Poetry

  • વિવેક મનહર ટેલર
    1986-09-19

    ઘરોના નળમાં ‘બુડ…બુડ…’ અવાજ
    ને ડોલોને ઉપડે રિક્તતાની ખાજ,
    સૂના રસ્તાના અવાવરું બિસ્તર પર
    એકલ-દોકલ બગાસાં ખાતી સુસ્ત હવા,
    નિર્વસ્ત્ર ડાળો પર જામી ગયેલો સન્નાટો,
    ફરતા પંખા પરથી ચરકતો સમય
    દીવાલોના ગાલ પર ગરમ ચચરાટ બની ચોંટી જાય છે
    ને
    ત્રસ્ત કો’ ચહેરા પરથી ટપકતો ખારો અજંપો…
    ગલીના નાકે
    એકાદ રડ્યાખડ્યા જનાવરના મુખમાં
    વાગોળાતો સૂર્ય
    પછી
    પોદળો થઈ પથરાય
    અને
    ચોમેર

    બદબૂ….બદબૂ… બદબૂ…

  • ફારુક ઘાંચી ‘બાબુલ’

    મારી એ જ આંગળીઓનો કંપ

    છતો થઈ ગયો

    કે જેને ઝાલીને

    ઘુંટાવ્યા’તા

    મૂળાક્ષરો ... અંકો ...

    ચમચીમાંનું ગંગાજળ ખળભળી ઊઠે

    ને એ છલકાઇ ન પડે

    એ પ્રયાસમાં

    મારી આંખો ઝળઝળી ઊઠે.

    મારાં પ્રત્યેક પગલાંને

    ટેકવી દીધું હતું જે અડીખમતાએ

    એને

    સ્પર્શવાના મારા યત્નો

    પગલાંઓની પોપડીઓ વખોડીને પહોંચી જાય છે

    સંવેદનો સુધી

    ગમગીન.

    તમારી હયાતી

    અને બિનહયાતીની વચ્ચેના અવકાશથી

    કોરાયે જાય છે

    અસ્તિત્વ.

    અંજલિ દઉં શાથી ?

    હું ઊભો એમ જ ... સ્થિર

    ને છતાં

    છે ઝીણો કંપ ભીતર

    કંઇક ગુમાવ્યાનો અહેસાસ

    ભટકે છે મનમાં

    ગગનથી ટપકતાં ફોરાં જેવું

    હળવું હળવું તમારું અસ્તિત્વ

    ને એમાંથી પ્રસરેલી ભીની ભીની સુવાસ

    સંકોરે છે

    એ પ્રેમાળ વદન, જાણે

    તમે અહીં જ છો

    અમારી સાથે જ.

  • રાજેન્દ્ર શુક્લ
    2008-12-10

    પિંડને પાખ દીધી અને પાંખને વેગ દઇ વેગથી ગગનગામી કરી,

    એ પછી ગગન પણ લઈ લીધું તેં અને ગત બધી જૂગતે પરમગામી કરી !

    કેદૂના જે હતા તે કઢાપા ગયા, આખરે આંખ ઊઘડી ગઈ એવું કે -

    છો ભરણ આકરા, આકરી બળતરા, દૃષ્ટિ ચોખ્ખી અને દૂરગામી કરી !

    કાળના આ પ્રવાહે વહ્યાં તો વહ્યાં, પણ કશે ક્યાંક સચવાઈ એવું રહ્યાં,

    સરકતા સરકતા શ્વાસ સંકેલીને, એક ક્ષણ જકડીને જામોકામી કરી !

    કોઇ કે'તુ ભલે, કંઈ અધુરું ન'તુ , આ બધું તો પ્રથમથી જ પુરું હતું,

    ખોદી ખોદી અને તેં જ ખાડા કર્યા, ખોડ પણ તેં કરી, તેં જ ખામી કરી !

    ખીંટીએ લટકતી રાખીને રિક્તતા, નીકળ્યા તો ખરા ખેસ ફરકાવતા,

    પણ પછી શું થયું કંઈ ખબર ના રહી, કઈ ક્ષણે ખેસની રામનામી કરી !

  • નિરંજના દેસાઈ

    નીરવ સૃષ્ટિને કોણે ભરી કલશોરે ?
    વસંત જગાડી કોણે પાનખરે !
    કોણે કીધી મનવીણાને
    ઝંકૃત નૂતન રાગે,
    ક્યાંથી આ ઝણકાર સુણાયે
    જીવનના ધબકારે !
    વસંત જગાડી કોણે પાનખરે !
    કોના આ મૃદુ સ્પર્શે જાગે
    રોમ રોમ ઉલ્લાસ,
    કોના ઈશારે નાચે થૈ થૈ
    ઉર સૂતા અભિલાષ !
    વસંત જગાડી કોણે પાનખરે !
    ક્યાંથી આ ચેતન સરવાણી
    આજ અચાનક પ્રગટે,
    અંતરનાં મૂંગા શબદોને
    છંદ અનેરા લાધે !
    વસંત જગાડી કોણે પાનખરે !