•  

    ગુજરાતની ભૂમિ પર રહીને આસપાસથી નજર હટાવ્યા વિના, આંગણે આવી ગયેલા વિશ્વને સ્વસ્થ નાગરિક દૃષ્ટિથી નીરખવા-પરખવાનો સહિયારો પ્રયાસ

  • પ્રકાશ ન. શાહ
    23-01-10

    તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા : આજે સુભાષજયંતીએ નેતાજીની આ વીરવાણી સ્વાભાવિક જ સાંભરી આવે છે, અને એ પ્રશ્ન પણ થઈ આવે છે કે સૌ સ્વાતંત્ર્યવીરોએ જેને સારુ જીવી જાણ્યું એ આઝાદી, પ્રજાસત્તાક સ્વરાજ તરીકેના એના નવ્ય અવતારમાં હવે (બરાબર સાઠે વરસે) કયાં ઊભી છે. બસ, આડા ત્રણ દિવસ માંડ છે- એકસઠમા પ્રજાસત્તાક પૂર્વે સુરેન્દ્રનગરમાં રાજયસ્તરના મહોત્સવ નિમિત્તે બંધારણના ગ્રંથની શોભાયાત્રા નીકળશે. અલબત્ત, બંધારણની આ પ્રતિષ્ઠા કોઈ એમઓયુ કક્ષાએ છે કે વાસ્તવિકપણે સંપન્ન થયેલ છે તે તો સમય નક્કી કરશે.

    પ્રસ્તુત શોભાયાત્રા અંગેની સત્તાવાર અખબારી યાદીમાં એક રૂડો પેરેલલ પણ ચહીને સંભારી આપવામાં આવ્યો છે: સોલંકી કાળમાં સદ્ધિરાજ જયસિંહે હેમચંદ્રાચાર્યના ‘મહાન ગ્રંથ’ની જે યાત્રા યોજી હતી તેના પછીનો આ બીજો અવસર છે. આવી સરખામણી અગર તો ચોક્કસ પરંપરા સાથેનું અનુસંધાન એક સાથે બે પ્રકારના પ્રતિભાવોને અવકાશ આપે છે. એક તો, એમાં તાદાત્મ્યદોષને સારુ સગવડ મળી રહે છે- અને, બીજી વાત એ કે નવા પ્રયાસને આગલા પ્રયાસના સંદર્ભમાં મૂલવવાનો ધક્કો પણ વાગી શકે છે.

    ગમે તેમ પણ, આ મહાન ગ્રંથ કયો હતો વારુ? તે વ્યાકરણનો હતો, અને રાજા તેમજ રચયિતા બેઉનાં નામ સાંકળી એને ‘સદ્ધિહેમ’ તરીકે ઓળખવામાં આવે છે. પાટણપતિને એ વાતે ઓછું આવતું હતું કે ઉજેણી કને છે એવું વ્યાકરણ આપણી કને નથી. વ્યાકરણ, આમ તો, ભાષાવ્યાપારમાં એક વ્યવસ્થા આણવાનું કામ કરે છે એમ સાદી રીતે કહી શકાય. સોલંકી યુગ વ્યવસ્થા (અને તેથી વિકાસ)નો છે એ રીતે વ્યાકરણ માટેના આ વિનય અનુનયને જોઈ શકાય તેમજ પ્રજાકારણ અને રાજકારણના સાંસ્કતિક બુનિયાદને દ્દઢમૂળ કરવાની એક બળૂકી ચેષ્ટા પણ એમાં વાંચી શકાય.

    જયાં સુધી ગુજરાતનો સવાલ છે, તાજેતરનાં વરસોમાં કોઈ એક યાત્રા તરત સાંભરતી હોય તો તે ‘ગૌરવયાત્રા’ છે. દેખીતી રીતે જ, છવ્વીસમી જાન્યુઆરીની પ્રસ્તાવિત બંધારણયાત્રા એનાથી સામા છેડાની બીના શી ભાસે છે. સોલંકી કાળ ગુજરાતમાં સુવર્ણયુગ રૂપ લેખાય છે, અને ગુજરાતના ગૌરવ કે અસ્મિતાના ગાન માટે એનો આધાર તેમજ ઓઠું લેવાતાં રહે છે. કનૈયાલાલ મુનશીની નવલત્રયી તેનું કદાચ સર્વોત્કષ્ટ ઉદાહરણ છે. (મહાગુજરાત જનતા પરિષદને ચૂંટણીચિહ્ન લેખે કૂકડો જડી રહ્યો હતો એનુંયે રહસ્ય તે સોલંકીઓની ધજામાં સ્થાપિત હતો એ છે.) મુનશીની ત્રયીમાં સદ્ધિરાજ ‘ગુજરાતનો નાથ’ કયારે બને છે? ગુજરાતી વાચકોની એક પછી એક પેઢી રસથી ‘ગુજરાતનો નાથ’ વાંચતી આવી છે. એટલે, ટૂંકમાં એટલું જ સંભારી આપવું બસ થશે કે ખતીબને ન્યાય મળે ત્યારે એટલે કે રાજદંડ જયારે ધર્મદંડ બની રહે ત્યારે શાસનનું શાસનપણું કોળી રહે છે. આ મુનશી, લખે છે તો આઠસો વરસ પરની વારતા, પણ પોતે વીસમી સદીનું સંતાન છે અને નવી કેળવણીમાં રમેલ છે એટલે જાણે છે કે ‘મોડર્ન સ્ટેટ’ શી વસ છે.

