ વગેરે માટે જરૂરી આર્થિક પ્રબંધ પણ ‘િનર્માણ ટ્રસ્ટ’ દ્વારા કરાવીને તેમને વધુ પ્રોત્સાહિત કર્યા છે.
પૂર્વભૂમિકા : પરદેશોમાં મુખ્યત્વે આફ્રિકા ખ’ડ, કેરેબિયન ટાપુઓ, બ્રિટન કે અમેરિકામાં વસેલા ભારતીયોના ઇતિહાસનાં નાનાં મોટાં ઘણાં પુસ્તકો અંગ્રેજી ઉપરાંત ભારતીય ભાષાઓમાં પ્રકાશિત થયાં છે. આ વિસ્તૃત ઇતિહાસ સામગ્રીમાં વિશેષ વસ્તી ધરાવતા ગુજરાતીઓનાં આદાન-પ્રદાન, પુરુષાર્થ - સિદ્ધિઓનું વાસ્તવિક ચિત્રણ ગુજરાતી - અંગ્રેજી પુસ્તકોમાં એક ગણનાપાત્ર ભાગ તરીકે આપણને સ્વાભાવિક રીતે જ સુલભ બની રહે છે.
‘અમેરિકામાં ભારતીયો’ (ગાંધીનગરવાળી અકાદમી દ્વારા પ્રકાશિત) પુસ્તક મારા જોવામાં હજુ આવ્યું નથી. પરંતુ ગુજરાતી ઇતિહાસ લેખિકા અને કેળવણીકાર રોઝીના િવસરામનું અંગ્રેજી પુસ્તક Asians in Britain - 400 years of History : ISBN 07453-1373-6 : સન ૨૦૦૨માં પ્રાકાશિત થયું, તેમાં આપણાં ગુજરાતી દૃષ્ટા અગ્રેસર અને ખમતીધર સાંસદ દાદાભાઈ નવરોજી, મંચેરજી ભાવનગરી તેમ જ શ્યામજી કૃષ્ણવર્મા અને ભીખાયજી કામાના રાજકીય પરાક્રમ મને પ્રથમવાર વિગતે જાણવા મળ્યાં છે. આ દળદાર પુસ્તક વાંચીને કોઈ પણ સંવેદનશીલ વાંચકનાં રૂવાં ખડાં થઈ જાય ! આ પુસ્તકની મર્યાદા એટલી જ છે કે અહીં ઇતિહાસ ફક્ત ભારતની આઝાદી ટાંકણા (૧૯૪૭) સુધીનો જ રજૂ થયો છે.
ગુજરાતી લેખિકા કુસુમ વડગામાનું પણ પુસ્તક India in Britain અંગ્રેજીમાં ૧૯૮૪ દરમિયાન પ્રકાશિત થયું છે. આમ છૂટક છૂટક પ્રકાશિત થતાં કેટલાં ય પુસ્તકો ઉપરાંત ખાસ તો સ્થાનિક અઠવાડિકો, માસિક વિચારપત્રો અને વિવિધ સંસ્થાઓના વિશેષાંકો દ્વારા પણ ગુજરાતી - અંગ્રેજી બન્ને ભાષામાં બ્રિટનવાસી ગુજરાતી વિશે છેલ્લા સાડાચાર દાયકાથી અઢળક સામગ્રી ઉપલબ્ધ થતી રહી છે. ગુજરાત હિન્દુ એસોસિયેશન, લેસ્ટર દ્વારા “અમે ગુજરાતી” દ્વિમાસિક ૧૯૭૫થી ગુજરાતી અંગ્રેજી બન્ને ભાષામાં પ્રકાશિત થાય છે. તેના અંકોની વિના મૂલ્યે વહેંચણી કરવામાં આવે છે. વળી, નેશનલ કૉંગ્રેસ ઑફ ગુજરાતી ઑર્ગનાઈઝેશન્સ દ્વારા British Gujaratis નામે એક પુસ્તિકા અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરાઈ છે.
જો આમ સ્થિતિ હોય તો આપણને સૌને એક ગૂઢ પ્રશ્ર્ન થઈ શકે છે કે આ લેખક બેલડી વાંચકોને ૨૮૦ પાનાંમાં સંકલિત પુસ્તકમાં સંપાદન સ્વરૂપે પુનરાવર્તન સિવાય બીજી નવી શી સામગ્રી આપી શકવાના છે ?
ગીતાભાષ્ય અને ગાંધીજી - આ બે વિષયો ઉપર તો થોકબંધ પુસ્તકો બહાર પડ્યાં છે, તેમ છતાં પ્રવીણ કે. લહેરીએ પિતૃતર્પણ અર્થે ‘હિંદ સ્વરાજના શિલ્પી મહાત્મા ગાંધી’ નામે પુસ્તક હાલમાં બહાર પાડ્યું છે. લગભગ તે રીતે, હવે, તળ ગુજરાતના કે ડાયસ્પોરાના વિદ્વાનોને અહીંના ‘ગુજરાતીઓ’ને ઓળખવાનું આકર્ષણ જામ્યું છે. તે નિમિત્તે એક તરફ બળવંત જાની તો બીજી તરફ શીરીન અને મકરન્દ મહેતા દંપતીની યુનાઇટેડ કિંગ્ડમની મુલાકાતો છેલ્લાં એકાદબે વર્ષોમાં થઈ હતી. મહેતા દંપતીકૃત ‘બ્રિટનમાં ગુજરાતી ડાયસ્પોરા : ઐતિહાસિક અને સાંપ્રત પ્રવાહો’ પુસ્તકનું હજુ હમણાં જ લોકાર્પણ થયું. વિશ્ર્વ ગુજરાતી સમાજ પ્રકાશિત આ સર્જનમાં, અહીંની ગુજરાતી સાહિત્ય અકાદમી, “ઓપિનિયન” તથા ચંદિરયા ફાઉન્ડેશનનો સહકાર હતો.
‘બ્રિટનમાં ગુજરાતીઓ’ પુસ્તકના લેખનમાં બન્ને લેખકોની સંયુક્ત જવાબદારીઓઅડધોઅડધ વહેંચાઈ જતી નથી. આ પુસ્તકનું મૂલ્યાંકન, અવલોકન, સમીક્ષા કે ટીકા-ટિપ્પણ બન્નેને વ્યક્તિગત રીતે સો ટકા લાગુ પડે છે. કારણ કે કયાં પ્રકરણ કયા લેખકે લખ્યાં તે વાચકને જાણવા મળતું નથી. પ્રવીણભાઈ શેઠ, ખાસ કરીને ભારતમાં અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં કાર્યરત રહેતા હોય છે, એમ માનવું છે. જગદીશભાઈ દવે છેલ્લાં પચીસેક વર્ષોથી બ્રિટનમાં સ્થાયી વસવાટ કરે છે. એટલે બ્રિટનના ગુજરાતીઓનો માહોલ તેમને તેમના જોડિયા લેખક પ્રવીણભાઈ કરતાં વધુ હસ્તાકમલવત્ હોય એમ જરૂર માની શકાય. આ સર્જન-સાહિત્યને પાશેરામાં પહેલી પૂણી ગણી શકાય તો તે નિમિત્તે પણ બન્ને લેખકોને સમસ્ત ગુજરાતી આલમના, સાહિત્ય-રસિક વાંચકો તરફથી, ધન્યવાદ ઘટે છે.
છેલ્લા પાંચસાત દાયકાથી ગણનાપાત્ર સંખયામાં આવી વસેલો નામાંકિત ગુજરાતી હવે તો એકવીસમી સદીના નવમા વર્ષમાં પ્રવેશી ચૂક્યો છે, ત્યારે એક પ્રશ્ર્ન થાય છે કે વર્ષોથી વિશ્ર્વપરિભ્રમણ કરતો કોઈ પણ પ્રદેશમાં વસતો એક વિશિષ્ટ ગુજરાતી પણ પોતાનું કુટુંબ-પરિવાર, બાપદાદાના વતન, વારસા, જ્ઞાતિ, ધર્મ, સમાજ, શિક્ષણ, નોકરી ધંધા વગેરે કશાથી પણ અજ્ઞાત રહ્યો છે ખરો ? આ પ્રક્રિયામાં તેણે દેશ-કાળ અનુસાર સુખદુ:ખ, સફળતા- નિષ્ફળતા કે ચડતી પડતી અને શ્રીમંતાઈ - ગરીબાઈ સાથે સાથે જ વેઠ્યાં અથવા માણ્યાં પણ છે. બીજો પ્રશ્ર્ન એ થાય છે કે ગુજરાતી જનસમૂહમાં વર્ષોથી વિશ્ર્વસ્તરે રોજેરોજ ચવાતો કે ગવાતો ઉપલક દૃષ્ટિએ આ તદ્દન સામાન્ય લાગતો સીધો સાદો વિષય જ લેખકોને રહી રહીને આટલાં વર્ષે તેમની પાકટ ઉંમરે કેમ હાથવગો થયો ? ત્રીજો પ્રશ્ર્ન એ થાય છે કે ગુજરાતી સમાજનાં સારાં નરસાં બન્ને પાસાંઓને સમગ્રતયા સ્પર્શવાની હિંમત કરતાં કરતાં યથાયોગ્ય ન્યાય મળી શક્યો છે ખરો ? આવા આવા પાર વગરના પ્રસ્તુત પુસ્તકમાંથી ઉદ્દભવતા પ્રશ્ર્નોની અસહ્ય મૂંઝવણ સાથે એક વાચક તરીકે મારા થોડાઘણા પ્રતિભાવ તટસ્થપણે દર્શાવવાનો અહીં ઈરાદો છે.
બ્રિટનમાં ગુજરાતીઓ(ઈન્ બિટ્વિનનેસથી હોમલીનેસ) : વાચકોને અંગ્રેજી ભાષાનો કોઈ છોછ નથી, પરંતુ આડેધડ તેનો આ પેટા - મથાળામાં તથા અન્ય સ્થળે આ પુસ્તકમાં દુરુપયોગ થયો વર્તાય છે. કૌંસમાં આપેલા આ બિનજરૂરી પેટા મથાળામાંથી કોઈ ખાસ અર્થ નિષ્પત્તિ નીકળતી નથી. ક્યાંક અંગ્રેજીમાં લખાયેલા સાહિત્યના આધારે, મોહવશ થઈ કરેલું આ આંધળું અનુકરણ તદ્દન હાસ્યાસ્પદ લાગે છે.
રાજ્ય કરતી અંગ્રેજ પ્રજા અને મૂળ આફ્રિકનો વચ્ચે જ્યારે આપણી અંતરાલ [in betweenness] સ્થિતિ હતી ત્યારે પણ આપણે સામાન્ય રીતે તે પ્રદેશોની આઝાદી આવતા પહેલાં તો વર્ષોના વસવાટની રૂએ હાશકારો [homeliness] જ અનુભવતા હતા. એટલે આ પેટા મથાળાનો અર્થ તો ગુજરાતીઓને હાશકારામાંથી જ હાશકારા કે નિરાંતવાસ તરફ જવાનું એમ જ થયો. જે વાચકોને કે લેખકોને કોઈને પણ અભિપ્રેત નથી. ગુજરાતી પ્રજાને પૂર્વ આફ્રિકામાં જે મુશ્કેલીઓઆવી તે તો રાજ્યકર્તાઓએ તે પ્રદેશો છોડ્યા બાદ આવી. એટલે આ કપરી મુશ્કેલીભરી સ્થિતિમાંથી બ્રિટનમાં સ્થળાંતરને કારણે હાશકારો અનુભવી શકવાની સ્થિતિ જો આપણી ગુજરાતી પ્રજાને પ્રાપ્ત થઈ હોય તો આ પેટા મથાળું બંધબેસતું ન લાગે. મુશ્કેલીનાં કારણ એ હતાં કે ૧૯૬૪ - ૧૯૬૮ દરમિયાન કેન્યા ટાંઝાનિયાની આફ્રિકીકરણની નીતિ તથા યુગાન્ડામાં ઈદી અમીનના નિષ્કાસન-હુકમ સન ૧૯૭૨ દરમિયાન અમલમાં આવ્યાં. પ્રકરણ ૩(દૃષ્ટિપથ)માં આપેલા ખુલાસાથી સમાધાન થતું નથી.
વળી, બ્રિટનમાં ગુજરાતીઓને હાશકારો પ્રાપ્ત થયો છે તેવા લેખકોના મંતવ્ય સાથે જરા પણ સંમત થઈ શકાતું નથી. મધ્યમ વર્ગનાં આપણાં ગુજરાતી કુટુંબ-પરિવારો અને આપણી સામાજિક કે ધાર્મિક સંસ્થાઓના ઠેકેદારોની સેવાને નામે ચાલતી ઠગારી પ્રવૃત્તિઓની જાણ મેળવવા માટે તો લેખકોએ ગુજરાતના ઝવેરચંદ મેઘાણી, પન્નાલાલ પટેલ કે ઈશ્ર્વર પેટલીકર જેવું બનવું પડે. લંડનમાં છેલ્લાં પચીસ વર્ષથી વસતા આપણા એક લેખકને હું ભક્તિનિકેતન આશ્રમ, દંતાલીના સ્વામી સચ્ચિદાનંદ બનવાનું સૂચવતો જ નથી. કારણ કે ગુજરાતી આલમના મોહ, માયા, મમતા, અને લોભ પણ આપણને સૌને વળગેલાં છે. ભીખુ પારેખને (જુઓપ્રકરણ ૨૦, પાન ૨૨૧ : સેલિબ્રિટિઝ) ‘ડાયસ્પોરાના બહુસાંસ્કૃતિક ઋષિ’ પદ પર સ્થાપીને તેમને આ ગુજરાતી વિશ્ર્વના કયા આશ્રમમાં મોકલવા માગો છો ? તેમને પોતાને જ આ નાટક ન ગમે, અને હસી કાઢશે ! તેમને પહેરાવેલા આ ઋષિના વાઘા લૉર્ડ્સના સભાગૃહમાં કેટલા શોભશે ? ઋષિઓ, સાધુઓ, સંતો અને સ્વામીઓને ભારતમાં જ રહેવા દો. અહીં ફરવા તો આવે જ છે ! વળી, પાન ૨૨૧ થી ૨૧૭ સુધી સંકિલત તેમના રેખાચિત્રથી રસજ્ઞ વાચકોને પૂરતો સંતોષ રહેશે એમ માનું છું. પરંતુ તે પાન ૨૨૧ પર આપેલા શબ્દો - ‘ઘેટોઆઈઝ્ડ’ ‘ઘરબજેટ’, ‘એન્ટરટેઈન’ વાચકોને અત્યંત ખૂંચે એવા છે. અન્યત્ર આખા પુસ્તકમાં પણ આવી બિનજરૂરી ગુજલિશ ભેળસેળ જોવા મળે છે.
