જાગતિક ગુજરાતી ડાયસ્પોરા : બહુમુખી આહ્વાન

Print
વિપુલ કલ્યાણી

ગુજરાતીની, ભલા, વ્યાખ્યા કઈ બાંધશું ? ગુજરાત નામે ભૌગોલિક પ્રદેશમાં વસનારાંઓ સિવાય, ત્યાંથી પ્રદેશ, દેશ, વિદેશ વિસ્તરી ગયેલાંઓને આપણે ગુજરાતી કહી શકીએ કે ? ટૂંકામાં, આ આખો ઓળખનો મુદ્દો છે.

ગુજરાતના એક વિચારક, લેખક અને કર્મશીલ અચ્યુત યાજ્ઞિકે નોંધ્યું છે તેમ, ‘કવિ નર્મદે ‘કોની કોની છે ગુજરાત ?’ એવી પૃચ્છા કરીને પોતે જ ઉત્તર આપ્યો છે જે ગુજરાતી બોલે છે તેનાથી. પંથકે પંથકે અલગ અલગ બોલીઓ છતાં ભાષા જોડે છે, બાંધે છે અને બંધાવે છે ભાથું જીવનભરનું. ભાષાની જેમ પરંપરાનું અને જીવનનાં છંદ તેમ જ લયનું પણ દરેક નવી પેઢી પુન:સર્જન કરે છે અને સમન્વયની સાથે સાતત્યને સાંકળે છે. પરિણામે ઇતિહાસનો પિંડ બંધાય છે અને એકેએક ગુજરાતીનો પોતીકા જીવનનો તથા તેના પરિવાર કે સમુદાયનો ઇતિહાસ પણ જોડાય છે તેની સાથે એટલે આ ઇતિહાસ ભાતીગળ બની રહે છે. આવા ભાતીગળ ઇતિહાસના અંકોડા ઉકેલવા માંડીએ ત્યારે નોખું અને અનોખું ગુજરાત એકાકાર બની રહે છે.’

બીજી પાસ ઇતિહાસકાર મકરન્દ મહેતા કહે છે : ‘દરેક દેશ અને પ્રદેશને તેની આગવી ઓળખ હોય છે. આવી ઓળખ અને પહેચાન જ્યારે પ્રજાની સામૂહિક ચેતનામાં રૂપાંતર પામે ત્યારે તે પ્રજાના ગૌરવ અને ગર્વની દ્યોતક બને છે અને તે ‘અસ્મિતા’ એમ રૂપાળું નામ ધારણ કરે છે. ગુજરાતની અસ્મિતાનાં અનેક પાસાંઓ છે - દીવાળી અને બેસતા વર્ષનો તહેવાર, ગરબા, રાસ, નવરાત્રી મહોત્સવ, પતંગોત્સવ, પતેતી, ઈદ અને ક્રિસ્મસ જેવા પર્વોથી માંડીને લાપસી, લાડુ, કંસાર, ઊંધિયું, સેવચટણીયુક્ત પોંક, દૂધપાક, ભજિયાં અને ફાફડા જેવી ભાતભાતની ભોજનસામગ્રી અને આ સૌ ચીજોને દીપાવે તેવી ગરવી ગુજરાતી ભાષા ગુજરાતની આગવી પહેચાન ઉપસાવે છે. પરંતુ દેશવિદેશમાં ગુજરાતીઓની જો કોઈ સર્વસામાન્ય છાપ હોય તો તે વ્યાપારી પરંપરામાંથી ગુજરાતે વિકસાવેલી શાંતિ અને અહિંસાની ફિલસૂફી અને વ્યવહારુ સૂઝ છે. તેનું તદ્દન તાજેતરનું દૃષ્ટાંત પશ્ર્ચિમ બંગાળના સીંગુરમાંથી ગુજરાતના સાણંદમાં ખસેડવામાં આવેલો તાતા જૂથનો ‘નેનો કાર’ પ્રોજેક્ટ છે. બંગાળ અને ગુજરાતની રાજકીય અને સાંસ્કૃતિક ઓળખમાં કેટલો બધો તફાવત છે તેના આ પ્રસંગ જીવતોજાગતો નમૂનો છે. ઐતિહાસિક દૃષ્ટિથી જોઈએ તો સુરતના વેપારી ભીમજી પારેખે તો છેક ૧૬૭૨માં પ્રિન્ટીંગ પ્રેસનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. પણ તેની હીલ્સ નામનો પ્રિન્ટીંગ ટેકનોલોજીસ્ટ તેનો કોન્ટ્રેક્ટ પૂરો કર્યા વગર લંડન ભાગી ગયો હોવાથી આ પ્રકલ્પ નિષ્ફળ નીવડયો હતો.’<!--BREAK-->