    આ માણસ, હિંદુ ધર્મ અને ભારતીય સંસ્કતિ માટેની એની સઘળી ચાહના સાથે આગળ ચાલતાં દેશનું બંધારણ ઘડનારાઓમાંનો એક હોવાનો છે. એટલે એની સોલંકી કથામાં ‘ખતીબને ન્યાય’ એક મહત્ત્વનો વિગતમુદ્દો બની રહે છે: અસ્મિતાના ઝંડાબરદારોને સારુ ગૌરવયાત્રાથી બંધારણયાત્રા લગીની યાત્રા જો અંતર્યાત્રા અને વિચારયાત્રા બની રહેવાની હશે તો જરૂર એ એક મોટી વાત હશે. આ ખતીબનો જ દાખલો લઈને થોડી વધુ ચર્ચા કરું? સોલંકીની રાજસભામાં ખતીબને લઈ આવનાર તો કાક છે.

    કાકે ખંભાતમાં પ્રવેશતાં પૂર્વે ખતીબને જોયો છે અને આ વળી કયું પ્રાણી છે એવો સવાલ એને થયો છે. જનથી અવર કહેતાં જનાવર તો નથી ને? બિલકુલ, કાકને સારુ આ જાણે કે ‘ધ અધર’નો મામલો છે. પણ આ ‘ધ અધર’ પરત્વે એનો અભિગમ ધરાર તાડન અને પરબારા પીડનનો નથી. ઊલટું, કાકને થતો પ્રશ્ન એ છે કે ખતીબ ને બીજાઓ પર આમ વીતી રહ્યું હતું ત્યારે રાજના મંત્રી કયાં હતા- ‘ધ અધર’ સુઘ્ધાં માટે પણ શાસન કશીક ફરજથી બંધાયેલું છે એવો કશોક અસ્મિતાબોધ અહીં મુનશીમાં દેખાઈ આવે છે. સમાન અધિકાર અને ‘નાગરિક’ નામના સંકલ્પના અલબત્ત નવી વાત હશે, પણ જૂની રાજવટમાંયે છતે સામંતી લક્ષણે ‘ધ અધર’ને વાસ્તે ન્યાય અને કાળજીસંભાળ અપેક્ષિત છે.

    વાત એમ છે કે જૂની પ્રથા અને પ્રણાલિકામાં આવાં મૂલ્યો કોઈ કાક, મુંજાલ કે સદ્ધિરાજ જેવા વ્યકિતવિશેષની સમજ પર અને પરિસ્થિતિના પેચ પર અવલંબતાં હતાં. એથી ઊલટું, નવા સમયમાં તે બંધારણીય સંસ્થાઓ અને જાહેર જીવનની પ્રથાઓ પર અવલંબે છે. બંધારણીય જોગવાઈઓ પછી પણ તેના ઉજાસમાં નવરચના તેમજ એ માટેની જનજાગૃતિ અને જદ્દોજહદ જરૂરી બની રહે છે.

    આ પ્રક્રિયામાં જેમ સાતત્ય તેમ શોધન પણ અપેક્ષિત છે. જુઓને, ૧૯૭૫-૧૯૭૭માં કટોકટીરાજ સામેના જેપી જનતા સંઘર્ષમાંથી નાગરિક સ્વાધીનતા અને માનવ અધિકારનો મહિમા નવેસર નીખર્યો. પણ એમાંથી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ લગી પહોંચાયું કોંગ્રેસ કાળમાં! ગુજરાતમાં જયારે પંચ સામે શાબ્દિક પ્રહારો થયા ત્યારે પ્રહારકર્તાઓને એ વાતનાં ઓસાણ નહોતાં કે આ પંચના મૂળમાં આપણે પણ છીએ. હાસ્તો, પ્રજાસત્તાકની આગેકૂચ અને બંધારણયાત્રા કંઈ ખાવાના ખેલ તો નથી સ્તો.

  • પ્રકાશ ન. શાહ
    2009-11-21

    ‘હિંદ સ્વરાજ’ લખાયાને સો વર્ષ પૂરાં થવા આડે એક દહાડો માંડ છે ત્યારે ફોર્બ્સ વધામણી ખાય છે કે દેશમાં અબજોપતિ બેવડાયા છે. આજે બેતૃતીયાંશ ભારતને અને વાસ્તવિક વિકાસને સ્નાનસૂતકનોયે સંબંધ સુઘ્ધાં નથી, પણ કોણ બોલે ? સેન્સેક્સથી સેઝને હિંચોળે હેલારા લેતા આ દેશને શું કહેવું, સિવાય કે હરખ હવે તું હિંદુસ્તાન !

    ખબર નથી, એમાં વધામણી વાંચવી કે બીજું કાંક : શુક્રવારે છાપાંને છાપરે ચડીને ફોર્બ્સ પોકારે છે કે દેશમાં અબજોપતિની સંખ્યા એક જ વર્ષમાં બમણા જેટલી થઈ ગઈ છે. એણે દલપતરામની પેઠે કદાચ એટલું જ કહેવાનું બાકી રાખ્યું છે કે હરખ હવે તું હિંદુસ્તાન. પણ ભાઈ, દલપતરામ કને તો કંઈકે મુદ્દો કદાચ હતો.

    રસ્તે જતી, બિચારી બકરીનો કોઈ કાન પકડતું નહોતું - ઠગપિંઢારાની કૃષ્ણછાયા અંગ્રેજી રાજને પ્રતાપે દેખીતી ઓસરવા લાગી હતી - તેથી કવિ જરી રાજી થઈ ગયા હતા. પણ અહીં તો આ અબજોપતિઓનો આંકડો ત્યારે બેવડાય છે જ્યારે એક અબજથી વધુ વસ્તીઆંક ધરાવતા આ મુલકમાં ખાસ્સા એંશી કરોડ, રિપીટ, એંશી કરોડ લોકો માથાદીઠ વીસ રૂપિયાના ખરચમાં મરવાને વાંકે જીવે છે અને જીવવાને વાંકે મરે છે.