સદાય કલ્પનાના વિશ્ર્વમાં વિહરતા કોઈ કવિના કાવ્યમાં જેટલી અતિશયોક્તિ થઈ શકે છે અને શોભે છે તેટલી અતિશયોક્તિ પ્રસ્તુત પુસ્તકમાં દરેક સેવાભાવી સંસ્થાઓકે કેટલાક સ્વાર્થી સમાજસેવકોને બિરદાવવામાં કરવી યોગ્ય ઠરતી નથી. આ દેશનાં સાહિત્યસર્જનોમાં જ્યારે એકપક્ષી વખાણ જ થયાં કરે છે ત્યારે ગુજરાતના અહીં મુલાકાતે આવતા લેખકો(ગુણવંત શાહ, મકરંદ મહેતા, દિવંગત ચંદ્રકાન્ત બક્ષી, વગેરે)એ પણ આપણને પોતે કરેલાં ટીકા ટિપ્પણથી ચેતવ્યા છે. છતાં, આ વાત આપણા લેખકોએ ‘બ્રિટનના ગુજરાતીઓ’માં ધ્યાનમાં રાખી લાગતી નથી. ‘પોતાની’ માને કોણ ડાકણ કહે’ શું એવી વાત આ છે ને ?
લેખકોને આથી એક આહ્વાન આપીએ. તળ ગુજરાતમાં કે અહીં યુનાઇટેડ કિંગ્ડમમાં પણ ખુમારીથી નિર્મળ સાહિત્ય સર્જન ને નિ:સ્વાર્થભાવે સમાજસેવા કરતી વ્યક્તિઓસાથેનો તમારો નાતો શું તૂટી ગયો છે ? અથવા કેમ તૂટી ગયો છે ? સ્થાનિક સાહિત્ય-વર્તૃળોમાં કે ગાંધી ફાઉન્ડેશન જેવી અનેક સંસ્થાઓનિમિત્તે જ્યારે આપણે એક બીજાથી વધુ પરિચિત થઈ શકીએ છીએ ત્યારે ખાસ આત્મનિરીક્ષણ કરવું રહ્યું કે શા માટે પાંચદસ પસંદગીની વ્યક્તિઓનાં નાનાં શાં વર્તૃળમાં જ રાચીએ છીએ ? પોતાના ઘરે ફકત અનાયાસે ખબરઅંતર પૂછવા નિમિત્ત મુલાકાતે આવતી વ્યક્તિઓને અટકાવવા શા માટે ભૂતકાળની બર્લિન-દિવાલ ઊભી કરીએ છીએ ? આપણાં મુખ પર સદાય ચિંતા અને અપરાધભાવનાં વાદળાં કેમ ઊમટ્યા કરે છે ?આપણાં લેખનોમાં માનવીય સદ્દગુણોની છાયા કેમ ઊઠતી નથી ?
પચાસ વર્ષની ઉંમરે પહોંચતા પહેલાં જ, મધ્યમ સ્થિતિના ઠીક ઠીક આવક ધરાવતા બેત્રણ બાળકોના ગુજરાતી પિતાને માથે ટાલ પડી જાય છે. તેટલી જ કૌટુમ્બિક મુશ્કેલીઓઅને અંતર્વેદના યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી નારી હસતે મોઢે પણ જાણે અજાણે ભોગવી રહી છે ! આવી યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી નારીઓની અવહેલના તથા તેમની સાથે ધરાર વિધવિધ સંસ્થાઓના ઠેકેદાર તરીકે કેટકેટલાય અન્યાય કરનાર એક ‘વ્યક્તિ’ને શા માટે તમે છેક બર્મિંગમમાં આવેલાં સેવાભાવી સન્નારી ‘કમલેશબેન પટેલ’ સાથે સરખાવો છો ? (સંદર્ભ : પ્રકરણ ૧૪ : સમાજજીવન : પરિવર્તનની રાહે : પાન - ૧૧૬, છેલ્લો ફકરો) ને તે ય ફક્ત એક જ વાક્યમાં, જે નીચે પ્રમાણે છે :
(કમલેશ બેન પટેલ જેવાં) અગ્રણી સમાજસેવાનિષ્ઠ પ્રવીણ અમીને આશ્રમો - લેમ્બેથ એશિયન એલ્ડરલી ડે કેર દ્વારા આ ક્ષેત્રમાં ખાસ કદર મેળવી છે.
આ એક વાક્યના વિધાનથી તો સામાન્ય રીતે કમલેશબહેનને તો જાણે અજાણ્યે અન્યાય થયો જ છે, પરંતુ બ્રિટનના સમસ્ત ગુજરાતીઓને તો ખાસ અન્યાય થયો છે. કમલેશબહેન પટેલને, પ્રવીણભાઈ અમીનને લેખકો સાચી રીતે જરા પણ ઓળખે છે ખરા ?! કરસનદાસ માણેક જેવા સુહૃદ કવિઓઅમસ્તા ગેલમાં આવી કાવ્યરચનાઓકરતા નથી !
મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે :
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે !યુનાઇટેડ કિંગ્ડમની ગુજરાતી જનતાનું ચિત્રણ કરવા તો લેખકોએ ઘણી વ્યક્તિઓની રૂબરૂ મુલાકાતો લીધી. પચીસ વર્ષોનો આ દેશનો વસવાટ છતાં. તેના ફળસ્વરૂપ પુસ્તકમાં કંઈક યોગદાન થયું હોય તો વાચકોને જરૂર પ્રોત્સાહન મળશે. પરંતુ અમીનસાહેબ દ્વારા ચલાવાતા આ આશ્રમ(લેમ્બેથ એશિયન એલ્ડરલી ડે કેર)ની એક કરુણાસ્પદ દાસ્તાન છે. જેની શોધ લેખકોએ કે સમસ્ત ગુજરાતી પ્રજાએ નવેસરથી કરવી જોઈએ. ‘આશ્રમ’ની મુલાકાત આ લેખકો જો હજુ પણ ન લઈ શક્યા હોય, તો બ્રિટિશ ગુજરાતીઓનો આધુનિક ૨૦૦૭નો ઇતિહાસ અધૂરો રહેશે !
(ગુજરાતી) સમાજજીવન : પરિવર્તનની રાહે ?! : ‘બ્રિટનના ગુજરાતીઓ’નું ચૌદમું પ્રકરણ (સમાજજીવન : પરિવર્તનની રાહે) પાન ૧૧૫થી ૧૨૫ સુધી વિસ્તરેલું છે. ઘણી મહિલાઓની ગતિશીલ ભૂમિકા વર્ણવતાં તેમની યથાયોગ્ય કદર પણ કરવામાં આવી છે. નવી પેઢીના પ્રશ્ર્નો પણ ઠીક ચર્ચાયા છે. છેલ્લા પ્રકરણ ૨૧(સમીક્ષા, પરિપ્રેક્ષ્ય અને પ્રક્ષેય)માં પણ ગુજરાતી ભાઈબહેનોને મૂલવતી ઠોસબંધ વિગતો હોવા છતાં પણ તેના પ્રતિભાવમાં ઘણા ચર્ચાસ્પદ અને તદ્દન ભૂલભરેલા મુદ્દાઓનું મૂલ્યાંકન કે ટીકા ટિપ્પણ લેખની મર્યાદાના કારણે અહીં જતું કરવું પડે છે.
સમાજનું પરિર્વતન થાય છે, ત્યારે તે પ્રગતિ કે અધોગતિ કોઈ પણ દિશાઓમાં થતું હોય છે. વ્યક્તિગત, કૌટુમ્બિક કે સામાજિક સેવાભાવી સંસ્થાઓસાથે સંકળાયેલાં અનિષ્ટ તત્ત્વોનું અવલોકન, સંશોધન કે વિશ્ર્લેષણ પોતાના જીવનના અનુભવો કે મુલાકાતીઓનો પરિચય કરતાં છતાં કેમ લેખકો આપી શક્યા નહીં હોય ? ૧૯૮૬માં નેશનલ કૉંગ્રેસ ઑફ ગુજરાતી ઑર્ગનાઇઝેશન્સની સ્થાપના થઈ. તે પહેલાં સમસ્ત ગુજરાતી સમાજની અન્ય સંયુક્ત સંસ્થાઓપણ હતી. જેનો ઉલ્લેખ મેં આ સામયિકમાં આ પહેલાં કરેલો જ છે. તે સંસ્થાઓકેમ તૂટી અને હવે આ છેલ્લી સંસ્થાની ૨૩ વર્ષોમાં હાલ કઈ પ્રગતિ અને શું ભવિષ્ય છે, તેની વિગતવાર સ્વતંત્ર છણાવટ આ પુસ્તકમાં મળતી જ નથી. લેસ્ટરમાં રીટા પટેલનાં નેતૃત્વ હેઠળ ચાલતી ‘પિપલ’ સંસ્થાના મુકાબલે આ નેશનલ કૉંગ્રેસ ઑફ ગુજરાતી ઑર્ગનાઇઝેશન્સ ઓછી અગત્યની સંસ્થા નથી.
વેમ્બલી-હેરૉના, લંડનના ઉત્તર વિભાગના સામાજિક કાર્યકરોને નદીને પેલે પાર, દક્ષિણ લંડન વિભાગની સંસ્થાઓકે તેના કાર્યકરોનો ખાસ કોઈ પરિચય હોતો નથી. ક્રૉયડન બરૉના નૉરબરી પરગણામાં છેલ્લાં ૩૩ વર્ષોથી હું રહું છું. અને કેટલીક સામાજિક સંસ્થાઓસાથે ઓછોવત્તો સંકળાયેલો રહ્યો છું. આપણો ગુજરાતી સમાજ શું પ્રગિતને પંથે પ્રયાસ કરી રહ્યો છે ખરો ? આ પ્રશ્ર્ન પૂછતાં મને વતન કરમસદનું માધ્યમિક શાળાનું જીવન યાદ આવે છે. સાથે સાથે કહેવતો અને કવિતા પણ.
(૧) પાપનો ઘડો ભરાય છે, ત્યારે ફૂટે છે. પાપ કોનાં ? વાચકોનાં ? વ્યક્તિનાં કે સમાજનાં ?
(૨) सच्चाई छिप नहीं सकती बनावटके अुसूलोंसे
कि खुशबू अा नहीं सकती कभी कागजके फूलोंसे ।
વારુ, યુનાઇટેડ કિંગ્ડમના ગુજરાતીઓની થોડી પણ સત્ય હકીકતો જો ‘બ્રિટનના ગુજરાતીઓ’ પુસ્તકમાંથી પ્રાપ્ત ન થઈ શકતી હોય તો તે પુસ્તકના વાચનથી ગુજરાતી સમાજનું મન પ્રફુલ્લિત કેમ કરી રહી શકશે ? લંડન (યુનાઇટેડ કિંગ્ડમ)ના ગુજરાતી સમાજને કોઈ એકાદ વ્યક્તિ કાયમ માટે છેતરી શકે ખરી ? કોણ કહેશે ?
સાઉથ લંડન આશ્રમની બે-જબાન દાસ્તાન : ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે લેખકોએ કમલેશબહેન સાથે આ અશ્રમના સંચાલક પ્રવીણભાઈ અમીનની વાત છેડી છે. કમલેશબહેનનો વર્ષો પહેલાં બર્મિંગમમાં વ્યક્તિગત પરિચય મને થયો છે. પ્રવીણભાઈનો પરિચય તો છેક ૧૯૮૦ના અરસાથી જ જ્ઞાતિસંસ્થા[National Associations of Patidar Samaj]માં સાથે કામ કરતાં ૧૯૯૦ સુધી ઘનિષ્ટ રહ્યો હતો. લાગતી વળગતી વ્યક્તિઓની ક્ષમાયાચના સાથે આશ્રમ, અમારી જ્ઞાતિસંસ્થા સાથે સંકળાયેલી કેટલીક સ્વાનુભવ પ્રાપ્ત એકપક્ષી હકીકતો કે ફરિયાદો બ્રિટિશ ગુજરાતી જનતાની ચકાસણી માટે સાદર પ્રસ્તુત કરવી છે.
નેશનલ અસોસિયેશન ઑફ પાટીદાર સમાજની દક્ષિણ શાખા તરફથી અમારી સંસ્થા માટે જોઈતી સહાય તથા સેન્ટર કરવા માટે લેમ્બેથ બરૉમાં અમે બન્નેએ છાપેલાં ફૉર્મ પર તેમના ઘરે છેકોડી રાતના ચાર વાગ્યા સુધી જાગીને અરજી ઘડી હતી. આ અરજી મેં બીજા દિવસે બરૉની ઑફિસમાં મોકલાવી હતી.
આવી કેટલીક અન્ય અરજીઓના પરિણામે, આખરે, કાઉન્સિલે બધી જ્ઞાતિઓમાટે સંયુક્ત એશિયન સેન્ટરની સગવડ કરી આપી જે ‘આશ્રમ’ના નામે ઓળખાયું. ૧૯૮૦ના દસકાના અંતમાં ચૂંટણીમાં જીતીને તેઓત્યારથી જ પ્રમુખ રહ્યા છે. આ સમયે ગીતાબહેન અમીન કાઉન્સિલનાં આશ્રયે ‘આશ્રમ’નાં પગારદાર સંચાલક તરીકે જોડાયાં હતાં. તેમના કહેવા પ્રમાણે થોડા જ સમયમાં તેમને જેમ તેમ બહાનાં કાઢીને દૂર કરવામાં આવ્યાં. વસોનાં વતની ગીતાબહેન તો આ પ્રમુખનાં ગામનાં બહેન ગણાય. ગીતાબહેન અમીને મને (એક વાર તો રડતે મોંએ) ઉપરોક્ત પ્રસંગની વિગતવાર ફરિયાદો બે વાર તેમના પતિની હાજરીમાં કરી હતી.
‘આશ્રમ’ની કાર્યવાહક સમિતિનાં એક સભ્ય વિમળાબહેન પટેલને, તેમણે મને કરેલી રજૂઆત પ્રમાણે, ગુજરાતી વર્ગો ચલાવવામાં અનેક મુશ્કેલીઓપડી હતી. પ્રમુખના કુટુંબના એક સભ્યને ‘આશ્રમ’માં નોકરી રાખવાના પ્રશ્ર્ને, એક મત અનુસાર, તેમણે મક્કમતાથી સામનો કર્યો હતો. વિમળાબહેન હાલ હયાત નથી. આણંદની અમૂલ ડેરીના સ્થાપક ત્રિભોવનદાસ પટેલનાં આ હિમ્મતવાન પુત્રીએ જે અનિષ્ટ તત્ત્વોનો ગ્રનવીક ફેક્ટરીના સત્યાગ્રહ વખતે જયાબહેન દેસાઈએ સામનો કરેલો તેવો જ વિરોધ ‘આશ્રમ’ના ઠેકેદારો સામે સફળતાપૂર્વક નોંધાવ્યો હતો. આ ફરિયાદો તેમણે મને બે વાર કરી હતી.