પરંતુ આ બંનેમાંથી ગુજરાતીની વ્યાખ્યા પૂરેપૂરી સમજવા મળતી નથી. કરાંચી મુકામે, સન ૧૯૩૭માં, મળેલા ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના તેરમાં અધિવેશન પ્રસંગે, પ્રમુખસ્થાનેથી ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ નામે આપેલાં વ્યાખ્યાનમાં, કનૈયાલાલ મુનશીએ કહ્યું હતું, તેમ, ‘જ્યાં જ્યાં ગુજરાતી બોલાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’ કહેવામાં કદાચ વાસ્તવિક સત્ય નથી. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સદીઓ થયાં વસતા ‘ગુજરાથી’ઓ ગુજરાતી નથી બોલતાં. ઝાલોર ને વાંસવાડા, ઇડર અને શ્રીમાલમાં આજે મારવાડી વધારે બોલાય છે, છતાં એમાં વસનારાં ગુજરાતીઓ નથી એમ કોણ કહેશે ? કેમ કહેવાશે ? ગુજરાતીનું પ્રાધાન્ય ન હોય ત્યાં ગુજરાતી નથી એમ કેમ કહેવાય ? ત્યારે પ્રશ્ન થાય છે કે ગુજરાત એટલે શું ? ત્રીસ વર્ષના મનન પછી હું એની વ્યાખ્યા આપું. એની રાજકીય કે ધાર્મિક એકતામાં એનું મૂળ નથી; એનું મૂળ હિન્દી સંસ્કારને લાક્ષણિક રીતે જીવનમાં ઉતારવાની કલામાં છે.’

મુનશી આગળ જણાવે છે :

‘પણ ગુજરાતને સીમાડા નથી. ગુજરાત એક જીવંત અને જાગ્રત વ્યક્તિ છે - જે પોતાને એક કલ્પવામાં, પોતાનું અસ્તિત્વ એક દૃઢ સંકલ્પ દ્વારા સરજવામાં જીવનસાફલ્ય સમજે છે. એ ગુજરાતીઓનું બન્યું છે ખરું : પણ એ માત્ર માનવીઓનો સમૂહ નથી. જ્યાં ગુજરાતીઓ ‘ગુજરાત’ છે ને રહેશે એવી નિર્ણયાત્મક કલ્પના સેવી એકઠા મળે છે ત્યાં ગુજરાતની હસ્તી છે જ. ગુજરાત વિસ્તરે છે જ્યાં ગુજરાતીઓ પોતાની ઇચ્છાશક્તિ અને સંકલ્પબળથી એને સરજે છે ત્યાં. ગુજરાત તો એક ભાવનાઘડી પણ જીવંત સાંસ્કારિક વ્યક્તિ છે. ગુજરાતના વ્યક્તિત્વના ભાનથી પ્રેરાઈ એનું વ્યક્તિત્વ સિદ્ધ કરવાનો જેણે સક્રિય સંકલ્પ કર્યો હોય તેનામાં જ ગુજરાતની અસ્મિતા હોય.
‘આ વ્યક્તિત્વના ઘડતરમાં પર્વત અને નદીઓનું સ્થાન ગૌણ છે. મુખ્ય સ્થાન તો જે મહાપુરુષોએ ગુજરાતની આ ભાવના સરજાવી છે તેમનું છે. તેમનાં પરાક્રમો અથવા સાહિત્યકૃતિઓ ગુજરાતીઓની કલ્પના અને ઈચ્છાને કેન્દ્રસ્થ કરે છે. તે ઇતિહાસ કે સિદ્ધાન્ત રચી જાય છે, ઉત્સાહ અને આનંદ પ્રેરે છે, ગૌરવકથાઓનાં મંડાણ માંડે છે અને ગુજરાતનુ સૂક્ષ્મ શરીર બાંધી જાય છે.’
ગુજરાતની રાષ્ટ્રીય અસ્મિતાના અવતારપુરુષ રણજિતરામ વાવાભાઈ મહેતાએ એક વખત આક્રોશમાં કહ્યું હતું : ‘ગુજરાત ! ગુજરાત કેટલો વિશાળ છે તેનું તમને ભાન છે ? તમારે મન - રાજકીય વિચારકોને મન - ગુજરાત માત્ર અમદાવાદથી સુરત સુધીનો વિસ્તાર છે. પણ ગુજરાત એથી ઘણું વિશાળ છે. ગુજરાતી પ્રજાની કેટલી મોટી વસ્તી દેશી રાજ્યોમાં છે તેની તમે ગણતરી કરી છે ? અથવા કરી છે તો દરેક કાર્ય કરતાં નજરમાં રાખી છે ?