    નાતજાતકોમનાં ટૂંકાં ગણિતોમાં આપણે અલબત્ત રમવું નથી, પણ વરવી વાસ્તવિકતા એ છે કે તમે આ એંશી કરોડ લોકો કોણ છે એની વિગત ખોતરશો તો તેમાં દેશના દલિતો, આદિવાસીઓ, મુસ્લિમો અને બીજા પછાત (ઓબીસી) તબકાઓમાંથી એંશીથી નેવું ટકા જેટલા લોકોનો એમાં સમાવેશ થાય છે.

    મતલબ, વૈશ્વિકીકરણ અને ઉદારીકરણના દોરમાં જે ઊચા વૃધ્ધિદરનો દેદો કૂટાતો આપણે સાંભળીએ છીએ તેનો લાભ દેશના વીસપચીસ ટકાને મળ્યો હશે તો મળ્યો હશે. બેતૃતીયાંશ ભારતને અને વાસ્તવિક વિકાસને સ્નાનસૂતકનોયે સંબંધ સુઘ્ધાં નથી. પણ કોણ બોલે? બિચારી બકરી કયાંથી કોઈનો કાન પકડી શકવાની હતી, કહો જોઉ. દેશને કદાચ એક પ્રતિ દલપતરામની જરૂર છે જે આ વાત ખોંખારીને કહે.

    નવેમ્બર-૨૦૦૯નાં આ રંગ રંગ ફોર્બસિયાં વચ્ચે ખરું જોતાં સ્મરણ તો નવેમ્બર-૧૯૦૯નું કરવા જેવું છે. એ દિવસો હતા, ૧૩થી ૨૨ નવેમ્બરના, આજથી બરાબર સો વર્ષ ઉપરનાં, જ્યારે અંગ્રેજ શાહીવાદની રાજધાની લંડનથી દક્ષિણ આફ્રિકા જતાં ‘કિલ્ડોનન કેસલ’ નામે જહાજમાં ગાંધીએ ‘હિંદ સ્વરાજ’ લખી નાખ્યું હતું.

    વિકાસનો જે રસ્તો ત્યારે ગોરી દુનિયાએ લીધો હતો, એમાં અર્થશાસ્ત્ર ઓછું અને અનર્થશાસ્ત્ર ઝાઝું હોવાનું એને એકતાલીસમે સમજાઈ ગયું હતું. વિષમતા વકરાવતી આંધળી ઉત્પાદનદોટ અને સંસ્થાન મૃગયા દુનિયાને કયાં લઈ જશે એ જાણે કે હાલકડોલક જહાજ પર આ સ્થિરમતિ સત્યાગ્રહીને બરાબર સમજાઈ ગયું હતું.

    જોશીનજૂમી, વર્તારાબહાદુરો, નોસ્ટ્રેદામસ સૌ ફીફાં ખાંડે- આ માણસ પૂર્વે લખી ચૂકયો હતો કે પ્રજાઓ એકબીજાની ઉપર ટાંપીને બેઠી છે. જબરદસ્ત ભડકો થશે ત્યારે યુરોપમાં દોજખ નજરે દેખાશે. હજુ પ્રથમ વિશ્વયુધ્ધને પાંચ-છ વર્ષની વાર હતી અને એણે આમ લખેલું.

    જે અર્થવ્યવસ્થા અને વિશ્વવ્યવસ્થા તરફ આપણે જઈ રહ્યા હતા એને વિશે ‘રુક જાવ’ અને પુનર્વિચારનો એ બુલંદ પડકાર, ગાંધીની આખી લડતને સાંસ્થાનિક સ્વરાજના સાંકડા સંદર્ભમાંથી ઊચકીને- સ્થળકાળ સાથે કામ પાડતે છતે એને પરહરીને- નવા માનવીની, નવા સમાજની, નવી દુનિયાની (કહો કે જણે જણના સ્વરાજની) ભૂમિકાએ મૂકી આપે છે.

    મુશ્કેલી એ છે કે વૈશ્વિક એકીકરણની હાલની તરાહ અને તાસીરમાં દેશનું એ જ ધોવાણ જારી છે, જેને વિશે દાદાભાઈ નવરોજીએ ફરિયાદ કરી હતી. મુશ્કેલી એ છે કે આ પ્રક્રિયાની સામે અદના માણસને અને નાગરિકને માનવ વિકાસ આંક સહિત માનવહકને ધોરણે શિક્ષણ અને સ્વાસ્થ્યની કસોટીએ બજારનાં બળો સામે, જે સલામતી આપવી જોઈએ, તે બજાર કૈવલ્યવાદ પાસે નથી, ન તો રાજ્ય કૈવલ્યવાદમાં અગર તો ‘ધ અધર’ને નિશાન બનાવીને ચાલતા સાંસ્કતિક રાષ્ટ્રવાદ પાસે પણ એ છે.

    સેન્સેક્સથી માંડીને સેઝ સહિતના એકંદર અભિગમને આંધળીભીંત વળગેલા આપણે એક અજબ જેવી પ્રજા તો ખરા જ કે અબજોપતિઓ બેવડાય એનો બેવડો વિપળવારમાં ચઢી જાય છે. પતંગનૃત્યના તાનમાં સમજાતું નથી કે આપણો રાજીપો ‘બેગાની શાદી મેં અબદુલ્લા દિવાના’ ઘરાણાનો છે.

    ભાઈ, તમને આ ‘સેઝ પર શૂલી હમારી’ કેમ નાખી નજરે દેખાતુંસમજાતું નથી? સંસ્થાનવાદ અને વકરતી વિષમતાનું જે ભાષ્ય દાદાભાઈ નવરોજી અને રોમેશચંદ્ર દત્તે કરેલું, ગાંધીએ જે એ બંનેથી આગળ જઈ ડંકે કી ચોટ એક નવા રસ્તાની મથામણ રૂપે કહેલું- આ ‘સેઝ’ એનો જ એકવીસમી સદીનો દાખલો નથી તો બીજું શું છે?