રજનીકાન્ત આચાર્ય સ્ટૃધમના લીઅમ કૉર્ટ રોડ પર ચાલતાં લેમ્બેથ એશિયન સેન્ટરના વરસોથી પ્રમુખ રહ્યા છે. ત્યાંની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા ‘આશ્રમ’માંની બહેનો કેટલાક દિવસોએ જાય છે. કહે છે કે, અમીન સાહેબ આ બહેનોને ‘ત્યાં’ જવાની ના ભણે છે. રજનીકાન્ત આચાર્ય હસતા હસતા મને કહેતા હતા, ‘અમે તો અમારે ત્યાંથી ત્યાં આવતી બહેનોને’ ત્યાં ‘આશ્રમ’માં ના જશો’ એવું કદી કહેતા નથી.
અમારી જ્ઞાતિ સમાજના પ્રમુખ તરીકે ગત વરસોમાં દારૂ માંસના વિરોધમાં લખેલા મારા પત્રના જવાબમાં અન્ય સૌ સભ્યોની હાજરીમાં કાર્યવાહક સમિતિના એક સભ્ય પાસે બળજબરીથી સહી કરાવવામાં આવી હતી, તેમ જાણવા મળ્યું છે.
નેશનલ કૉંગ્રેસ ઑફ ગુજરાતી ઑર્ગનાઇઝેશન્સની પ્રમુખપદ માટેની તાજેતરની એક ચૂંટણી વખતે પાટીદાર સમાજમાંની આ કહેવાતી સેવાભાવી કારિકર્દીની વિગતો ફોટા સાથે ગેરઉપયોગમાં લેવામાં આવેલી.
નેશનલ અસોસિયેશન ઑફ પાટીદાર સમાજની દક્ષિણ લંડન શાખાના છ વર્ષ (૧૯૮૪-૧૯૯૦) દરમિયાન મંત્રી તરીકે રહી ચૂકેલાં ઈન્દુબહેન ઘ. પટેલ સાથે જોવા-મળવાનું, આ આગેવાન ભલા, કેમ ટાળતા હશે ? આવો અનુભવ મને ય થયા કર્યો છે.
મહાનુભાવની આવી સત્તાઘેલછાને કારણે નેશનલ અસોસિયેશન ઑફ પાટીદાર સમાજ તથા ક્યાંક નેશનલ કૉંગ્રેસ ઑફ ગુજરાતી ઑર્ગનાઇઝેશન્સને પણ લકવો થઈ ગયો છે, તેમ લાગે છે.
‘વર મરો, કન્યા મરો, ગોરનું તરભાણું ભરો’ - આપણે ત્યાં કહેવત છે. તેમ અહીં, ‘વર મરો, કન્યા મરો, પણ મને ‘પ્રેસિડન્ટ’ કરો’નો ઘાટ લાગે છે !
આથીસ્તો, આ વિદ્વાન લેખકોના જ્ઞાનને શું કહીશું ?બ્રિટનની દરેક વ્યક્તિ કે પછી કોઈ પણ ગુજરાતી સંસ્થાને સ્પર્શતા આવા તાતા માતા પડકારોનો સ્પર્શ આ ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ પુસ્તકમાંથી સ્વાભાવિક પામી શકાતો નથી. ગુજરાતીઓના સંદર્ભ કે તેમની સાથે થયેલી મુલાકાતોની જેમની તેમ, સંશોધન કર્યા વિના, ચકાસ્યા તપાસ્યા વગર, બ્રહ્મવાક્ય માનીને, આ પુસ્તકમાં જાણે કે ઉતાર્યા હોય, તેમ લાગ્યું છે. એક જ સવાલના કેટલાક વિરોધાભાષી ઉત્તરો લેખકોના ધ્યાનમાં આવ્યા લાગતા નથી. પરિણામે, ગુજરાતી વાચકના નસીબે આવ્યો અસ્ટમ્ પસ્ટમ્, ભદ્રંભદ્રીય કે ગુજલિશ ભાષાની ભૂલભૂલામણી સાથે અધૂરી વિગતો, માહિતીદોષો અને વિચારદોષોનો ઝમેલો ! − ચાલો, કંઈક આછીપાતળી નજર તે તરફ માંડીએ.
પ્રાણલાલ શેઠનું ચરિત્ર-ચિત્રણ : પ્રકરણ ૪ : સ્થળાંતર પ્રક્રિયાઓ: પાન ૧૪-૧૫-૧૬. આમુખ, પ્રાસ્તાવિક અને દૃષ્ટિપથ હેઠળ આલેખાયેલાં પ્રથમ ત્રણ પ્રકરણો બાદ ચોથા પ્રકરણ(પાન ૭ થી ૨૧ સુધી)માં વિષયની માંડણી તો સન ૧૯૫૦ના સમયથી સારી રીતે શરૂ કરવામાં આવી હતી. પરંતુ પાન ૧૪ સુધી (૧૯૬૦ પછી) આવ્યા બાદ, લેખકોના કમભાગ્યે અથવા તેમનાં ઐતિહાસિક અને ભૌગોલિક અપૂરતાં જ્ઞાનનાં કારણે, જે ગણો તે, ‘પ્રથમ ગ્રાસે’ જ ‘મક્ષિકા’ આવી !
આખા પુસ્તકમાં નોંધપાત્ર ગણી શકાય એવા કેન્યાના નામાંકિત રાજકીય આગેવાન પ્રાણલાલ શેઠનું ચરિત્ર-ચિત્રણ કરતાં પાન ૧૪-૧૫-૧૬ પર જાણે અજાણે નોંધાયેલા કેટલાય વિગતદોષો પૂર્વ આફ્રિકામાં ઉછરેલા કોઈ પણ ગુજરાતીના ધ્યાનમાં આવ્યા સિવાય રહી શકે નહીં. આમુખ લખી આશીર્વાદ આપનાર ખુદ ભીખુભાઈ પારેખના ધ્યાનમાં પણ આ દોષો આવ્યા હોય, તેમ લાગતું નથી.
પાન ૧૪ પ્રમાણે આ ચોથા પ્રકરણના બીજા અને ત્રીજા ફકરામાં, લેખકો જણાવે છે કે સરમુખત્યાર ઈદી અમીનની નિષ્ઠુર નીતિના કારણે ગુજરાતીઓને રાતોરાત ઉચાળા ભરીને અને થોડા કલાકમાં યુગાન્ડા છોડીને લંડનના હીથરો એરપોર્ટ પર આવવાનું થયું. અહીં ઈદી અમીનનાં પગલાંનો બીજો કોઈ બચાવ કરવામાં આવતો નથી. પરંતુ હકીકતમાં, શરૂઆતમાં યુગાન્ડાના નાગરિક ન થયા હોય તે વિદેશીઓને રાતોરાત નહીં, પરંતુ દેશ છોડવા માટેના હુકમની સમય-અવધિ ત્રણ માસ (૮ જુલાઈથી ૮ ઑક્ટોબર ૧૯૭૨ સુધીની) આપવામાં આવી હતી. આપણી પ્રજાએ તે હુકમ નહીં ગણકારતાં પહેલા માસ દરમિયાન દેશ છોડવાની કોઈ જ શરૂઆત ન કરી, અને નેતાગીરી પણ તેટલી જ અનિશ્ર્ચિત અવદશામાં હતી. એટલે ઈદી અમીને સામૂહિક વાડાબંધી (કોન્સેન્ટૃેશન કેમ્પ) કરવાની ધમકી, મુદ્દત પૂરી થયે, આપતાં જ આપણા (આ હુકમની અસર થઈ હોય તેવા) લોકોએ આ ત્રણ માસના ટૂંકા ગાળામાં જ ન છૂટકે દેશત્યાગ કર્યો. અલબત્ત, સ્થાયી અને જંગમ સંપત્તિની દેશના-બેન્કોના ચોપડાઓમાં નોંધ કરાવવામાં આવી હતી. અને વ્યક્તિ દીઠ બસો પાઉન્ડથી વધુ સાથે લઈ જવાની છૂટ નહોતી. આમ છતાં, ઈદી અમીને સલાહકારોની ઈચ્છાને વશ થઈ કેટલાક ઉદ્યોગોના પંદરથી વીસ ટકા જેટલા નોકરિયાતોને આ હુકમમાંથી મુક્તિ [exemption] આપી હતી. પરંતુ ફક્ત એકાદબે ટકા ત્રીજાચોથા દરજ્જાનાં હિંમતવાન ભાઈબહેનોએ જ ત્રણ વર્ષ સુધી આનો લાભ લીધો હતો.
સન ૧૯૭૨ના સમયની સીત્તેરેક હજારની આપણી યુગાન્ડામાંની વસ્તી ત્યાંથી હીથરો રાતોરાત કેવી રીતે આવી શકે, તેવો પ્રશ્ર્ન લેખકોને કેમ નહીં થયો હોય ? આનું વિસ્મય મારા જેવા અનેક વાચકોને જરૂર થતું હશે !
બીજું આશ્ર્ચર્ય આથી ય મોટું છે : આ બાહોશ લેખકની જાણકારી અંગે. કેન્યાના રહીશ, નાગરિક દિવંગત પ્રાણલાલ શેઠની મુશ્કેલીઓની જે વાર્તા કે હકીકતો તે અહીં સરિયામ વિપરીત અપાઈ છે. સાહેબો, ૧૪ ઑગસ્ટ ૧૯૬૬ના દિવસે કેન્યાના એક શહેર કિસુમુમાં તેમ જ પાટનગર નાઇરોબીમાં આ ઘટના બની હતી, તેનું શું ? ૧૯૭૨માં થયેલા યુગાન્ડાના નિષ્કાસનને, યુગાન્ડાના સરમુખત્યાર ઈદી અમીન જોડે આ ઘટનાને કોઈ જ સંબંધ નથી.
આ લેખક બેલડીની કરુણતા જોવા જેવી છે. પુસ્તકના પાન ૨૦૫ પર “ઓપિનિયન”ના ‘પ્રાણલાલ શેઠ સ્મૃતિ અંક’નો સંદર્ભ અપાયો છે અને ચન્દ્રકાન્ત પટેલકૃત ‘બ્રિટિશ ગુજરાતીઓની ગૌરવગાથા’(સન ૨૦૦૦)નો હવાલો આપીને અક્ષમ્ય સેળભેળ કરી છે. “ઓપિનિયન”નો ચોખ્ખો અપરાધ આમ થયો છે અને બ્રિટનના વાચક વર્ગને સ્પષ્ટ અન્યાય કર્યો છે. ઉપરોક્ત સ્મૃતિ અંકમાં, તંત્રી વિપુલ કલ્યાણીએ પ્રાણલાલ શેઠના સાથીદાર પ્યારઅલી રતનશીના મૂળ અંગ્રેજી લેખનો તરજુમો પણ આપ્યો છે. તે અનુસાર પ્રાણલાલભાઈ સાથે છ એશિયાઈઓએકી સાથે કેન્યાથી તડીપાર થયા હતા. આ અંકમાં ભીખુ પારેખનો ય લેખ આમેજ છે. તેમાં ય કેન્યાનો હવાલો છે. આ સઘળી વિગત માહિતીઓછતાં, પુસ્તકના પાન ૧૪, ૧૫, ૪૮, ૪૯, ૧૯૬, ૨૦૩, ૨૦૪, ૨૦૫, ૨૩૬, ૨૩૮, ૨૪૧, ૨૪૨ ઉપર જુદી જુદી, અસત્ય, અધૂરી કે ચર્ચાસ્પદ વિગતો લેખકે કયા કારણે, ભલા, આપી હશે ?
(ક) આ પુસ્તકના પાન ૨૪૧માં જણાવ્યા મુજબ શરૂઆતના પહેલા ફકરામાં પ્રાણલાલ શેઠ સંબંધે લખાણ થયું છે : ‘ .... એમને કપડાંની માત્ર ત્રણ જોડ સાથે કંપાલા છોડવું પડયું (ઓપિનિયન, જાન્યુઆરી ૨૦૦૫) ... ‘
“ઓપિનિયન”નો આ જાન્યુઆરીનો અંક હું ફરી વાર આખો જોઈ વાંચી ગયો. આખા અંકમાં ક્યાં ય આ પ્રમાણે વિગત કે સમાચાર આપવામાં આવ્યા નથી. ‘એતાનશ્રી’માં પાન ૯ પર ફક્ત બળવંત નાયક અને વનુ જીવરાજની ૨૬ નવેમ્બર ૨૦૦૪ના ખાસ ‘પ્રાણલાલ શેઠ સ્મૃતિ અંક’ની કદર કરતી ટૂંકી નોંધ આપવામાં આવી છે. આમ પૂર્વ આફ્રિકાના ઇતિહાસ અને ભૂગોળ જેવા અગત્યના વિષયો પર આટલી બધી અને ભરપૂર માહિતીઓહોવા છતાં, લેખકોએ, આ ડાબા હાથનો ખેલ, કેમ પાડ્યો હશે ? કોણ સમજાવશે ?
(ખ) પ્રકરણ ૪ : ‘સ્થળાંતર પ્રક્રિયાઓ’માં પાન ૧૪ - ૧૫ પર (૧૯૬૦ પછી) આપેલી વિગતો(ખાસ કરીને દિવંગત ડાહ્યાભાઈ પટેલ અને મનુભાઈ માધવાણી અંગે કરેલી)ની યથાર્થતાનું સાચું નિરુપણ સંશોધન કેવિશ્ર્લેષણ થયું નથી. ૧૯૭૧ દરમિયાન, તત્કાલીન રાષ્ટૃપ્રમુખ મિલટન ઑબોટે રાષ્ટૃસમૂહની બેઠકમાં હાજરી આપવા દેશાવર ગયા હતા. સત્તાલોભી સરસેનાપતિ ઈદી અમીને આનો લાભ લઈ લશ્કરી શાસન સ્થાપિત કર્યું. સંસદ બરખાસ્ત થઈ. સ્પીકર નરેન્દ્ર પટેલ ઑસ્ટૃલિયા જતા રહ્યા. લશ્કરી સમિતિની રચના થઈ. પોતાની પસંદગીના જ લોકો તેમાં સામેલ હતા. વિરોધ પક્ષના કે સંસદના મૂળ આફ્રિકન સમેત કોઈ જ સભ્ય (કે પછી અન્ય ડાહ્યાભાઈ પટેલ જેવા) તેમાં હતા જ નહીં. સત્તા આંચકાયાને એક વર્ષ પૂરું થતાં સુધીમાં તો ઈઝરાયલના સાતસો નાગરિકોને ઈદી અમીને તડીપાર કર્યા હતા. અને ૧૯૭૨માં તો ૮ જુલાઈથી ૮ ઑક્ટોબર ૧૯૭૨ના ત્રણ માસમાં એશિયન નિષ્કાસનનો [exodus] જગજાહેર હુકમ પણ અમલમાં આવ્યો.