‘અને એટલામાં જ ગુજરાત પૂરું થતું નથી. ગુજરાત કાનપુરમાં છે, ગુજરાત દિલ્હીમાં છે, ગુજરાત રંગૂનમાં છે, ગુજરાત મદ્રાસમાં છે. એમ જ નહીં પણ ગુજરાત યુગાન્ડામાં છે, ગુજરાત દક્ષિણ આફ્રિકામાં પણ છે. એ ગુજરાતના અભિલાષ તમારે જાણવા જોઈએ. એ ગુજરાતના જીવનમંત્રો તમારે વિકસાવવા, સુંદર કરવા જોઈએ. એટલા મોટા ગુજરાતની તમારે સેવા કરવાની છે. .... ’

હા ... શ ! હવે કળ વળે છે. સૈકાઓથી દેશ-પરદેશ-વિદેશ ઘૂમી વળેલી અને ત્યાં થાળે પડેલી ગુજરાતી કોમની પાયાગત ગણના અહીં છે. જગત ભરમાં સો-સવાસો દેશોમાં પથરાયેલા ગુજરાતી, મૂળ ગુજરાતી પ્રજાસમૂહની ગણતરી લઈને, આથીસ્તો, ચાલો, હવે આપણે આગળ વધીએ.
‘વિશ્વમાનવી’ નામે, કવિ ઉમાશંકર જોશીની, ભારે ખ્યાતનામ કવિતાની આ પંક્તિઓ જરાક તપાસી લઈએ :

કીકી કરું બે નભતારલીની
ને મીટમાં માપું દિગંતરાલને,
માયા વીંધીને જળવાદળીની
અખંડ દેખું પળમાં ત્રિકાલને.
સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી
યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો;
સ્વર્ગંગમાં ઝૂકવું ચંદ્રહોડલી,
સંગી બનું ના ધૂમકેતુ-પંથનો.
વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી
વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું;
પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી
સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું.
વ્યકિત મટીને બનું વિશ્વમાનવી;
માથે ધરું ધૂળ વસુન્ધરાની.

કવિ ઉમાશંકર જોશીની આ કવિતાની જોડાજોડ, ‘એ તે કેવો ગુજરાતી - ’ કવિતા અર્ઘાર્હ બનવી રહી.  આથીસ્તો, આ કાવ્યની અહીં લીધી આ પંક્તિઓને, ચાલો, ઉર-બાજોઠે બેસાડીએ :

સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિજી ન્યૂઝીલઁન્ડ જાપાન બ્રિટન અતિ દૂર,
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.
તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.