    સેઝ તો એક નવો વજજરકોટ છે સાહેબો, જયાં વિષમતાનિર્મૂલનનો આછોપાતળો આભાસ આપતા પર્યાવરણી ને મજૂર સંબંધી કાયદાઓને કાયદેસર કોટવટો અપાયેલ છે. તમારા કાયદાઓથી મુક્ત એવો એ એક ટાપુ છે જયાં નવા કંપનીબહાદુરો દેશદેશાવરથી આવશે અને જેમ એલચી કચેરીઓને મળે છે તેમ એમના આ સેઝમુલકને પણ સ્વતંત્ર જેવો દરજજો મળશે. નેતાઓ અને ગુજરાતી ફિલ્મોની જેમ એક આખી કરમુકત મંડળી ત્યાં વિકાસનો રાસ રમતી હશે. અને દરમિયાન, અબજોપતિઓ બેવડાતા જશે- ગરીબો ચોવડાતા જશે. હરખ હવે તું હિંદુસ્તાન!

    (લેખક વરિષ્ઠ પત્રકાર છે અને વિચારપત્ર ‘નિરીક્ષક’ના તંત્રી છે.)

    (સદ્દભાવ : "દિવ્ય ભાસ્કર", ૨૧ નવેમ્બેર ૨૦૦૯)

  • જુગલકીશોર
    2009-11-20

    સહયોગીઓ !

    આજે એક સાવ અંગત એવી વાત મુકવી છે. લખનારા વીશે ને એમનાં લખ્યા વીશે લખવું એ કાંઈ અંગત વાત ન કહેવાય. પણ તોય આ વાતે મને એવું વીધાન કરવા પ્રેર્યો તેનું કારણ લખનાર ને એમના લખાયાં ને લખાતાં વીશે હું ભાવુક રહ્યો છું તે છે.
    હા, તો આ વાત તે હું જેમના લખાણોનો ફેન છું ને જેઓ આપણા બહુમુખી પ્રતીભાધર પત્રકાર–સાહીત્યકાર–સર્વોદયી ગાંધીપથી છે એવા પ્રકાશભાઈ શાહના એક તાજા લેખ અંગેની વાત.
    (આ પહેલાં આવી જ રીતે એમના ત્રણેક લેખો મેં મારા વાચકોને – મારી સાથે ભાષા–ભાષાની રચનાત્મક રમત રમતાં ભાષાપ્રેમીઓને – નમુનારુપ લખાણ બતાવવાના મોહથી સંઘરી રાખ્યા હતા. પણ આજન્મ આળસુ એવા મારાથી એ કામ ન જ થઈ શકેલું. લંડનથી પ્રકાશીત ‘ઓપિનિયન’ને દસ વર્ષ થયાં નીમીત્તે જે સમારંભ થયો તેના પ્રમુખીય ભાષણને હું કેટલાક યાદગાર લખાણોમાં મુકું. એ લેખમાં એમણે જે સંદર્ભો વણ્યા –ટાંક્યા છે તેની યાદી કરવા બેઠેલો, પણ છેવટે થાકીને એને પડતું મુકી દીધેલુ !!
    આજે દેશના પ્રખર પત્રકાર પ્રભાષજી પરના એમના સંભારણાથી અભરે ભર્યો લેખ વાંચીને ન રહી શકાયું. (પ્રકાશભાઈ આ લેખમાં વચ્ચે ભાવથી છલકાયા છે એ જાણીને તો આ લેખ પસંદ કરવાનું સહેતુક જ બની રહ્યું ! વાંચો – “આ હિંદુ અંતરને રાતવરત રડાવ્યાનું જાણું છું ત્યારે આ શૂરા એટલા જ સહૃદય મિત્ર માટે શું અનુભવું છું, એ કેવળ અને કેવળ અનિર્વચનીય છે.”)
    આ લેખમાં ત્રણેક બાબતે ધ્યાન ખેંચે છે જે  આપણી ભાષા–ભાષા રમત ને માટે ઉપયોગી બનશે.
    ૧)  પ્રકાશભાઈની ભાષાસમૃદ્ધી. એમના નવા નવા શબ્દો તથા વાક્યરચના.
    ૨)  એમના લેખોમાં મળતા પારાવાર સંદર્ભો. આ સંદર્ભો જોવા માટે દરેક સંદર્ભે મેં અંડર લાઈન કરેલી છે. ક્યાંક એક જ અંડરલીટી નીચે એકથી વધુ સંદર્ભોય જોવા મળશે. (મને આ નાનકડા લેખમાંથી પાંત્રીસેક સંદર્ભો જડ્યા છે !!)
    ૩)  એમની વીશીષ્ટ – બહુ વાર વગોવાયેલી, ને છતાંય મને ગમતી રહેલી – શૈલી ! જનસત્તાએ એના વાચકોને સુરેશ જોશીની કલમનો વૈભવ વરસો સુધી પીરસ્યો છે. એમ જ, એ દૈનીકે એના તંત્રીલેખો દ્વારા પ્રકાશભાઈની સંદર્ભોથી છલકતી, ભાષાસૌંદર્યે મલકતી ને મલપતી તથા પ્રખર પત્રકારીત્વથી શોભતી શ્રેણી આપી છે.
    સૌ વાચકોને નીચેના લેખમાં બોલ્ડ કરેલા શબ્દોમાં એમની શબ્દસર્જકતા અને અંડરલાઈનમાં સંદર્ભોનો ખજાનો જોવા મળશે.