એટલે પાન ૧૪ પર આપેલી વિગત પ્રમાણે ઈદી અમીન કવિ ડાહ્યાભાઈ પટેલને છેક ૧૯૭૨માં વિરોધ પક્ષના નેતા તરીકે કે સંસદના સભ્ય તરીકે આફ્રિકીકરણની ઉદ્દામ નીતિ સંબંધે અભિપ્રાય માગવા શા માટે બોલાવે ? અને એકાદ દિવસ માટે પણ તે મુલાકાતના પરિણામે જેલમાં બેસવાનો પ્રસંગ પણ શા માટે આવે ?આફ્રિકીકરણની નીતિ યુગાન્ડાની ૧૯૬૨માં આઝાદી આવ્યા બાદ બેત્રણ વર્ષમાં અમલમાં મૂકાઈ હતી. આ વિષયની તેમના ઘરે અનેક વાર થયેલી રૂબરૂ મુલાકાતોમાં ક્યારે ય તેમણે મને આવી પાયા વિનાની વાત કરી નહોતી.
આટલી જ અસત્ય અને વાહિયાત વાત પાન ૧૪ - ૧૫ ઉપર નોંધેલી મનુભાઈ માધવાણી સંબંધે આ પ્રમાણે અપાઈ છે : ‘ .... એમને પણ બધું છોડીને પહેરેલે કપડે એન્ટેબે એરપોર્ટ પરથી ભાગીને પ્લેન પકડવું પડયું હતું .... ‘ ઉભય લેખકોને આવા પાયા વગરના વિકૃત સમાચાર ક્યાંથી પ્રાપ્ત થયા હશે ? જગદીશ દવે ગુજરાતી મરાઠી નાટકો વિશેના જાણકાર હોવાને કારણે કદાચ ઈતિહાસની ઝાઝી ગતાગમ ન હોય તે માની લઈએ; પરંતુ, પ્રવીણ શેઠ તો રાજકારણ અને ઈતિહાસના જાણકાર. તે ય આવી ભૂલો કરી બેસે ? જરાક સમથળ થઈ પૂછીએ કે ભાગીને આવેલી વ્યક્તિને એમ તાત્કાલીક કોઈ વિધિ-વિધાન કર્યા વિના પરદેશ-ગમનની સગવડ એન્ટેબે એરપોર્ટથી કઈ રીતે મળી હોય ? વાચક દોસ્ત, હકીકત કંઈક આમ છે : મનુભાઈ માધવાણી ૬ ઑક્ટોબર ૧૯૭૨ના રોજ કકીરાથી એન્ટેબે (અને ત્યાર બાદ લંડન) જવા કોઈ તકલીફ સિવાય સાંજના ચારેક વાગ્યે ઉપડ્યા હતા. તે દિવસના સવારના દસેક વાગ્યે કકીરામાં મારી તેમના બંગલા પર ટૂંકી મુલાકાત પણ અનાયાસે થઈ હતી. આ બાબતની બીજી હકીકતો હવે વિસ્તારભયે આપવાની હું ટાળું છું.
અલબત્ત, નિષ્કાસનના છેલ્લા દિવસોમાં વારસાગત સંવાદિતા અને પરિવારે વિકસાવેલી ઔદ્યોગિક વસાહત છોડતાં કોઈ પણ ધનિક વ્યક્તિને વસવસો થાય. તેમના જેવી સ્થિતિ આમ તો નાનામોટા સૌને જાણે કે એક સરખી રીતે જ લાગુ પડી હતી. યુગાન્ડાની તે દિવસોમાં અગાઉથી નાગિરક બનેલી કેટલીક પ્રતિષ્ઠિત ધન-સંપન્ન વ્યક્તિઓને તથા અમારા માધવાણી ગ્રુપના મેનેજરોને આ ત્રણ માસનો નિષ્કાસનનો હુકમ લાગુ પડતો નહોતો. છતાં, બીકના માર્યા તેઓવહેલા મોડા રફુચક્કર થઈ ગયા હતા. આમ સંકટ સમયે યુગાન્ડાની નેતાગીરી વામણી પુરવાર થઈ હતી. યુગાન્ડાનો સાચો ઇતિહાસ ક્યાં છુપાયો છે ?
(ગ) પુસ્તકના પાન ૧૫ના છેલ્લા ફકરામાં, પ્રાણલાલ શેઠની આ પ્રમાણે પાયા વગરની વિગતો અપાઈ છે : ‘ .... ૪૩ કંપનીઓના ડાયરેક્ટર આ એ જ શેઠ હતા જેઓનો પાસપોર્ટ ઈદી અમીને ૧૪ ઑગસ્ટ ૧૯૬૬ને દિને છીનવી લીધો હતો ... અને ... (સ્ટેટલેસ) .... બન્યા હતા .... ‘
ઇતિહાસ, હકીકત અને તવારીખથી, મજબૂત બને છે. અહીં તો તેના ય લોચા છે. ૧૯૬૬માં તો ઈદી અમીનનું નામ યુગાન્ડામાં પણ કોઈ જાણતું નહોતું. અને ૧૯૭૧માં જ્યારે તે યુગાન્ડાનો લશ્કરી સત્તાધીશ બન્યો ત્યારે તો પ્રાણલાલ શેઠનો બ્રિટનમાં સિતારો ચમકતો હતો. યુ.કે.આઈ.એ.એસ.ના તથા પાછળથી કમિશન ફૉર રેશિયલ ઇક્વાલિટીના ઉપપ્રમુખપદે સક્રિય હતા તેમ જ “ગુજરાત સમાચાર” સાપ્તાહિકની સ્થાપનામાં અગ્રણી બની રહ્યા હતા.(ઘ) પાન ૧૩ પર આફ્રિકા ખંડ અને બ્રિટનના નકશા ઉપરના ભાગમાં દર્શાવવામાં આવ્યા છે. બ્રિટનના શહેરો જેવાં કે લંડન, લેસ્ટર વગેરે આફ્રિકાના દેશોના (યુગાન્ડા, કેન્યા, ટાંઝાનિયા) ભૌગોલિક સંબંધે ઉત્તર - પશ્ર્ચિમમાં આવવાં જોઈએ. તેના બદલે આ નકશામાં તેનાં સ્થાન વિપરીત દિશામાં એટલે ભૂલથી દક્ષિણ - પશ્ર્ચિમમાં બતાવ્યાં છે. કોઈ પણ વાચકને આ નકશા જોતાં વેંત જ કેન્યાથી લંડન ... યુગાન્ડાથી લેસ્ટર .... ટાંઝાનિયાથી લેસ્ટર ... આ બધી દિશાઓ.... અડવી અડવી (દક્ષિણ - પશ્ર્ચિમ) .. ખોટી દિશામાં જતી લાગે !
અભિવ્યક્તિ : વિષયસામગ્રી − યથાયોગ્ય કે અતિરેક / ઊણપો ?!ટૂંકી સમીક્ષા
પ્રવેશ : તદ્દન સામાન્ય લાગતા આપણા ગુજરાતીઓના પોતાના જ જીવનની બ્રિટન જેવા નવા દેશમાં વસવાટ બાદ કૌટુંબિક કે સામૂહિક ચઢતી પડતી, સુખદુ:ખ, પ્રશ્ર્નો, મૂંઝવણો કે ઉકેલ વગેરે દર્શાવતી હકીકતો પ્રથમ દૃષ્ટિએ જોઈએ તો આ બન્ને લેખકોએ ઘણી જ મહેનત લઈને આ પુસ્તકમાં ભીખુ પારેખના સહકારભર્યા આમુખ અને પોતાની વિગતવાર ‘પ્રાસ્તાવિક’ (પ્રકરણ : ૨ - પાન ૧૦ તી ૨૦) નોંધ સાથે બાકીનાં અન્ય પ્રકરણો(૩ થી ૨૧)માં વિવિધ પેટા વિષયો છેડતાં, સંદર્ભ સાહિત્ય - સૂચનો - મંતવ્યો સાથે વિગતો આપીને જાણે કે આબાદ અને વિશદ રીતે પેશ કરી હોય એમ લાગે છે તો ખરું .... ..... પરંતુ છેલ્લા બારેક માસના આ પુસ્તકના ત્રણ વાર ઊંડા અભ્યાસ અને મનોમંથનના નિષ્કર્ષ સ્વરૂપ મને ક્યાંક એમ પણ પ્રતીત થાય છે કે આપણી ભાષામાં આમુખ-લેખકની દૃષ્ટિએ પણ સર્વ પ્રથમ ગણી શકાય એવા આ ઐતિહાસિક દસ્તાવેજમાં જોવા મળતા માહિતીદોષો, એકપક્ષી, અધૂરી, અસ્પષ્ટ કે અસત્ય ગુજરાતી ડાયસ્પોરાની હકીકતોને કારણે સમજવામાં તે અગમ્ય કે દુર્બોધ બની ગયા છે.
આમુખ : ભીખુભાઈએ આમુખમાં સાચે જ માર્ગદર્શન સ્વરૂપે જણાવ્યું છે કે આ નવવસાહતી સમુદાય મૂળ ભારતીય સમુદાયનું પ્રતિબિંબ સ્વરૂપ જીવન્ત દર્પણ છે. અને તેના ઇતિહાસ નિરૂપણમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરતાં કે આંતરસૂઝ વિકસાવતાં, સફળતાઓઅને નિષ્ફળતાઓસાથે સાથે જ જનતાની શક્તિઓઅને મર્યાદાઓસમજાવી, આપણને સદા જાગ્રત રાખતી પ્રેરણાદાયી માહિતી મળતી રહેવી જોઇએ. પાન ૭ પર પણ તેમણે સ્પષ્ટતાથી કહ્યું છે : ‘કે ગુજરાતી ડાયસ્પોરા, કેટલીક શક્તિ-ક્ષમતાઓઅને કેટલીક નબળાઈનાં લક્ષણો ધરાવે છે. ... ‘
આમ મૂળ વતન ગુજરાતથી વિખૂટા પડેલા પરદેશવાસી ગુજરાતીના ગુણદોષોનું ત્રણચાર પાનમાં જ પરિચય કરાવતું લાક્ષણિક અને સુગમ્ય આકલન કરતાં ભીખુ પારેખ અંતમાં જગતના વિવિધ દેશોમાં પ્રસરેલા ‘ગુજરાતી’નાં સમગ્રલક્ષી ચરિત્ર-ચિત્રણો તૈયાર થવાં જોઈએ, તેવું પ્રેરણદાયી સૂચન કર્યા બાદ, ગણનાપાત્ર સંખ્યામાં યુનાઇટેડ કિંગ્ડમ કે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા જેવા મોટા દેશોમાં વસતા ‘ગુજરાતી’ઓના તુલનાત્મક અભ્યાસની ભૂમિકા પણ તૈયાર થઈ શકે એવાં સુખદ સ્વપ્નો સેવતાં વિશ્ર્વસ્તરની ગુણવત્તા ધરાવતી એક ડાયસ્પોરિક ‘ઇન્સ્ટિટ્યૂટ’ ગુજરાત સરકારના સહયોગથી ,વિશ્ર્વસ્તરે વસતા ગુજરાતીઓકરી શકે અને પરિણામે મૂળ ગુજરાત અને ડાયસ્પોરાનો એકમેકનો ભાવાનુબંધ પણ વિકસિત થતો રહેશે, એમ ખાતરીપૂર્વક માને છે.
પ્રાસ્તાવિક (પ્રકરણ : ૨ - પાન ૧૦ થી ૨૦) લેખકોએ બ્રિટનવાસી ગુજરાતીઓના સાડા ત્રણ દાયકાના નવવસાહતી ડાયસ્પોરિક ઇતિહાસ સર્જન નિમિત્તે સહયોગીઓનો આભાર માનતાં, પોતે આદરેલા પ્રયાસો અને અનુભવો આ પ્રકરણમાં પૂર્વભૂમિકા સ્વરૂપે ઠીકઠીક રજૂ તો કર્યાં છે. પરંતુ જમાપક્ષે ઘણી સામગ્રી ઉપલબ્ધ કરી હોવા છતાં કેટલીક અસ્વીકાર્ય ઊણપો, અધૂરી કે અપ્રસ્તુત હકીકતો જોતાં એક વાચક તરીકે ઘણો અસંતોષ રહ્યા કરે છે.(અ) પાન નંબર ૧૨ પરનો ત્રીજો ફકરો આ પ્રમાણે છે : ‘સંઘર્ષ, રચના અને સિદ્ધિની તેમ જ પરિવર્તનની નવવસાહતી ઘટના સંતોષકારક હોવા છતાં હજુ ગુજરાતી સમુદાયે એક ડાયસ્પોરા તરીકે કેટલાક પ્રશ્ર્નોનો સંતોષકારક ઉત્તર કે પ્રતિભાવ આપવાનો બાકી રહે છે.’
છ લીટીના ચોથા ફકરામાં, અંતમાં, લેખકો જણાવે છે કે ‘હોમલીનેસ અનુભવતા હોય તેવા આ સમાજે આધુનિકતાનાં બાહ્ય આવરણો ઓઢ્યા પછી, અભિગમ અને વ્યવહારમાં પણ આધુનિક તત્ત્વો સવિશેષ અપનાવવાં જોઈએ ખરાં ? આ બાબતમાં તેઓઅમેરિકાના એમના ડાયસ્પોરિક હમ વતનીઓપાસેથી એક-બે તત્ત્વો અપનાવી શકે.’ પાંચમા અને આ પાન પરના છેલ્લા છઠ્ઠા ફકરામાં લેખકોએ બ્રિટિશ ગુજરાતીઓની અમેરિકન ગુજરાતીઓસાથે તેમના વેપારધંધા, ઇન્ફોટેક, જાહેર જીવન, રાજકારણ વગેરેની વાહિયાત સરખામણી કરી બન્ને દેશોને સ્પર્શતા પોતપોતાનાં સ્થળ-કાળ-કદ અવલંબિત અલગ અલગ પ્રશ્ર્નોની ભેળસેળ કરી પોતાનું અજ્ઞાન પ્રદર્શિત કર્યું છે.