આજકાલની આ જાગતિક સ્તરની, સાખ સંબંધક ભીંસ (ક્રેડિટ ક્રન્ચ) ટાંકણે, થોડાક સમય પહેલાં, ‘બ્રિટિશ બ્રોડકાસ્ટીંગ કોરપોરેશન’ના રોજિંદા, ‘ધ ડેયલી પોલિટિક્સ’ કાર્યક્રમમાં, બી.બી.સી.ના રાજકારણ બાબતના મુખ્ય સંવાદદાતા નીક રોબિન્સને એક ઘટના કહી હતી. બ્રિટનના વ્યાપાર મંત્રી પીટર મેન્ડલસન થોડાક સમય પહેલાં વ્યવસાયી બેન્કોના ધણીધોરીઓને મળ્યા હતા. ગ્રાહકોને મદદરૂપ બનવા વ્યાપાર મંત્રીએ અનુરોધ કરી જોયો. બેન્કોના આગેવાનો, સામે, પોતાની સમજણ પરિસ્થિતિની વાત કરતા રહ્યા. લાગલા લૉર્ડ મેન્ડલસને કહ્યું : મને લાગે છે કે મારે શ્રુતિ વડેરા સાથે તમારી મુલાકાત ગોઠવવી જોઈશે. બેન્કોના આગેવાનો તેને માટે તૈયાર નહોતા. કહે : ના, આપણે જ ઉકેલ લાવીએ !

વારુ, આ ઘટનાના સૂચિતાર્થો છે. શ્રુતિ વડેરાની વાટાઘાટ માટેની રીતરસમની તેમાં જેમ ઝાંખી છે તેમ, તેમનાં શક્તિસામર્થ્યની પણ વાત સમજાય છે. "ધ ગાર્ડિયન" દૈનિકમાં, લખતાં ડેબોરા સમર્સે, આ વ્યાપાર પ્રધાન માટે, ‘વેસ્ટમિનસ્ટર ગ્રામ’ (વેસ્ટમિનસ્ટર વિલેજ) વિસ્તારમાં,  ‘Shriti the Shriek’ જેવા શબ્દો ઉચ્ચારાય છે, તેમ માહિતી આપી હતી !

શ્રુતિ વડેરા ઉપરાંત, લિબરલ ડેમોક્રેટ પક્ષમાં નવનીત ધોળકિયાનું અગ્રગણ્ય સ્થાન રહ્યું છે તે આપણે સતત જોતા આવ્યા છીએ. તે જ રીતે જાણીતા ધારાશાસ્ત્રી તેમ જ સાંપ્રત સમયના એક માત્ર ગુજરાતી નસ્સલના સાંસદ સૈલેષ વારા કન્સરવેટિવ પક્ષમાં ઊંચેરું સ્થાન ભોગવે છે. ત્રણેક દાયકાઓ પહેલાં દક્ષિણ લંડનમાં રમણભાઈ નાયક લેબર પક્ષ વાટે ઓલ્ડરમેનના પદે પણ પહોંચી ગયેલા. તેમ લેસ્ટરમાં દિવંગત કૃષ્ણકાન્ત શાહ નામે એક શહેરી હતા. એ દિવસોમાં તે લેબર પક્ષના લેસ્ટર શહેરમાં ચૂંટાયેલા કાઉન્સિલર હતા. બંને બહુ સરસ માણસ. તદુપરાંત, દિવંગત ગોરધન પરમાર પણ સાંભરે છે. તે વળી, લેસ્ટર શહેરના લોર્ડ મેયર પદે ય રહી ચૂકેલા. આ બધાં આ મુલકે અગ્રસૂરિઓ છે. તે દરેકે ‘સ્થળે સ્થળે અંતરપ્રેમ’ છાવરવાનો રાખ્યો છે.