    –––––––––––––––––––––––––––––––––––––––
    હજુ ગુરુવારે સવારે તો ફોન પર વાત થઈ હતી કે ‘હિંદ સ્વરાજ’ પર લખવાનું એમણે હાથમાં લીધું છે, અને જાન્યુઆરી-૨૦૧૦માં (મૂળ પુસ્તક બહાર પડયાના સોમા વરસે) દિલ્હીમાં સૌ મિત્રોએ એના પ્રકાશન નિમિત્તે ભેળા મળવાનું છે. ત્યાં તો એમના ગયાના સમાચાર આવ્યા અને પ્રભાષ જોશી સાથેની સૂચિત સ્નેહસંગીતિ હૃદયમાં જ લય પામી ગઈ. શુક્રવારે મોડે સુધી મેચ જોતા બેઠા હતા અને એ રીતે સચિન તેંડુલકર સત્તર હજારી બન્યા એના સાક્ષી પણ હતા.
    બને કે શનિવારે આપણી વચ્ચે પ્રભાષ હોત તો રવિવારી ‘જનસત્તા’માં એમની અનૂઠી કોલમ (નિજી સંસ્પર્શવાળી બિનચૂક, પણ પ્રાઇવેટ મુદ્દલ નહીં) ‘કાગદ કારે’માં આપણે સચિનની ફટાફટ સત્તરહજારી વિશેની હૃધ ટિપ્પણી વાંચવા પામ્યા હોત. આ ફટાફટ એ બાંધી ઓવરોની- અત્યારે નહીં તો કયારેય નહીં- એવી ‘વન ડે’ માટેનો પ્રભાષીય પ્રયોગ હતો. પાંચ દિવસની ક્લાસિકલ ટેસ્ટ અને આ કિવકી શી વન ડે સંક્રાંતિ. પ્રભાષે કહ્યું કે ફટાફટ. આખરે સી.કે. નાયડુના ગામ (ઇન્દોર)નો જણ હતો ને.
    ૧૯૮૩માં હિંદી ‘જનસત્તા’ નીકળ્યું અને હિંદી (બલકે ભારતીય) પત્રકારિતાની જાણે કે વ્યાખ્યા અને પ્રતિમાન જ બદલાઈ ગયાં. હમણાં નોંઘ્યો તે ફટાફટ જેવા ઠેઠ પ્રોલિતારિયન પ્રયોગો એની ભાષાનો વિશેષ હતા. જે વિશાળ હિંદી ક્ષેત્ર છે એની તરેહવાર બોલીઓ અને ભાષાઓની-સુબહે બનારસ, શામે અવધ અને શબે માલવાની, ધરતી ધરતીની-સુગંધ સાથે એક સર્વજન હિંદી એમાં પ્રયોજાવા લાગી. આવી સમાચાર અને વિષય માવજત હિંદી પત્રકારિતાએ આ પૂર્વે લાંબા સમયથી જોઈ નહોતી.
    ‘સબ કી ખબર લે, સબ કો ખબર દે’વાળું ‘જનસત્તા’નું સૂત્ર તેમના વ્યક્તિત્વ અને પત્રકારત્વને પ્રતિબિંબિત કરતું હતું. હિંદી ‘જનસત્તા’નો પ્રારંભ કરવા અગાઉ ઠીક ઠીક મહિના એ અમદાવાદમાં એક્સપ્રેસ પત્રોના નવજીવન સારુ મથ્યા હતા અને એ ટૂંકા ગાળામાં સુરેન્દ્રનગર પંથકના (ખરું જોતાં કચ્છના નાના રણના) ઘુડખર તે અરસામાં કદાચ પહેલી જ વાર કોઈ રાષ્ટ્રીય અખબારની પહેલા પાનાની સ્ટોરી બન્યા હતા અને પ્રિયકાન્ત મણિયારને અકાદમી એવોર્ડ મળ્યાના સમાચાર જયન્તિ દલાલનું ‘નવગુજરાત’ હોય અને છાપે, એટલા ઉમળકા ને અગ્રતાથી પ્રગટ થયા હતા- અને રવિશંકર મહારાજના સોમા વર્ષમાં પ્રવેશ સંદર્ભે એક્સપ્રેસની વિશેષ પૂર્તિ પણ (બન્યા હતા).
    નાનાવિધ રસે સમૃધ્ધ લેખક અને પત્રકાર તરીકે એમને સંભારીને શરૂઆત કરી, પણ ‘હિંદ સ્વરાજ’ અને મહારાજના વિશેષોલ્લેખથી સમજાય છે તેમ એ એક સર્વોદયી વલણોવાળો રસકિ તાપસનો જીવ હતો. આ ‘રસકિ તાપસ’ એ પ્રયોગ મેં પુ.લ. કનેથી લીધો છે. પુ.લ. દેશપાંડે લોહિયાને રસકિ તાપસ કહેતા.
    ફક્કડ, સર્વજનવિહારી, વિધાવિલાસવ્યાસંગી પણ છતાં એકલા, અલગારી. ભૂદાન આંદોલનની આબોહવામાં કોલેજનું ભણતર અધવચ છોડી ટી.એસ. એલિયટના આ ચાહક, નર્મદા અને ક્ષિપ્રા વચ્ચે ક્યાંક સુનવાની મહાકાલના ગ્રામીણ ઇલાકામાં થોડાં વર્ષ બિલકુલ દટાઈ ગયા હતા. પછી, ૧૯૬૯માં, બત્રીસેક વર્ષની વયે ગાંધી શતાબ્દીનાં પ્રકાશનોમાં ઉપયોગી થવા એ નવી દિલ્હીના શાંતિ પ્રતિષ્ઠાનમાં આવ્યા અને જયપ્રકાશજીનો પરિચય એમને (પોતાની શરતે) ગોયન્કા ને એક્સપ્રેસ પત્રો લગી લઈ ગયો. આંદોલન ઊપડયું ત્યારે ‘એવ્રીમેન્સ’ અને ‘પ્રજાનીતિ’માં એમણે હાથ બટાવ્યો, કટોકટી જાહેર થઈ ત્યારે એ પત્રો તો બંધ થયાં પણ ‘આસપાસ’ જેવી એક સિનેમા શાઈ પત્રિકાના આ સંપાદક ભૂગર્ભ સંપર્કોઅને સંકલના માટે એક અરછો ગુમનામ ચહેરો બની રહ્યા.