(આ) ડાયસ્પોરાના કયા પ્રશ્ર્નો (બ્રિટનના ગુજરાતીઓને સ્પર્શતા) છે કે લેખકોનો શો ઉત્તર કે પ્રતિભાવ છે તે વાચકોને કેમ જાણવા મળતું નથી ? ઉપરોક્ત આખા ચોથા ફકરામાંથી વાચકને કોઈ જ વ્યવહારુ અર્થનિષ્પતિ સાંપડતી નથી. આધુનિકતાનાં કયાં બાહ્ય આવરણો કે તત્ત્વો લેખકોને અભિપ્રેત છે તે તો જાણવા મળતું નથી. પરંતુ વાચકોના દુર્ભાગ્યે લેખકો બ્રિટનના ગુજરાતીઓને અમેરિકાના તેમના હમ વતની ભાંડુંઓનાં એકબે તત્ત્વો અપનાવી આંધળું અનુકરણ કરવાની જાણે કે સૂફિયાણી સલાહ આપે છે. ભીખુ પારેખની બન્ને દેશો વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ કરવાની સૂચનાનો અમલ કરવામાં ય આ લેખકો વામણા સાબિત થયા છે. અહીં આ લેખક બેલડી ઉતાવળે આંબા પકવવામાં પડયા દેખાય છે.
(ઇ) બાકી, બ્રિટન કે યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, બન્ને દેશોમાં વસતી આપણી ગુજરાતી પ્રજાની ઓછી વત્તી સંપત્તિ, નાનાં મોટાં મકાન, ખાનપાન કે આગતા સ્વાગતા જે ગણો તેના વર્ણન (પાન નં. ૧૩-૧૪) કે નિત્યપ્રવાસી પ્રીતિ સેનગુપ્તા જેવાનાં ઘરગથ્થુ કે ચીલાચાલુ ત્રણ પાનાંનાં લખાણથી કે તેના વાંચનથી બ્રિટનના કોઈ પણ ગુજરાતીનું મન કે પેટ ભરાશે નહીં, એમ મને તો લાગે છે. તુલનાત્મક અભ્યાસ માટે અન્ય અનેક તાકીદના વિષયો મોજૂદ છે તેનું સંશોધન કરવાનું વિદ્વાન લેખકો ઉપરોક્ત મર્યાદા છતાં જો કરી શકે તો તે સાહસ હું માનું છું કે બન્ને દેશોમાં વસતી આપણી ગુજરાતી પ્રજા સહર્ષ આવકારશે.
(ઈ) સન ૧૯૪૮ના સમયથી કાળક્રમે ઘડાઈને નિત્ય વિકસિત ‘વેલ્ફેર સ્ટેટ’ ગણાતા બ્રિટનમાં વર્ષોથી નાગિરક તરીકે અને અલગ કોમો ગણાતી હિન્દુ-મુસ્લિમોનો પહેલા ફકરામાં સંયુક્ત સંદર્ભ આપીને (પાન ૧૩૦) બ્રિટનની રાજવ્યવસ્થા પર આ કોમો દ્વારા અસરકારક દબાણ લાવવાનું બળ ભેગું કરવા લેખકોએ આપેલી બિનવ્યવહારુ સલાહ વાચક તરીકે તદ્દન અસ્વીકાર્ય લાગે એવી છે. બન્ને કોમોના સહકારથી આ દેશમાં ચાલતી કેટલાંક એશિયન સેન્ટરોની સફળતા કે વિફળતાનો અભ્યાસ જો લેખકો કરશે તો જ મારો ઉપરનો અભિપ્રાય તેમને સમજાશે.
(ઉ) પાન નં. ૧૫-૧૬-૧૭ પર એપ્રિલ ૨૦૦૭માં (યુગાન્ડાના પાટનગર) કમ્પાલામાં અમદાવાદના એક નવજુવાન ગુજરાતીની કરુણ હત્યાનું આપેલું વર્ણન કે કહાણી લેખકોએ પુસ્તકના વિષય સાથે બિલકુલ અપ્રસ્તુત હોઈ ટાળવા જેવું હતું. આ કરુણ પ્રસંગનું લેખકોએ કરેલું ‘ફ્લેશબેક’ વિશ્ર્લેષણ પણ તેટલું જ ચર્ચાસ્પદ હોઈ સ્વીકાર્ય લાગતું નથી, કારણ કે વિરોધી રાજકારણના કાવાદાવાના ચક્કરમાં કે પર્યાવરણવાદીની ઉશ્કેરણી સમયે તો જાણ્યેઅજાણ્યે કોઈ પણ નિર્દોષ એશિયન કે આફ્રિકન વ્યક્તિ ભોગ બની શકે છે.
પાન ૧૭ પર મધ્યમાં લેખકોએ આપેલા પ્રશ્ર્નો પણ વાચકોને અપ્રસ્તુત અને બિનજરૂરી હોઈ ભારરૂપ લાગે એવા છે. ભારતની સરકાર કે બ્રિટનમાં રહેતો ગુજરાતી સમૂહ સ્વતંત્ર થયેલા આફ્રિકન દેશો(યુગાન્ડા, ટાંઝાનિયા કે ઝામ્બિયા જેવા)માં વસતા ભારતીય ડાયસ્પોરાના સ્થાનિક સવાલો કેવી રીતે ઉકેલી શકે ? અને તેમનું દૂર રહ્યે શું ધ્યાન રાખી શકે ?
આ જ પાન પર આગળ આવતાં લેખકોએ બ્રિટન અને અમેરિકાની ગુજરાતી મહિલાઓની તદ્દન વાહિયાત અને અર્થહીન તુલના કરી વાચકોનાં રૂંવાં ઊંચાં કરી કેટલો બધો અક્ષમ્ય અપરાધ કર્યો છે ? વિચારીએ : ભીખુ પારેખના આમુખમાં સૂચવેલા તુલનાશાસ્ત્રના લેખકોના સ્વીકાર અને સર્જન બાદ ગુજરાતી વાચકોને શુભ પરિણામ સ્વરૂપે ‘क्षणे क्षणे जायते तत्त्वबोध:’ના નિર્દોષ મહિલાઓને ભોગે અમૂલ્ય લાભ પ્રાપ્ત થયો છે ખરો ? અને છેલ્લે ......(ઊ) આ લેખની શરૂઆતમાં જ વિગતવાર ખુલાસા સાથે પ્રતિપાદન કર્યું જ હતું કે આ પુસ્તકના વિષયનું અંગ્રેજીમાં આપેલું પેટામથાળું (ઈન-બિટ્વિનનેસથી હોમલીનેસ) તદ્દન ભૂલ ભરેલું હોઈ બિનજરૂરી છે. આ જ હકીકતનો લેખકોએ પાન ૧૮ પર આડકતરી રીતે જ જાણે કે ડાબા હાથે પોતાનો જમણો કાન પકડતા હોય તેમ છેલ્લા ફકરાના અંતે સ્વીકાર કરતાં આમ લખ્યું છે : ‘ .... બ્રિટિશ ગુજરાતીઓના ઘરઝુરાપા, વતનઝુરાપા, સાંસ્કૃતિક ... પ્રતિ ખેંચાણના અનુભવો; પોતાની ઓળખના પ્રશ્ર્નો; બે પેઢી વચ્ચેના ઉછેર અને સાંસ્કૃતિક ઝોક અને દિશાભેદના તનાવો, સમાધાન કે સમન્વય - આવી સંકુલ ભાવપ્રક્રિયાઓને ચિત્રાત્મક રૂપે કે નાજુક સ્પર્શ સર્જનાત્મક રીતે આકારતું હોય તેવા સાહિત્યની અપેક્ષા સંતોષાય, તેની હજુ રાહ જોઈશું ?’
આવાં આવાં અનેક મંતવ્યો કે વિધાનો લેખકોએ અનેક પ્રકરણોમાં વિરોધીભાસી હોવા છતાં, ઠેર ઠેર, સાચું કે જૂઠું જાણ્યાની પરવા કર્યા સિવાય આંખો મીંચીને ઝીકે રાખ્યાં છે. તેમના ઉપરોક્ત પ્રશ્ર્નોના જવાબ તો લગભગ મહદ્દ અંશે સીધી કે આડકતરી રીતે “ઓપિનિયન”ના ૨૬ ડિસેમ્બર ૨૦૦૦ના અંકમાં ‘અમે તો સૂરજના છડીદાર’ નામે પાન ૪૦-૪૧-૪૨ પર મેં પ્રસ્તુત કરેલા. લેખકોને અને વાચકોને તે ફરી જોઈ જવાની ભલામણ કરું છું. ઉપરોક્ત લેખમાં નોંધેલું કે આપણા ગુજરાતી સમાજને સીધી રીતે સ્પર્શતું ફક્ત એક જ વાક્ય અહીં પ્રસ્તુત કરવાની રજા લઉં છું : ‘ ... બીજી રીતે કહીએ તો એક વિરાટ ગુજરાતી સમાજમાં પ્રવર્તતા દધિમંથનમાં આપણામાંનો દરેક જણ મને કે કમને આ ધરતીના છેલ્લા ત્રણ ચાર દાયકાનાં નવાં, ખાસ કરી જાહેર પ્રવૃત્તિઓના વાતાવરણમાં વલોવાઈ રહ્યો છે. ...સાથે સાથે ૨૬ જૂન ૨૦૦૩ના “ઓપિનિયન”ના અંકમાં ‘ઇતિહાસની કુંભી’ પાન ૭-૮-૯-૧૦ પર અંજના પટેલ અને નટવરલાલ પટેલે (અંગ્રેજીમાં લખેલા ચરોતરના લેવા પાટીદાર - પટેલ જ્ઞાતિનો ઇતિહાસ) આપેલું ગુજરાતી પટેલોનું વિવરણ પણ તેટલું જ નોંધપાત્ર છે. પટેલ જ્ઞાતિની આખા સમાજમાં ધ્યાનપાત્ર બની રહે તેવી ઉન્નતિ અને સફળતા છતાં આ બન્ને (બાપ-દીકરી) પટેલ લેખકો પણ જ્ઞાતિનાં ઉધાર પાસાં અથવા તો બીજી રીતે કહીએ તો જ્ઞાતિની ઊણપો, મર્યાદા કે કેટલાંક ક્ષેત્રોમાં થતી નિષ્ફળતા આ ઇતિહાસમાં દર્શાવી શક્યા નહોતા. આ બાબત ગુજરાતી સમાજની એક રીતે અવ્વલ ગણાતી પટેલ જ્ઞાતિનાં બન્ને જમા તથા ઉધાર પાસાંઓનું વિવરણ (ઉપરોક્ત અંકમાં) ‘બ્રિટનમાં ગુજરાતીઓ’ પુસ્તકના બન્ને લેખકો તથા વાચકોએ ધ્યાનમાં લેવું જોઈએ. કારણ કે આ પુસ્તકના પ્રકરણ ૬ (પટેલો : બ્રિટિશ ભારતીયોનું ગતિશીલ પરિબળ - પાન ૩૯ થી ૫૦) પ્રમાણે જ્ઞાતિની મોટે ભાગે ફક્ત એક જમા પક્ષની જ નોંધ લેવાઈ છે.
પ્રકરણ ૭ : નારી વિકાસ કેન્દ્ર ‘પીપલ’ (પાન ૫૧ થી ૫૮) લેસ્ટરમાં સ્થાપિત માતૃભાષા ગુજરાતીના શિક્ષણ સાથે અન્ય પ્રવૃત્તિઓથી ધમધમતું ‘પીપલ સેન્ટર’ (બેલગ્રેવની બહેનો)નાં અધિષ્ઠાત્રી રીટા પટેલનું અન્ય સાથીદાર બહેનો સાથે આ પ્રકરણમાં યથાયોગ્ય બહુમાન કરવામાં આવ્યું છે.
પાન ૫૬ પર સેન્ટરના સંદેશ-પત્ર પર મહાત્મા ગાંધીનું જાહેર જનતાને સુપંથે દોરતું અંગ્રેજીમાં આમ ઉદ્દબોધન છે : You must be the change you want to see in the world. આનો લેખકોએ આપેલો તરજુમો કૃત્રિમ લાગે છે. મને યથાર્થ તરજુમો લાગ્યો છે તે કૌંસમાં છે : ‘તમે વિશ્ર્વમાં જે (તફાવત અને સુપરિવર્તન) જોવા માગો છો, તે તમે પોતે જ બનવું જોઈએ.’ (આ વિશ્ર્વમાં તમે જે પરિવર્તન જોવા માગો છો તે સાકાર કરવા માટે તમે પોતે જ નિમિત્ત બનો.)
પ્રકરણ : ૮ : વૃદ્ધો : (પાન : ૫૯ થી ૬૫) આ પ્રકરણમાં વૃદ્ધોનાં જીવનની ઝાંખી, સંયુક્ત પરિવારમાં તેમને ભોગવવી પડતી મુશ્કેલીઓકે સદ્દભાગ્યે પ્રાપ્ત થતાં સુખસગવડ, કમલેશબહેન પટેલનું આ ક્ષેત્રે યોગદાન વગેરેનું ટૂંકમાં સારી રીતે નિરૂપણ તો થયું છે, પરંતુ છેલ્લા પાન નં. ૬૫ પર ભાષા અને હકીકતોના નિરૂપણમાં કેટલીક ઊણપો વર્તાય છે, તે જોઈએ :
પહેલો ફકરો ટૂંકમાં આમ છે :... અતિ આધુનિક પર્યાવરણમાં ફાસ્ટ ફોરવર્ડ ટ્રેક પર ધસતા સમાજની પરિવાર કેન્દ્રી પ્રણાલીમાં જે વિકૃતિઓપ્રવેશી છે તેનાં માઠાં પરિણામ નિવારવાને .... સમાજશાસ્ત્રીઓઅને સામાજિક કાર્યકરો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે તે અપેક્ષિત છે.
આ ફકરામાં વિકૃતિઓકઈ છે તેની કોઈ જ સ્પષ્ટતા કરી નથી અને ચીલાચાલુ આવી જવાબદારીઓનો ભાર સામાજિક કાર્યકરો ઉપર નાખી દીધો છે.
બીજા ફકરામાં આપેલું ભાષા-નિરૂપણ વાચકને કઠે તેવું છે : ‘બ્રિટન ભારતમાં એના ઇન્ફો ટેક સોફ્ટવેર વિષયક કામો જ આઉટસોર્સ કરતું નથી ... હવે બ્રિટનસ્થિત વૃદ્ધોનું પણ ભારતમાં આઉટસોર્સિંગ થવા માંડયું છે.’ કમનસીબી એટલી બધી છે કે હવે આ વિદ્વાન લેખકોને આ અંગ્રેજી શબ્દ (આઉટસોર્સિંગ) નિર્જીવ અને સજીવ બન્ને માટે આ એક જ શબ્દ અને તે પણ તદ્દન ખોટા અર્થમાં વાપરવાનો મોહ લાગ્યો છે ! કેટલા ય વૃદ્ધ, નિવૃત્ત દંપતીઓસ્વેચ્છાએ ભારતમાં અવરજવર કરે છે અને તે પણ વર્ષોથી. ‘અપવાદ’ને નિયમ બનાવી શકાય ખરો ?