તાજેતરમાં, યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના ચૂંટાયેલા નવા પ્રમુખ બરાક ઓબામાએ પોતાના સલાહકારોમાં, વળી, આવાં કેટલાંક ગુજરાતી નસ્સલનાં યુવાન તજ્જ્ઞોનો સમાવેશ કર્યો છે. તેમાં સૌથી વિશેષ ચર્ચિત નામ છે સોનલ શાહ. તે જાણીતાં અર્થશાસ્ત્રી છે. તદુપરાંત, પરાગ મહેતા આવું જ બીજું નામ છે, તેમ નીક રાઠોડ સરીખાની પણ તેમાં હસ્તી છે. બીજી બાજુ, નટાશા બીલીમોરિયાનું નામ ય ઊમેરણમાં આવે છે. જાણીતાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પણ આવાં જગ વિખ્યાત ગુજરાતી છે.

આ સિલસિલો આજથી શરૂ થયો નથી. આફ્રિકા ખંડે, ગઈ સદીમાં અને તેની પહેલાંની સદીમાં પણ, આવા અનેક ગુજરાતીઓને અગત્યનાં સ્થાને ભાળ્યાં છે. અલીભાઈ મુલ્લા જીવણજી આ સૌમાં આદરમાન એક અગ્રગામી નામ છે. દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં અને જાહેર જીવનમાં મોહનદાસ ગાંધી ઉપરાંત, મુસા મીર, અહમદ કથરાડા, ફાતીમા મીર, ઈસ્માઈલ મીર, દુલ્હા ઉમ્મર, ફ્રેની જીનવાલા, અઝીઝ પહાડ સરીખા ગુજરાતીઓએ જબ્બરું યોગદાન આપ્યું છે. ટાન્ઝાનિયામાં અમીર જમાલ એક એવું નામ છે જે સહજ સાંભરે છે. મણિલાલ અંબેલાલ દેસાઈ, પ્રાણલાલ શેઠ, સુગરા વિસરામ, સોફિયા મુસ્તફા, કાન્તિભાઈ પી. શાહ, કાન્તિભાઈ બી. પટેલ, નરેન્દ્ર પટેલ, ડાહ્યાભાઈ પટેલ, એ.બી. પટેલ જેવાં નામો પૂર્વ આફ્રિકામાંના વિવિધ મુલકોની આવી યાદીમાં આવે જ આવે. આ કોઈ પર્યાપ્ત યાદી પણ નથી. હજુ ઘણાં ય નામોને અહીં આવરી શકાય તેમ છે. ટૂંકામાં, આ દરેક ગુજરાતીએ સાગરપાર કાર્યકોશલ બતાવ્યું છે અને કેવળ ગુજરાતી રહ્યા વિનાં વ્યક્તિ મટીને વિશ્વમાનવી બન્યાં છે.

આ યાદી પરે હિન્દી જમાતનાં અનેક વસાહતીઓને આદરભેર મૂકી શકાય તેમ છે. તેમ કરવાને બદલે, અહીં ગુજરાતીઓ પૂરતી સીમા આંકી જાણી છે. આ અને આવા અનેક ગુજરાતીઓએ કમાવા ધમાવાનું જ માત્ર અગત્ય લેખ્યું નથી; તેમાંનાં અનેકોએ જે તે મુલકમાં જઈ, તે મુલકને પોતાની કાર્યભૂમિ બનાવી છે અને તેના જનજીવનમાં ઉચિત યોગદાન આપવાનું રાખ્યું છે. હવે સવાલ છે : આ દરેકે, ગુજરાતી હોવાને જ નાતે, આ સઘળાં કામો કર્યાં છે ? ના, લગીર નહીં. તે સૌ જે તે મુલકમાં નાગરિક તરીકે ઓતપ્રત બન્યાં છે અને જે તે મુલકના યોગક્ષેમમાં તે સઉએ ઉચિત પ્રધાન લક્ષ્ય આપ્યું છે.