    જયપ્રકાશજી સાથે એમ તો ચંબલના બાગીઓના આત્મસમર્પણના દોરમાંયે કામ કરેલું (રવિશંકર મહારાજ રસ પડવાનું એક કારણ એય હશે) પણ ભોમભીતર શીર્ષ સંપર્કો સાથે પ્રભાષ જોશીનું પરિચય-અને-કાર્ય-ક્ષેત્ર ખાસું વિસ્તર્યું. જો કે દેશે એમને જાણ્યા અને ઓળખ્યા તે ‘જનસત્તા’ના સ્થાપક તંત્રી તરીકે .નવમા દાયકામાં મુદ્રિત પત્રકારિતાને પ્રભાષ જોશી મળ્યા, દસમો દાયકો બેસતે ઇલેકટ્રોનિક મીડિયાને ‘આજતક’ વાળા સુરેન્દ્રપ્રતાપસિંહ મળ્યા: આ બે વગર આપણે મીડિયાના નવા આયામો અને સંભાવનાઓથી કેટલા વંચિત રહ્યા હોત, ન જાણે.
    હમણાં શીર્ષ સંપર્કોનો ઉલ્લેખ કર્યો, કયારેક જેપીના સહયોગી હોવું અને પછી માતબર અખબારી સમૂહમાં તંત્રી હોવું- સંબંધો શોધતા આવે. વગવસીલો અને વર્ચસ પણ. વિશ્વનાથ પ્રતાપસિંહે એક નવી હવા જગવી અને એ વડાપ્રધાન બન્યા ત્યારે એમણે ત્રણ વ્યૂહકારોને તહેદિલથી સંભાર્યા હતા- ગુરુમૂર્તિ, ગોવિંદાચાર્ય અને પ્રભાષ જોશી. ૧૯૭૭માં જેમ શાંતિ પ્રતિષ્ઠાનના રાધાકષ્ણ તેમ ૧૯૮૯માં ‘જનસત્તા’ના પ્રભાષ જોશી કેન્દ્રીય મંત્રીમંડળમાં (કૈં નહીં તો છેવટે રાજ્યસભાની કુશાંદે બેઠકમાં) હોઈ શકતા હતા.
    એમની ભલામણથી કોઈક ત્યાં પહોચ્યું હશે, પણ આ બન્નેએ ‘સ્વધર્મે નિધન’માં શ્રેય જોયું. પ્રભાષ જોશીના પત્રકારજીવનમાં પોતાના હેવાલ સામે રાજકીય કે આર્થિક દબાણને વશ નહીં થવાના પ્રસંગો, સરસાઈને ધોરણે સામાન્ય સંવાદદાતા સાથે ઊભા રહેવાના પ્રસંગો, વખતોવખત આવ્યા હશે. પણ દેશના જાહેરજીવનમાં બે મોટા પડકારો એવા આવ્યા જયારે એ અને ‘જનસત્તા’ બેઉ અગ્નિદિવ્યમાંથી બહાર આવ્યાં: ૧૯૮૪નાં શીખવિરોધ રમખાણો (એનું ‘પ્રોગ્રોમ’ સ્વરૂપ) અને ૧૯૯૨ના બાબરીઘ્વંસ સાથેનો ઘટનાક્રમ.
    સાંસ્કતિક રાષ્ટ્રવાદના હિંસ્ર રાજકારણ સાથે તો એ લોકો સંકળાયેલા હતા જે કટોકટી સામેના સંઘર્ષસાથીઓ હતા.(યાદ આવશે અહીં લોહીયાજી – જુ)પ્રભાષે કહેવામાં અને વૃત્તાંતનિવેદનમાં કોઈ કસર ન છોડી તે ન જ છોડી. અડવાણીનું રાજકારણ હિંદુ ધર્મને સામી (સેમિટિક) બનાવી એક અહિંદુ સ્વરૂપ આપી રહ્યું છે એવી એમની પ્રતીતિ હતી. ૨૦૦૨ના ઘટનાક્રમે આ હિંદુ અંતરને, કેમ કે કયારેક ગુજરાતમાં રહેવાનુંયે બન્યું હતું, રાતવરત રડાવ્યાનું જાણું છું ત્યારે આ શૂરા એટલા જ સહૃદય મિત્ર માટે શું અનુભવું છું, એ કેવળ અને કેવળ અનિર્વચનીય છે.
    છેલ્લા દિવસોમાં આ ચૂંટણીઓમાં છાપાંઓને જે રીતે ખરીદી લેવાયેલાં (સમાચારના રૂપમાં જાહેરખબર વાટે અને અન્યથા) તે વિશે કુલદીપ અને પ્રભાષ જેવા જૂજ અવાજો જ સાંભળવા મળ્યા હતા. આ નરવો અવાજ-અને કેવો અવાજ-નામવરસિંહ કહેતા કે પ્રભાષની ક્રિકેટચર્ચાની ધાટીએ કોઈ વિવેચક સાહિત્યકૃતિનો પરિચય તો આપી બતાવે- હવે ક્યાં. આજે શનિવારે નર્મદા ઘાટે એ પંચમહાભૂતમાં વિલીન થતા હશે ત્યારે એમના સ્વજનશા કુમાર ગંધર્વના પુણ્ય સ્વરોમાં આપણેય એ કબીરવાણીમાં ભળી જઈશું કે ‘બિના ખૂંટી ને બિના ડોર કે / તંબુ તો દિયા રે આસમાન.’ (દિવ્યભાસ્કરમાં પ્રકાશીત લેખ)