લંડનસ્થિત લેખિકા [These foolish things - લખનાર] વૃદ્ધો બાબત શો અભિપ્રાય આપે છે તે લખ્યું છે, પરંતુ તે લેખિકાનું ‘શું’ નામ છે, તે વાચકોને કેમ જાણવા નહીં મળતું હોય ?
પ્રકરણ : ૧૮ (બ્રિટનમાં પત્રકારત્વ) : “ઓપિનિયન” અને “અસ્મિતા” (પાન : ૨૦૩ - ૨૦૪)साहित्य संगीत कला विहीन:। साक्षात् पशु: पुच्छ विषाण हीन:।।
જે વ્યક્તિઓમાં સાહિત્ય, સંગીત અને કલાના ક્ષેત્ર જેવા વિષયોમાં દિલચશ્પી હોતી નથી તેમને નરસ્વરૂપે (પૂંછડાં અને શિંગડાં વગરનાં) સાક્ષાત્ પશુઓજેવા ગણવામાં આવે છે, તેવી આપણા ભારતીય સંસ્કારોની પ્રણાલી છે. બન્ને લેખકો દ્વારા સર્જિત આ પુસ્તકનું સાચું કલેવર તો તેનાં ચાર પ્રકરણો (૧૫-૧૬-૧૭-૧૮)માં જ મુખ્યત્વે ૮૦ ટકા પાન પર ધબકારા મારી રહ્યું હોય એમ જણાય છે. તેમાં ગુજરાતી માતૃભાષા, શિક્ષણ, કેળવણી, સંગીત, નૃત્ય, નાટક, પત્રકારત્વ વગેરે પ્રવૃત્તિઓસાથે સદાય મસ્ત રહેતા તેના પુરસ્કર્તાઓ- શિક્ષક, કવિ, વાર્તાકાર, લેખક, તંત્રી, સમાજસેવક, નેતાઓવગેરે અનેક સંસ્થાઓદ્વારા સમાજના દરેક સ્તર સુધી પથરાયેલા રહ્યા હોય છે, તે પણ ફક્ત નિ:સ્વાર્થભાવે સમાજની સેવા કરવા જ. તન અને મનને પૂરી તાજગી આપે એવી સામગ્રી આ ચારેય પ્રકરણોમાં આબાદ રીતે ઓછાવત્તા પ્રમાણમાં પેશ કરવામાં આવી છે. અને લેખકોની મહેનત લેખે લાગી છે. છતાં ય એક વાચક તરીકે કેટલીક જાણે અજાણે થયેલી અસંગતિઓનજરે પડી છે તેટલા પૂરતું સમીક્ષક તરીકે ધ્યાન દોરવું જરૂરી બન્યું છે.
સન ૧૯૭૭માં સ્થાપિત બ્રિટનની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ટૂંકી વિગતો જ ફક્ત ૧૩ લીટીમાં પ્રકરણ ૧૬ના પાન ૧૮૦ પર આપવામાં આવી છે. અકાદમીની ઘણી મુખ્ય પ્રવૃત્તિઓમાં “અસ્મિતા” પ્રકાશનનું એક અનેરું સ્થાન રહ્યું છે. તેમાં ભાષા-સાહિત્ય પરિષદો, કેળવણી પરિષદો, શિક્ષક તાલીમ વર્ગો, સાર્વત્રિક પરીક્ષાઓ, સાહિત્યસર્જનનો સમાવેશ થતો રહ્યો. છેલ્લાં ૩૨ વર્ષમાં, ૨૦૦૯ની સાલ સુધીમાં, “અસ્મિતા”ના ફક્ત આઠ અંકો પ્રકાશિત થઈ શક્યા છે.
છતાં પ્રકરણ ૧૮ના પાન નં. ૨૦૩ પ્રમાણે અકાદમી દ્વારા પ્રકાશિત “અસ્મિતા”ને ૨૩ એપ્રિલ ૧૯૯૫માં ‘પરિવાર કમ્યુનિકેશન્સ’ દ્વારા શરૂ થયેલા ગુજરાતી માસિક (“ઓપિનિયન”) સાથે જોડીને લેખકોએ આ બન્ને સંસ્થાઓને દેખીતો હળાહળ અન્યાય કર્યો છે. કારણ કે બન્ને, અકાદમી પ્રકાશિત “અસ્મિતા” અને “ઓપિનિયન”ના તંત્રી / સંપાદક એક જ વ્યક્તિ − વિપુલ કલ્યાણી છે. વાસ્તવમાં, તો બન્ને સંસ્થાઓસાથે તેમની ફરજો અને જવાબદારીઓતદ્દન જુદી જ છે. “અસ્મિતા”ના અકાદમી દ્વારા જે આઠ અંકો બહાર પડયા, તે ફક્ત તે જ પ્રકાશિત વર્ષો પૂરતા વાર્ષિક અંકો હતા. તે અનિયતકાલીન પ્રકાશનો રહ્યાં છે. જે પ્રમાણે ૧૯૯૬ના અંક પર વર્ષ : ૮ સાથે જ બીજી બાજુ પર અંક : ૮ પણ લખવામાં આવ્યું છે. “અસ્મિતા”નો પહેલો અંક ૧૯૮૪માં અને છેલ્લો અંક ૧૯૯૬માં (આઠમો) પ્રગટ થયો. આ અંકો સભ્યોને વિના મૂલ્યે આપવામાં આવે છે. પ્રકાશન ખર્ચ ભોગવવાની અકાદમીની આર્થિક મર્યાદા હોવાના કારણે જ નવા અંકો બહાર પડી શક્યા નથી. અને આવી જ મુશ્કેલીઓના કારણે પરીક્ષા-સંચાલન ય સ્થગિત રહ્યું છે.
અકાદમીના ફૅલૉ અને છેલ્લાં વર્ષો સુધી, કાર્યવાહી સમિતના સબ્ય રહી ચૂકેલા અને તે જ નાતે એક લેખક જગદીશભાઈ દવેએ જાણ્યું જ હોવું જોઈએ કે ‘અકાદમી’એ ક્યારે ય “અસ્મિતા” પ્રકાશનની જવાબદારી “ઓપિનિયન” માસિકને સોંપી જ નથી. જો સોંપી જ હોત તો “અસ્મિતા”નો આઠમો અંક પણ ૧૯૯૬માં પ્રકાશિત ન થઈ શક્યો હોત.
‘કાગનું બેસવું અને ડાળનું પડવું’ એ કહેવત આ બન્ને સુજ્ઞ લેખકો ક્યારે, ભલા, સમજી શકશે ? અકાદમીના મહામંત્રી તથા “અસ્મિતા”ના પ્રકાશક - સંપાદક વિપુલ કલ્યાણી સાથે, આ પુસ્તકના એક લેખક, જગદીશ દવે સાતમા (૧૯૯૩) અને આઠમા (૧૯૯૬) અંકોના સહસંપાદક તરીકે દીપક બારડોલીકર સાથે સક્રિય રહ્યા હતા. તો તેનું શું ? આમ તેમનો અકાદમી સાથે આટલો ઘનિષ્ટ સંબંધ અને જાણકારી હોવા છતાં, પાન નં. ૨૦૩ પર તેઓલખી જ કેમ શક્યા, કે : ‘જાણે કે “અસ્મિતા”નું કામ “ઓપિનિયને” ઉપાડી લીધું ન હોય !’ ઉપરાંત વધુ તાજૂબની વાત તો એ લાગે છે કે જાણે કે તેમને હડકવા લાગ્યો હોય તેમ ફરીને બીજા પાન ૨૦૪ના છેલ્લા ફકરામાં (‘૯૭માં ૮મા અંકનો સંદર્ભ આપીને) લખે છે : ‘વાર્ષિક અંકની મંથર ગતિના અશ્ર્વ પર સવાર થવાને બદલે માસિકના તેજીલા તોખારની ચાલ કદાચ તંત્રી મોશાયને રુચિકર લાગી હોય તેમ બને !’ચાલો, વાચક તરીકે લેખકોની ગેરસમજ દૂર કરવાની ફરજ બજાવીએ.
આઠમો અંક ‘૯૭માં નહીં પરંતુ ૧૯૯૬માં છપાયો હતો. (સંદર્ભ પાન નં. ૨૦૪)
અકાદમીનાં ૧૯૭૭ થી ૨૦૦૭(પુસ્તક પ્રકાશન સુધી)નાં ત્રીસ વર્ષો દરમિયાન જો “અસ્મિતા”ના આઠ જ અંકો પ્રકાશિત થયા હોય, તો તેને ‘વાર્ષિક’ અંકો તરીકે ગણાવી શકાય ખરા ?
“અસ્મિતા”નો જ ભાર “ઓપિનિયન” માસિકે જો ઉપાડી લીધો હોય (પાન ૨૦૪ પ્રમાણે) તો (અ) હવે જગદીશ દવેને આ માસિકના પણ માનદ્દ સહસંપાદકનું સ્થાન ૧૯૯૩ અને ૧૯૯૬ના “અસ્મિતા”ના અંકોની જેમ કેમ પ્રાપ્ત થતું નથી ? હિંમત હોય તો હજી પણ “ઓપિનિયન”ના તેજીલા તોખાર પર ચઢી જઈને અકાદમીના નામે જ સવારી કરો ને ? કોણ ના પાડે છે ? અકાદમીની સભ્યસંખ્યા જેટલી પ્રતો “ઓપિનિયન” કેમ છાપી શકતું નથી ? અને છાપ્યા પછી બધા સભ્યોને વિના મૂલ્યે કેમ મોકલી આપી શકતું નથી ? (આ) જો, લેખકોના પાન નં. ૨૦૪માં છેલ્લા ફકરામાં જણાવેલા મંતવ્ય પ્રમાણે, ૧૯૯૫માં પ્રગટ થયેલા “ઓપિનિયને” “અસ્મિતા”નો ભાર ઉપાડી લીધો હોય તો ?લેખકોએ પ્રથમ અંકનો સંપાદકીય સંદર્ભ આપતા પાન ૨૦૪ પર સ્પષ્ટતા કરી જ છે કે બ્રિટનમાં રહેલી વિચારપત્રની ખોટ પૂરવા જ “ઓપિનિયન”નું અવતરણ થયું છે. અને આ સાહસ સાથે અકાદમી કે “અસ્મિતા” સીધી રીતે સંકળાયા હોય તેવો કોઈ ઉલ્લેખ વાચકોને જોવા મળતો નથી. તો પછી લેખકો ઉપરોક્ત પ્રશ્ર્નોના જવાબ વાચકોને કે આ દેશની ગુજરાતી વસાહતને આપી શકશે ખરા ? લેખકોના જવાબથી બ્રિટનના ગુજરાતીઓઆભારી થશે.
સત્ય હકીકત તો એ છે કે યુનાઇટેડ કિંગ્ડમની ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ કે વિચારપત્ર “ઓપિનિયન” બન્નેનું સ્વતંત્ર અને નિરાળુ કે આગવું વ્યક્તિત્વ છે. બન્ને પોતપોતાની મંઝિલે મંથર ગતિએ પણ નહીં અને તેજીલા તોખારની દોટે પણ નહીં, પરંતુ આ દેશની ખાસ મધ્યમ વર્ગની ગુજરાતી જનતાને માફક આવે તેવી, એક ધારી, ધીમી છતાં સ્થિર ગતિથી, એકવીસમી સદીના નવમાં વર્ષમાં, ઈશ્ર્વરને માથે રાખીને. શ્રદ્ધાપૂર્વક સંતોષભર્યાં પગલાં માંડી રહ્યાં છે. यथा काष्टं च काष्टं च ... तद् वत् भूत समागम: ના ન્યાયે જો બે વ્યક્તિઓકે સંસ્થાઓસાથે સંકળાયેલો લોકસમૂહ એક બીજા સાથે સંપર્કમાં આવી લેણ-દેણ કરે તો પણ અને છૂટો પડે તો પણ ક્યાં નવાઈ પામવા જેવું છે ? પતિ-પત્નીએ કે પુત્ર-પુત્રીએ જેમ કુટુંબમાં વિવિધ પ્રકારની અલગ ફરજો અદા કરવાની હોય છે, તેમ જ એકથી વધુ સંસ્થાઓમાં કામ કરતી વ્યક્તિઓની પણ ફરજો અને અધિકારો જુદાં જુદાં હોય છે. એટલે જ ટૂંકમાં, અત્રે ઉપરોક્ત હકીકતના નિષ્કર્ષ રૂપે, “ઓપિનિયન” અને અકાદમી સાથે સંકળાયેલી એક સ્વનામધન્ય વ્યક્તિનું યથાતથ મૂલ્યાંકન કરવામાં આ લેખકબેલડી શંકાશીલ હૃદયે િવશ્ર્લેષણ કરતાં સફળ તો થઈ શકી નથી, પરંતુ અયોગ્ય ટીકા-ટિપ્પણ કર્યા બાદ અપરાધભાવ અનુભવતાં પાછા જાણે કે દર્દીને ઉપકારપૂર્વક મલમપટ્ટા કરતા હોય, તેવું લખાણ પાન નં. ૨૦૫-૨૦૬ પર તરતું મૂકે છે. .... એટલે ... તેમનું ધ્યાન વિશેષ દોરવું પડે છે .... કે જરા ખમ્મા રાખો, મારા ભાઈ !
समय समय बलवान है, नहीं मनुष्य बलवान
काबे अर्जून लूंटियो, वोही धनुष्य, वोही बाण।રોલ મોડેલ - સેલિબ્રિટિઝ : આપણા ગુજરાતી સમાજમાં વિવિધક્ષેત્રે પસંદગી પામેલા ઉત્તમ આદર્શ નમૂના [role model] રૂપ લેખાતી પાંચ વ્યક્તિ(સી.બી. પટેલ, લૉર્ડ કરણ બીલીમોરિયા, ચંદુભાઈ મટાણી, રમેશભાઈ પટેલ, ડૉ. રેચલ ડ્વાયર)ઓનાં ટૂંકાં રેખાચિત્રો (પ્રકરણ : ૧૯; પાન ૨૦૭ થી ૨૧૬) આપવામાં આવ્યાં છે. તે જ પ્રમાણે બહુમાન કરવા પાત્ર [celebrities] જાહેર રાજકીય વર્તુળમાં જાણીતા લૉર્ડ નવનીત ધોળકિયા, લૉર્ડ ભીખુ પારેખ અને ઉદ્યોગપતિ સર જી.કે. નૂનનાં પણ (પ્રકરણ : ૨૦; પાન ૨૧૭ થી ૨૩૨) યથાયોગ્ય ચરિત્ર-ચિત્રણ રજૂ થયાં છે.