  • ઉર્વીશ કોઠારી
    2009-11-18

    ગુજરાત રાજયની સાડા પાંચ કરોડ (માઈનસ અમુક કરોડ) જનતાના લાડીલા મુખ્ય મંત્રીશ્રી,
    નમસ્તે.

    સાદા નમસ્તે, હા. પેલા ‘નમસ્તે સદા વત્સલે..’વાળા નહીં. આજકાલ બીમારીના બહુ વાવર છે. ‘ડોકટર’ મોહન ભાગવતે ભાજપને કેન્સરનું નિદાન કર્યું અને એ અરસામાં તમને સ્વાઈન ફલુ થયાના સમાચાર સાંભળ્યા એટલે ચિંતા થઈ. ભાજપવિરોધી એટલે કે હિંદુવિરોધી એટલે કે દેશદ્રોહીઓનું આ કાવતરું તો નથી ને? જેની ટીકા કચરાટોપલીમાં નાખીને વખાણ મેડલની માફક લટકાવવામાં આવે છે એ ઈંગ્લિશ મીડિયાનાં કરતૂત તો નથી ને? એવી શંકાકુશંકાઓ મનમાં જાગી.

    શંકાની જ વાત નીકળી છે તો તમને ખ્યાલ હશેઃ તમને ખરેખર સ્વાઈન ફલુ થયો છે, એ બાબતે તમારા ઘણા પ્રશંસકો અને ટીકાકારોના મનમાં શંકા હતી. તમે સ્વાઈન ફલુમાંથી બહાર આવી ગયા, પણ ઘણા લોકો એ શંકામાંથી બહાર આવી શકયા નથી. તમારા પ્રશંસકો કહે છે, ‘જોયું? એકલા અમેરિકાને નડનારો બિન લાદેન શી ચીજ છે? આખી દુનિયાને નડી જનારા સ્વાઈન ફલુને સાહેબે કેવો પોતાની સેવામાં લગાડી દીધો?’ છેલ્લાં સાત-આઠ વર્ષમાં તમારી અભિનયપ્રતિભાથી અંજાઈ ચૂકેલા ટીકાકારો ઈર્ષ્યાથી કહે છે, ‘આ તો બધું નાટક છે.’ તમારા લોહીના સેમ્પલનો ટેસ્ટ રમેશ પારેખના નામથી થયો, એ જાણીને કવિ રમેશ પારેખના ચાહકો તેમનો એક શેર યાદ કરે છેઃ

    કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ લાધ્યું રમેશ
    દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ

    સૌથી વધુ મનોરંજન પૂરું પાડનારા કોઈ હોય તો એ તમારા ‘તટસ્થ ભકતો’નો સમુદાય. એ લોકો કહી શકે છે, ‘સાહેબને સ્વાઈન ફલુ એટલે કે સુવ્વર ફલુ થયો એટલે સેકયુલરિસ્ટોની જીભ પર કેવાં તાળાં લાગી ગયાં? હમણાં ‘મેડ કાઉ ડિસીઝ’ થયો હોત તો એ લોકો ગાયો અને હિંદુઓ પર માછલાં ધોવા બેસી જાત. પણ કોઈ સેકયુલરિસ્ટની મજાલ છે કે સુવ્વરની ટીકા કરે? ગોબરું સેકયુલરિઝમ સાડા પાંચ કરોડ વાર મુર્દાબાદ. અમારી તટસ્થ ભક્તિ ઝીંદાબાદ. મહાત્મા ગાંધી ઝીંદાબાદ. મુખ્ય મંત્રી મોદી ઝીંદાબાદ.’


    આપણી સંસ્કૃિતમાં બીમારની ખબર કાઢવા જવાનો અને એ રીતે તેના દુઃખમાં સહભાગી થવાનો રિવાજ છે. બીમારનું દુઃખ હળવું કરવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છે ઃ એ કેવી રીતે બીમાર પડ્યા તે પૂછવું. દા.ત. તમને પૂછી શકાય કે ‘અરર, કેમ કરતાં થયું? અચાનક જ? હજુ અઠવાડિયા પહેલાં તો તમને રશિયામાં હરતાફરતા જોયા હતા. એ વખતે તમારા મોં પરથી જરા ય લાગતું ન હતું કે તમને સ્વાઈન ફલુ થશે. ખરેખર, વાતાવરણ બહુ સાચવવા જેવું છે. આજકાલ ડબલ સિઝન છે. રાતે ઠંડી ને દિવસે ગરમી લાગે છે.’


    તમને જો કે સવાલો ગમતા નથી એવી તમારી છાપ છે. એટલે તમારા પક્ષના કે વિપક્ષના સાથીદારો ‘કેમ કરતાં થયું?’ એવો વ્યવહારિક સવાલ પણ નહીં પૂછી શકે. વ્યવહારિક અને બિનવ્યવહારિક બધા સવાલો નાગરિકોએ જ પૂછવાની ટેવ પાડવી પડશે.
    તમારા કિસ્સામાં ખબર નથી, બાકી બીમાર માણોસની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ‘કેમ કરતાં થયું?’ એવા ટૂંકા સવાલનો જવાબ એ અઢાર અધ્યાયમાં આપે છે. એકતા કપૂરના એપિસોડ જેવો એમનો જવાબ શરૂ થાય એટલે ખબર જોવા આવનારની તબિયત બગડવા લાગે છે. ઘણા લોકોને ‘જામ-એ-સેહત’ કરતાં ‘જામ-એ-બીમારી’ના ઘુંટડા ભરવામાં એટલી કીક આવે છે કે બીમારી મટી જાય છે, પણ એની કથાઓ મટતી નથી. ‘હજારો વર્ષ ચાલે એટલી બીમારી કથાઓ’ વારે તહેવારે પુનઃપ્રસારિત થતી રહે છે.