"ગુજરાત સમાચાર”ના માલિક તંત્રી અને બ્રિટનના જાહેર સેવાક્ષેત્રે લોકપ્રિય ગણાતા ચંદ્રકાન્તભાઈ [C.B. Patel] પટેલની જીવનલેખિની તેમના વિશદ્દ મૂલ્યાંકન સાથે (પાન ૨૦૭ થી ૨૦૯) ટૂંકમાં પ્રસ્તુત તો થઈ જ છે. પત્રકાર જેવા વ્યવસાયી ક્ષેત્રે સમાજમાં ઘૂમ મચાવતાં એક બાજુ કૌટુમ્બિક આર્થિક પ્રગતિનું ધ્યેય રાખવું અને બીજી તરફ તદ્દન નિ:સ્વાર્થપણે સાચી સમાજસેવા કરવી એ લોઢાના ચણા ચાવવા જેવી પડકારભરી સમસ્યા છે. ‘રોલ મેડેલ’ની અજબગજબની વાતો પુસ્તકોમાં ભલે શોભતી, પરંતુ બ્રિટનનો ગુજરાતી વાચક વર્ગ, એકવીસમી સદીના પહેલા દસકામાં, લેખકો કદાચ માને છે તેટલો અજ્ઞાન કે ભોટ તો નથી જ રહ્યો !
અહમ્ અને અજ્ઞાનના કારણે આપણા કહેવાતા કેટલાક લોકસેવકોનું વ્યક્તિત્વ તેમના દાના દુ:શ્મનો સાથે ભૂંડી રીતે ટકરાય છે. જ્યારે તેમના કપટી મિત્રો આ ‘રોલમોડેલો’નો જ દુરૂપયોગ કરી પોતાનો સ્વાર્થ સાધતાં તેમને તદ્દન મૂર્ખ બનાવી જાય છે તે ખબર પણ પડતી નથી. ‘સોબત તેવી અસર’ કે A man is known by the company he keeps, કે ‘કપટી મિત્રો કરતાં દાના દુ:શ્મનો સારા’, આવી બધી ગુજરાતી કહેવતોનું અર્થઘટન કરવા, થોડો સમય ફાજલ પાડી, “ગુજરાત સમાચાર”ના ખ્યાતનામ તંત્રીશ્રી (પાન નં. ૨૦૭) મનોમંથન કરી શકશે ખરા ? આથીસ્તો, રાજવી કવિ ‘કલાપી’ને જરા તરા યાદ કરી લઈએ ને ?
હા, પસ્તાવો, વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે
આ ક્ષણે મને મારા પિતાજી યાદ આવે છે. મારા માથે ‘ચાર’નો ભારો હતો. અને સરદાર પટેલ હાઇ સ્કૂલ, કરમસદના રસ્તે ઘરે પાછા આવતાં પિતાજીની શિખામણ હતી કે ‘નઠારા માણસની સોબત ન કરવી.’ ત્યારે મારી ઉંમર ફક્ત બારેક વર્ષની જ હતી. .... આ શિખામણનો ઉપયોગ જિંદગીભર કરતો આવ્યો છું.
મૂળ વિષય પર આવું તો મારે જણાવવું જોઇએ કે અમે ચાર મિત્રોએ એકી સાથે જ અમારી દક્ષિણ વિભાગની જ્ઞાતિસંસ્થાના હોદ્દેદારો હોવા છતાં વાર્ષિક ચૂંટણી સમયે સ્વમાનભેર કપટી અને નઠારા મિત્રોનો ત્યાગ કર્યો. સન ૧૯૯૦ના આ બનાવ બાદ પણ જ્ઞાતિ સાથે તો અમારો સંબંધ અતૂટ રહ્યો છે. જેવી અટપટી કે અગૂઢ ‘આશ્રમ’ની દાસ્તાન છે, તેવી જ આવી કેટલીક આપણી જ્ઞાતિસંસ્થાઓની કરુણ દાસ્તાન છે. જેની કોઈ પણ ભાળ કે માહિતી ચાળીસ-પિસ્તાળીસ જેટલી સંસ્થાઓસાથે એક સમયે સંકળાયેલા (પ્રકરણ : ૧૯; પાન ૨૦૯) મારા આપ્તજન ‘ચંદ્રાભાઈ’ને છે ખરી ?
બાકી અનેક સંસ્થાઓના પેટૃન, પ્રમુખ, ટૃસ્ટી કે કાર્યવાહી સમિતના સભ્ય તરીકે (પાન નં. ૨૦૮-૨૦૯) આપણે રહીએ તો પણ શું ? અને ન રહીએ તો પણ શું ? Jack of all and master of noneના ધારાધોરણોથી બ્રિટનના ગુજરાતી સમાજની ક્યારે ય ઉન્નતિ થઈ શકશે ખરી ?
લેખકોના જણાવ્યા મુજબ (પાન નં. ૨૦૮), એક રોલ મોડેલ સ્વરૂપે સમાજના લાડીલા - માનીતા સી.બી. પટેલે, જોખમ અને પ્રતિબદ્ધતા સાથે, જાહેર જીવનમાં (યુનાઇટેડ કિંગ્ડમનાં સંસ્થાઓ, સમાજસેવકો કે વિચારપત્રો સાથે) પારદર્શક વલણ જાળવી રાખ્યું છે ખરું ? ઘણી બધી સિદ્ધિઓછતાં શું શું ખૂટે છે ?
ભીખુ પારેખે જ “ગુજરાત સમાચાર”ના રજત જયંતી વિશેષાંક (૧૯૯૭)માં જણાવ્યું છે (પ્રકરણ : ૨૧; પાન ૨૭૩) : બ્રિટિશ ગુજરાતીઓમાં એકતા નથી. છેક ઉપરની કક્ષાએ તેમણે વિભાજનકારી ઘર્ષણોને ટાળવાં જોઈએ.
આ સંદર્ભમાં આપણી રાષ્ટૃીય ગુજરાતી સંસ્થા - નેશનલ કૉંગ્રેસ ઑફ ગુજરાતી ઑર્ગનાઇઝેશન્સનું સ્થાન ક્યાં છે ? વર્ષોથી તેની વાર્ષિક ચૂંટણીઓમાં જ્ઞાતિસંસ્થાઓજેવાં જ વરવાં નાટકો ભજવાય છે ! આ ભજવનારાઓસાથેની સાંઠગાંઠ શા માટે આપણી પ્રથમ પંક્તિના આ રોલમોડેલ છોડી શકતા નથી ?
શા માટે “ઓપિનિયન”ના તંત્રીને, સપ્ટેમ્બર ૨૦૦૦ના અંકમાં, ‘સવા મન તેલે અંધારું’ લખીને કહેવાતા છડીદારોને, આંગળી ચીંધવી પડે છે ? ‘રોલમોડેલ’ના ચરિત્ર-ચિત્રણ કરતી વેળાએ શા માટે આ બન્ને લેખક મહાશયો, ડિસેમ્બર ૨૦૦૦ના “ઓપિનિયન’માં મેં પ્રસ્તુત કરેલું આપણા સમાજનું માળખું (અમે તો ‘સૂરજ’ના છડીદાર : પાન ૪૦-૪૧-૪૨) ધ્યાનમાં લેતા નથી ? આટલી બધી ભરપૂર સામગ્રી તો તેમની સમક્ષ વર્ષોથી હાજરાહજૂર છે ! ફરી વાર, સવા મણ તેલે અંધારું !?!
જાહેર જીવનની એક અત્યંત લોકપ્રિય વ્યક્તિને તો લેખકોએ ભાવાવેશમાં આવી જઈને (પાન નં. ૨૦૯ પર) ત્રણ વાર ‘સીબી એટલે ...’નું નામ રટણ રટણ કરીને તેમને જાણે કે ત્રણ માળના મકાનના છાપરાં પર તો ચઢાવી દીધા, પરંતુ હવે તેમને પાછા ‘ધરતી’ પર ઉતારી શકશે ખરા ? ધરતીજાયા ખેડૂત પુત્રને ક્યારે ય પણ છાપરા પર ચઢાવી દેવાય નહીં ! કારણ કે તેની પાસે ઉડવાની પાંખો હોતી નથી. ફક્ત ફરવાના બે પગ જ ભગવાને આપેલા છે ! सुज्ञेषु किं बहुना ?
સમાપન : બ્રિટનના ગુજરાતીઓસંબંધે આ પુસ્તકમાંથી તારવેલાં કેટલાંક અવલોકનોની રજૂઆત યથામતિ યથાશક્તિ કરી છે, તેનો વિશેષ આનંદ છે. છતાં, ઘણા બધા અગત્યના બાકી રહેતા વિષયોનું મૂલ્યાંકન પૂરતો અભ્યાસ અને મનન કર્યાં હોવા છતાં અતિ વિસ્તાર ભયે કે લેખની મર્યાદાના કારણે છોડવું પડે છે. તેનો કંઈક વસવસો પણ રહ્યા કરે છે.
પ્રકરણ ૧૨ અને ૧૩માં પ્રસ્તુત થયેલું ધાર્મિક સાહિત્ય બિલકુલ ચીલાચાલુ હોઈ ઘણુંખરું ટાળી શકાયું હોત. તેટલા જ ધાર્મિક ક્ષેત્રે અગત્યના વલ્લભનિધિના અને સ્વાધ્યાય પરિવારના સંચાલનના પ્રશ્ર્નો જરા પણ છેડવામાં આવ્યા નથી, તેની નવાઈ પણ લાગે છે. ગુજરાતીઓની અગત્યની મુખ્ય કેન્દ્રીય સંસ્થા, નેશનલ કૉંગ્રેસ ઑફ ગુજરાતી ઑર્ગનાઇઝેશન્સ અંગે પણ પુસ્તકમાં ભેદી મૌન જાણે કે સેવાયું છે. પ્રકરણ ૨૨ (પરિશિષ્ટ ૧) અને પ્રકરણ ૨૩ (પરિશિષ્ટ ૨) જે પુસ્તકના અંતમાં આપેલાં છે તેનાથી વાચકોને ખાસ ફાયદો થાય તેમ નથી. તે પણ ટાળી શકાયાં હોત.
સમગ્રતયા પુસ્તકનું માળખું જોતાં એમ લાગે છે કે પૂરતા સંશોધનના અભાવે સાચી-ખોટી હકીકતોની એટલી બધી ભેળસેળ થઈ ગઈ છે કે ઘણા બધા ગુજરાતીઓના અગત્યના પ્રશ્ર્નોની સાચી રૂપરેખા વાચકોને પ્રાપ્ત થતી નથી. પ્રકરણ ૧૯ (રોલ મોડેલ - પસંદગીના ક્ષેત્રના) અને પ્રકરણ ૨૦ (સેલિબ્રિટિઝ)માં આપેલી કેટલીક હકીકતો અપૂર્ણ કે અર્ધસત્ય હોઈ વિવાદાસ્પદ બની શકે તેવી છે. અલબત્ત, સર્વમાન્ય ચરિત્ર-ચિત્રણ સમાજના જાહેર જીવનના સેવાભાવી કાર્યકરોનું કરવું અતિ કઠિન છે. ગુજરાતી - અંગ્રેજી શબ્દોની બિનજરૂરી કે શબ્દોની અનર્થકારી ભેળસેળ થતાં કેટલાંક પ્રકરણોમાં (દા.ત. પ્રકરણ : ૨૧ - સમીક્ષા, પરિપ્રેક્ષ્ય અને પ્રક્ષેપ) ભાષા અભિવ્યક્તિનું પોત નબળું, ધૂંધળું કે અનિશ્ર્ચિત બની ગયું છે. હિંદુ-મુસ્લિમના સંઘર્ષાત્મક પ્રશ્ર્નો તદ્દન અપ્રસ્તુત (ખાસ આ દેશ માટે) હોવાથી ટાળી શકાયા હોત.એકંદરે ગુજરાતીઓની કૌટુંબિક વિકાસ અને પ્રગતિની તુલનામાં કેટલીક જાહેર સેવાભાવી સંસ્થાઓની સદ્ધરતા, કાર્યક્ષમતા કે નીતિમત્તા જોતાં તે ઘણી ઊણી ઉતરતી લાગે છે. કારણ કે સત્તા-લોભી, સ્વાર્થી અને કીર્તિ-લાલસાથી આંધળાં બનેલાં વ્યક્તિ જૂથો વાર્ષિક ચૂંટણીઓમાં કાવાદાવા કરીને આવી સંસ્થાઓને મરણતોલ ફટકો મારે છે. રાજકીય ક્ષેત્રે આપણી ઘડાયેલી નેતાગીરી કેટલાક અપવાદ સિવાય સદંતર ઉપેક્ષા સેવે છે. તેની અભ્યાસપૂર્ણ છણાવટ આ પુસ્તકના વાચનમાંથી મળતી નથી. છતાં, something is better than nothing એ ન્યાયે આવાં અધૂરાં લાગતાં પુસ્તક પ્રકાશનનાં સાહસોને આપણી ગુજરાતી પ્રજાની પ્રગતિ અને ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂર બિરદાવીએ. પરંતુ તળ ગુજરાતનું સાહિત્ય-સંસ્કાર જગત ત્યાં દૂર રહ્યે અહીંના પ્રશ્ર્નો કેવી રીતે મૂલવશે ? આ ચિંતાનો સવાલ છે.
દરેક દિશામાંથી, આપણી બ્રિટનની ગુજરાતી વસાહતને, શુભ અને સુંદર વિચારો પ્રાપ્ત થાઓ!
બ્રિટનમાં ગુજરાતીઓ: (ઈન-બિટવિનનેસથી હોમલીનેસ) : લેખકો - પ્રવીણ ન. શેઠ, જગદીશ દવે : પ્રકાશક - ગુજરાત સાહિત્ય અકાદમી, અભિલેખાગાર ભવન, ગુલાબ ઉદ્યાન સામે, સેક્ટર નં. ૧૭, ગાંધીનગર - ૩૮૨ ૦૧૭, ભારત : પહેલી આવૃત્તિ ૨૦૦૭ : પાન ૨૪+૨૯૬ : કિંમત રૂ. ૧૬૫
-
ફેબ્રુઆરી ૧૬મીના “નિરીક્ષક’ના અંકમાં ડાયસ્પોરા વિશે જે લેખ પ્રકાશિત થયો હતો, તેને લંડનથી નીકળતા પ્રખ્યાત ગુજરાતી “ઓપિનિયન”ના છેલ્લા અંકમાં, એ સામયિકના તંત્રી વિપુલ કલ્યાણીએ પહેલે જ પાને સ્થાન આપ્યું છે. એ લેખ લખીને “નિરીક્ષક” માટે એના તંત્રી પ્રકાશભાઇને રવાના કર્યા પછી, એ વિષય વાગોળતાં કેટલીક બાબતો મનમાં તરી આવી છે અને તે પણ, મારે મન, અગત્યની લાગતી હોઇ ”નિરીક્ષક”નાં પૃષ્ઠોનો લાભ તે માટે લઉં છું.