    બીમારીની ખરી સાર્થકતા તેમાંથી પેદા થતા મહત્ત્વમાં છે. પરિવારનો ગમે તેટલો અણમાનીતો સભ્ય પણ બીમાર પડે એટલે તેનો ભાવ આવી જાય છે. તેની ‘લાઈન’ સીધી છે કે નહીં એ વિશે હંમેશાં શંકા અને ચિંતા સેવતાં માતાપિતા, સહેજ છણકો કરીને પણ ‘દવા લેજે બરાબર ટાઈમસર અને હમણાં રખડીશ નહીં. કયારેક અમારું કહ્યું પણ સાંભળતો જા.’ એટલું કહ્યા વિના રહી શકતાં નથી.
    સ્વજનો સેવાની સાથે સલાહ આપતાં હોવાથી તે પાણીની સાથે અપાતી ગોળી જેવું કામ કરે છે. પણ ખબર જોવા આવનારા પાણી વગરની કેપ્સૂલ જેવી કોરી સલાહો આપ્યા કરે છે. એ ગળે ઉતારી શકાતી નથી અને કચરાટોપલીમાં ફેંકી શકાતી નથી. કેટલાક અનુભવીઓને આશંકા છે કે ખબર જોવા આવનારની સલાહોમાંથી બચી શકાય એ માટે જ તમે સ્વાઈન ફલુ જેવા એકાંત માગી લેતા રોગ પર પસંદગી ઊતારી. હા, ‘પસંદગી ઊતારી’ કારણ કે તમારા પ્રશંસકો માને છે કે ગુજરાતમાં તમારી ઈચ્છા - અને તમારાં હોર્ડિંગ- વિના પાંદડું પણ હાલતું નથી. કયારેક બોમ્બ ફૂટી જાય, પણ એવું તો કયાં નથી થતું?

    રૂબરૂ તમારી ખબર કાઢવા ન આવી શકેલા લોકોએ પૂજા અને યજ્ઞો કરાવીને સંતોષ માન્યો છે. યજ્ઞો સ્થાનિક ધોરણે હતા, એટલે પ્રજાને બહુ રાહત રહી હતી. કારણ કે એસ.ટી.ની એક પણ બસ ચાલુ રૂટ પરથી ખસેડીને યજ્ઞના સ્થળે દોડાવવી ન પડી.


    ‘સાહેબના આરોગ્ય માટે સુંદરકાંડના પાઠ રાખ્યા છે’ એવું પહેલી વાર એક કાર્યકરે કહ્યું ત્યારે બીજો કાર્યકર ઉત્સાહથી બોલી ઉઠ્યો હતો, ‘શું વાત છે? ગોધરાકાંડના પાઠ રાખ્યા છે? જોરદાર આઈડિયા છે.’ પણ પહેલા કાર્યકરે તરત આંખો કાઢીને તેનું મોં બંધ કરી દીધું અને કહ્યું, ‘મનમાં હોય એ બધું બોલવાની શી જરૂર છે? આવું ને આવું કરશો તો આખી જિંદગી કાર્યકર જ રહી જશો અને તમારા માટે ગરુડપુરાણ સિવાય બીજો કોઈ પાઠ નહીં થાય.’


    બીમારી દરમિયાન તમારા એકાંતવાસ વિશે જાણીને ઘણાને ચિંતા થતી હતી. કોઈ ખબર જોવા ન આવે તો સમય શી રીતે જાય? એ વિચારે તમારા ઘણા પ્રશંસકોનો જીવ કચવાતો હતો. ‘નવરું મગજ શેતાનનું કારખાનું છે’ એ કહેણી યાદ કરીને પણ ઘણા લોકો ચિંતા કરતા હતા.

    અમારા એક પરિચિત કાર્યકરને સ્વાઈન ફલુ થયો ત્યારે ફલુને તો એ જીરવી ગયા, પણ એકાંતમાં રહેવાનું તેમને આકરું લાગતું હતું. તેમને ફોન પર એકાદ રાજકીય વડિલે સમજાવ્યા કે ‘તમારી અને સાહેબની એક જ બીમારીને લીધે તમારો વટ પડી જશે. વિધાનસભાની ટિકિટની પણ તૈયારી કરવા માંડજો. દિલ્હી હાઈકમાન્ડ નહીં તો ગાંધીનગર ‘આઈ’કમાન્ડ સ્વાઈન ફલુમાંથી ઊભા થયેલાને પહેલી પસંદગી આપે એવી શકયતા છે.’
    સત્તાવાર અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે એકાંતમાં તમે બીજા દેશોના વિકાસની ડીવીડી જોઈને સમય પસાર કરો છો. હશે ભાઈ, ભવિષ્યમાં બીમારી સિવાયના કોઈ કારણસર પણ સમય પસાર કરવાનો થાય ત્યારે તમે બીજા દેશોને બદલે ગુજરાતના જ વિકાસની - ફલાયઓવર, બીઆરટીએસ, કિલ્લેબંધ કાંકરિયા ઉપરાંતના વાસ્તવિક વિકાસની - ડીવીડી જોઈને સમય પસાર કરી શકો એવી હાર્દિક શુભેચ્છા.


    લિ. સાડા પાંચ કરોડમાંનો એક ગુજરાતી
    (સદ્દભાવ : “વૈશ્વીક માનવવાદ”, નવેમ્બર ૨૦૦૯)