યુ.એસ.એ.ના તાજા જ વરાયેલા રાષ્ટ્રપતિ પણ એક અર્થમાં ‘ડાયસ્પોરા’ છે. એમના પિતા આફ્રિકાના પૂર્વ ભાગના કૅન્યાથી ત્યાં ગયા હતા, ત્યાં ઠરી ઠામ થયા. કોઇ શ્વેત અમેરિકી મહિલાને પરણ્યા અને એમને ત્યાં જે પુત્રનું પારણું બંધાયું તે આ બરાક ઓબામા. એમના પિતાને ત્યાંનું ડાયસ્પોરિક જીવન નહીં ગોઠ્યું હોય તેથી કે, બીજા કોઇ કારણે, એ પાછા કેન્યા ભેગા થઇ ગયા. આ બરાકકુમાર એમની માતા સાથે ત્યાં જ રહી ગયા અને ભાગ્યે એમને આજે - પ્રથમ નાગરિક પદે પ્રસ્થાપિત કર્યા.
પિતા અને પુત્ર વચ્ચેની જૂની નવી પેઢી વચ્ચેની જાણે કે અદૃશ્ય ભીંત ચણાઇ ગઇ. એ ભીંતે એમના હૃદયમાં કેન્યા વિશે જરા પણ ભાવને કદાચ ઉગવા જ ન દીધો. એમના પિતા સાથે એ કેન્યા ગયા હોત તો, એ હાર્વર્ડ યુનિર્વસિટીમાં શિક્ષણ લઇ શકયા હોત ? પિતા પુત્ર વચ્ચેની જે ખાઇ સર્જાઇ તે ભેદક છે. પોતાના બાપા સાથે બરાકકુમાર કેન્યા ગયા હોત તો એમનું શું થયું હોત, એ કેવળ કલ્પનાનો જ વિષય છે.
બે’કે દાયકા પહેલાં, અમારી દીકરીના ‘ગ્રેજયુએશન’ સમારંભમાં ભાગ લઇ, અમેરિકાથી પાછા વળતાં ઈંગ્લેન્ડમાં હું ત્રણચાર અઠવાડિયાં રોકાયો હતો. એ સમય દરમિયાન લંડનમાં દસબાર દિવસ રોકાયો હતો, યોર્ક પાસે આવેલા નાના ગામ દૂબીમાં થોડાંક દિવસ રોકાયો હતો, એડિનબરો ગયો હતો અને ત્યાંથી બ્લેકપુલમાં મારા ગુજરાતીપ્રેમી મિત્ર જોનને ત્યાં બે રાત ગાળી, ત્યાંથી રાલ્ફને ત્યાં દૂબી ફરીથી જઇ, પાછો લંડન ગયો હતો.
ત્યાં ગુજરાતીઓના એક નાના સંમેલનમાં મારાં યજમાન વિલાસબહેન મને લઇ ગયાં. અમેરિકાને પશ્ચિમ કાંઠે, સાન્ફ્રાન્સિસ્કોની કે કોઇ બીજી યુનિર્વસિટીમાં શિક્ષણકાર્ય કરતા કોઇ પ્રોફેસર જૈનના વાર્તાલાપનો કાર્યક્રમ હતો. એ પ્રોફેસર બિનગુજરાતી હતા અને હિન્દી અંગ્રેજીના મિશ્રણમાં એ વાતો કરી રહ્યા હતા. વીસેક કરતાં વધારે વર્ષોથી એ ત્યાં જ રહેતા હતા. પૂર્વપશ્ચિમના સાંસ્કૃતિક તફાવતની વાત નીકળતાં એમણે પોતાનું જ દૃષ્ટાન્ત આપ્યં. એમણે કહ્યું કે <!--BREAK-->
‘અમારે એક દીકરો છે. એ અમેરિકામાં જન્મ્યો છે અને ત્યાં જ ઉછર્યો છે. એનો અઢારમો જન્મદિવસ અમે આનંદથી ઉજવ્યો. એ દહાડે શનિવાર હતો. બપોરે ઉજવણી કરી હતી ને સારુ જમ્યા હતા. દીકરાને સારી ભેટ પણ આપી હતી. અમે જમીને બેઠા પછી થોડી વાર પછી દીકરાએ મોટરની ચાવી માંગી. ચાવી લઇ, ગાડી ચાલુ કરી એ ઉપડી ગયો.
‘સાંજ પડી. અમારો ડિનરનો સમય થયો, અમે આઠ વાગ્યા સુધી રાહ જોઇ પણ દીકરાનું દર્શન ન થયું. અમે થોડી ચિંતા સાથે ડિનર ખાધું. ટીવી ચાલુ કર્યું પણ મનમાં દીકરાની ચિંતા હતી. રાતના નવ થયા, દસ વાગ્યા, અગિયાર થયા ... અમે બંને દીકરાની ચિંતા કરતાં બેઠાં. બીજું કશું થઇ શકે એમ જ નહોતું. આખરે મધરાતે, બારને ટકોરે એ આવ્યો.
‘દુઃખ અને રોષના મિશ્રણવાળા સ્વરે મેં કહ્યું કે બેટા, ઘડિયાળમાં જો. એણે ઉત્તર આપ્યો. પપ્પા, મારી વય સામે જુઓ, હવે હું પુખ્ત થઇ ગયો છું.’
અહીંથી ગયેલી ડાયસ્પોરાની પહેલી પેઢી અને ત્યાં જન્મીને ત્યાં જ ઉછરેલી બીજી પેઢી વચ્ચે કેટલી મોટી ખાઇ પડી જાય છે ! એ બે પેઢીઓ વચ્ચે સંસ્કાર ભેદની કેટલી મોટી, અભેદ્ય દીવાલ ચણાઇ જાય છે.
વિદેશ ગયા પછી પોતાના દેશના, ધર્મના, જ્ઞાતિના, ભાષાના સંસ્કાર જાળવી રાખવા, એ દેશમાં રહેતા હોવા છતાં એ દેશની સંસ્કૃતિ સાથે એકરૂપ ન બનવું તે વલણ કેટલાં યોગ્ય છે તે વિચારવું રહ્યું આપણા દેશમાં આર્યો બહારથી આવ્યા હતા તેવો ઈતિહાસનો એક મત છે. એ મતનો સ્વીકાર કરીએ તો, આર્યોથી માંડીને ઇ.સ.ની છઠ્ઠી સાતમી સદી સુધી જે જે પ્રજાઓ આવી તે અહીંની પ્રજા સાથે એકરૂપ થઇ ગઇ. ઈસ્લામના આગમન પછી ભેદરેખા દોરાઇ ગઇ. સંસ્કારની અનેક બાબતોમાં એકરૂપતા આવ્યા છતાં ભારતવાસીઓએ ઈસ્લામથી આભડછેટનો વ્યવહાર દાખલ કર્યો. યુરોપિયનો આવ્યા ત્યારે પણ એ વ્યવહાર ચાલુ રહ્યો. સર વિલિયમ જોન્સને સંસ્કૃત શીખવવા માટે કોલકાતામાં પંડિતો રાજી ન હતા. એ ‘યવન’ને આ દેવભાષા શીખવી શકાય શું ? યુરોપિયનો પોતાના ધર્મની અને પોતાની ભાષાની ભટે આપણને આપતા ગયા.
પરદેશ વસતા ગુજરાતીઓ અને ભારતવાસીઓ, ભારતમાં આવનાર મુસલમાનો અને યુરોપિયનોની માફક જુદો ચોકો જમાવશે તો સંઘર્ષ નહીં થાય ? યુરોપ અમેરિકામાં વસતા મુસલમાનોનો એક વર્ગ તો સંઘર્ષમાં ઉતરી ચૂકયો છે. પ્રોફેસર હંટિગ્ટનની ‘ફોલ્ટ લાઈન’ પશ્ચિમ તરફ ખસીને યુરોપ અમેરિકામાં ગઇ છે. લંડનના હીથ્રો વિમાનમથકે એક વાર મુંબઇથી જતા વિમાનમાં બેસી હું ઉતર્યો તો, મને અને મારા જેવાઓને દાઢીમૂછધારી અને પાઘડીધારીઓથી જુદા તારવી અમને તરત બહાર જવા દેવામાં આવ્યા. આમ જુદા તારવવાનું કારણ પૂછતાં ત્યાંના અંગ્રેજ અમલદારે ચતુરાઇપૂર્વક થોડી આંખ મિચકારી, કહ્યું કે, ‘અમુક માણસો પ્રત્યે અમારે ખાસ ધ્યાન આપવું પડે છે.’ અને એ લોકોની આટલી તકેદારી છતાં, આપણા એક ગુજરાતી લોકસભાના સભ્ય કેટલીય વાર પરસ્ત્રીને પોતાની પત્ની બનાવી ડાયસ્પોરામાં વધારો કરતા હતા ! એમના જેવા બીજા કેટલા ય પરગજુ કામચલાઉ પતિદેવો પણ હશે તે ડાયસ્પોરાના પ્રવાહને સતત વહેતો રાખતા હશે.
યુરોપના જુદા જુદા દેશોમાંથી યુ.એસ.એ. જઇ ત્યાં વસનાર પછી રશિયન, સર્બિયન, ગ્રીક, ઈટેલિયન, આઈરિશ, સ્પેનિશ નથી રહેતો એ અમેરિકન જ બની જાય છે.
વોશિંગ્ટનની કેન્દ્રીય સરકારના શિક્ષણ વિભાગમાં કામ કરતા એક ભાષાવિદ્ને મળવાનું થયું હતું. ડૉ. એલેટિસે મને મારી માતૃભાષા વિશે પૂછ્યું ને મેં એમને ઉત્તરમાં જણાવ્યું કે ‘મારી માતૃભાષા ગુજરાતી - ગાંધીની માતૃભાષા - છે.’ પછી મેં અટકળ કરી એમને પૂછ્યું, ‘ડૉ. એલેટિસ, આપ મૂળ ગ્રીસના છો?’ જવાબમાં ‘હા’ કહી એ બોલ્યા કે, પણ હું ગ્રીક ભાષા બરાબર બોલી શકતો નથી. મારાં માતાપિતા અહીં બેતાળીસ વર્ષોથી વસે છે, પણ એ સરખું અંગ્રેજી બોલી શકતાં નથી.’
આ ડૉ. એલેટિસનો દાખલો સ્પષ્ટપણે બતાવે છે કે, યુરોપના કોઇ પણ દેશમાંથી અમેરિકા ગયેલો વસાહતી ડાયસ્પોરા બનીને રહેવા માંગતો નથી. “નિરીક્ષક”ના આગલા અંકમાં ઈલિનોઇસ રાજયના ગવર્નર બ્લેગોજેવિચનો ઊલ્લેખ કર્યો છે તે પણ પહેલી પેઢીના અમેરિકન - એમના પિતા યુરોપના કોઇ નાનકડા દેશમાંથી અમેરિકા ગયા હતા અને એમની માતા અમેરિકન જ હતાં (કે છે) - છે અને પોતાના પૈતૃક દેશને સાવ વીસરી ગયા છે.
ત્યાં આ સ્થિતિ સામાન્ય હોવા છતાં અપવાદ પણ જોવા મળે ખરા. એક યુવાનના દાદા આયર્લેન્ડ અને દાદી ઈંગ્લેન્ડથી ત્યાં ગયેલા હતાં. આજે પણ એ યુવાનને ઇંગ્લેન્ડ પ્રત્યે ધિક્કારની જોરદાર લાગણી છે અને ત્યાં બેત્રણ સદીઓથી વસતા યહૂદીઓના મોટા ભાગનાનું વલણ સ્પષ્ટપણે અરબવિરોધી છે. એમની સહાનુભૂતિ સ્પષ્ટ જ છે, પોતાનું જુદું અસ્તિત્વ જ એ લોકો ટકાવી રાખવા માગે છે. ભારતમાં પંદરસો-બેહજાર વર્ષોથી વસતા યહૂદીઓમાંથી ઈઝરાયેલ પાછા જનાર યહુદીઓની સંખ્યા પણ નાની નથી. ‘જમાલ ભાઇઆનો જુદો ચોકો’ કહેવત આવા લોકો સાચી પાડે છે.
આવા જુદા ચોકા માટે કેટલાંક કારણો અવશ્ય છે. ત્યાંનાં પુરુષો બાળકોનાં બાળોતિયાં સાફ કરે, પત્નીની ગેરહાજરીમાં અને કેટલીયેવાર હાજરીમાં પણ રસોઇ તથા એનાં બીજાં કામ કરતાં હોય છે. ત્યાં જતાં આપણા અનેક યુવાનોને રસોઇ જ આવડતી હોતી નથી. સ્વ. રામુભાઇ પંડિત કોઇ ગુજરાતી જુવાનની વાત કરતા હતા કે ત્રણચાર મહિના એ જુવાન માત્ર ડબલ રોટી અને દૂધ પર જ રહ્યો હતો. પણ આજે પરિસ્થિતિમાં ઘણું પરિવર્તન આવી ગયું છે. પાપડ, ખાખરા સહિતના આપણા બધા ખાદ્ય પદાર્થો વિદેશોમાં મળતા થઇ ગયા છે. બેડેકરનાં અથાણાં મળે છે, ખાખરા મળે છે, પાપડ મળે છે, સોપારી મળે છે અને લંડનમાં તો પાન પણ મળે છે. આવી બધી ચીજવસ્તુઓ મળવાની ખબર થતાં, મારે ત્યાં શૈક્ષણિક વર્ષ રહેવાનું થયું ત્યારે, સૂડી અને સોપારીની ખરીદી મારી પ્રથમ ખરીદી હતી. ઘરમાં હીંચકો ન હતો પણ સોફા પર બેસીને સોપારી કાતરતાં અને ચાવતાં મારું મન ભારત દોડી આવતું. અમેરિકન જીવનશૈલી સાથે મેળ બેસાડવાની મારી વય મેં કયારેય વીતાવી દીધી હતી. એ ડાયસ્પોરિક જીવનમાં હું મારી જાતને ગોઠવી શકયો નહીં. ત્યાં પૌત્રપૌત્રીને કે દૌહિત્રને સાચવવા જતાં અનેક વૃદ્ધો, ત્યાંની શીતળ આબોહવાને કારણે સતત બંધ રાખવા પડતા ઘરમાં રહેવાથી બંધિયારપણાથી પીડાય છે.
અગાઉ કહેલા પ્રો. જૈનના પુત્રના કિસ્સાના ઉલ્લેખથી ડાયસ્પોરાની બે પેઢીઓ વચ્ચેની ખાઇ આપણી નજરે પડે છે. ડાયસ્પોરિક જીવનનાં અનેક પાસાં છે.
(સદ્દભાવ : “નિરીક્ષક”, ૦૧.૦૪.૨૦૦૯; “ઓપિનિયન”, ૨૬ એપ્રિલ ૨૦૦૯)