અને આમ, હવે બીજો સવાલ પડકારરૂપ આવે છે : આપણે, ગુજરાતી પ્રજાસમૂહના અકેક માણસ આપણું આવું પાયાગત કર્તવ્ય પાર પાડીએ છીએ ખરાં કે ? આર્થિક કારણવસાત્ જ આપણી જમાત ગુજરાતના સીમાડા ભેદીને વિસ્તરી છે. ખરી વાત છે ને ? આપણે ગુજરાનની શોધમાં, હરિયાળી ચરાણભૂમિની શોધમાં નીકળી પડેલાં છીએ. એક અર્થમાં આપણી જમાત વણઝારા શી છે અને લાંબી રઝડપાટે હવે યુરોપ, અમેરિકા, ઑસ્ટ્રલિયા જેવા જેવા અનેક મુલકોમાં ઠરીઠામ થયેલી છે.

આપણી ઓળખ પાકી કરી શક્યા છીએ ખરાં કે ? જે તે મુલકોમાં દૂધમાં સાકર ભળે તેમ સહજ હળીમળી ગયાં છીએ કે ? કે હજુ અદમ ટંકારવી લખે છે તેમ,

મનમાં સાલી ગાંઠ પડી છે

સતત to be or not to be છે.

એકલ દોકલ એવું લાગે ધૂળ પડી જીવતરમાં

પટેલનું મન બીલ્લીમોરે, તન રે’ છે લેસ્ટરમાં.

ગુજરાતીઓમાં વેપારબુદ્ધિ અઢળક હોવા છતાં તેઓ પોતપોતાની જ્ઞાતિઓ અને ધર્મસંપ્રદાયોને એટલી ઉત્કટાથી વળગી રહ્યાં છે કે તેઓ એકસંપ થઈને સેક્યુલર મૂલ્યોને આધારે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરી શકતા નથી. તાજેતરના ગુજરાત પ્રવાસમાં, એક વિચારશીલ ગુજરાતી આગેવાન મને કહેતા હતા : તમારે પરદેશમાં જેમ દરેક પરિવારને એક ફેમિલી દાક્તર હોય છે તેમ દરેક કુટુંબને અકેક બાવો ય વળગ્યો છે ! — આ વાત વિચારવાલાયક છે.

કેટલાંકને વળી ‘વતનનો ઝુરાપો’ છે. આ સમૂળી વાત સમજીએ તો રોમાન્ટિક સ્વરૂપની છે.  જે મહત્ત્વનું છે તે તો જે તે મુલકમાં રહીએ તેનું વાસ્તવિક જનજીવન જ છે. જેને વાસ્તવિક જીવન જીવતાં ના આવડયું તેઓ ફેંકાઈ ગયાં છે. આપણી આ દેશની વાત કરીએ તો બ્રિટન તો ‘વેલફેર સ્ટેટ’ છે. તેથી તે આપણાંમાંનાં અનેકોને પાળે પોષે છે. તો, દોસ્ત, લગાવ ક્યાં રહેવો જોઈએ ? આ નક્કી કરવાની ઘડીનું શું ? એ તો અા ચાલી ..... !
પશ્ર્ચિમના દેશોમાં મૂળ ગોરાઓ તેમ જ ગુજરાતી પ્રજાસમૂહો વચ્ચેનો સહવાસ જેમ જેમ વધતો ગયો છે તેમ તેમ બંને એકબીજાને વિશેષ સમજતા ગયા છે. આ એક રીતે હકીકત છે. ધીમેધીમે રંગભેદ પણ હળવો થયો છે. પણ તેની સામે આપણો પોતીકો માંહેમાંહેનો ભેદભાવ ઘટયો છે કે ? સામૂકો ગયો છે કે ? આપણે કોમવાદથી, ધર્મભેદથી, જ્ઞાતિવાદથી, ગ્રંથિથી, પૂર્વગ્રંથિથી પીડાઈ રહ્યાં છીએ. આનું કેમ કરશું ? આપણામાંની આ અસમાનતા, સમભાવની વૃત્તિનો અભાવ, અસહિષ્ણુતા તેમ જ બિનસમજણની વાત કેમ કરી સરિયામ ધોઈ શકાય ?  તો સમજણવાળી સમભાવની ભાવના આપણી અંદર, ભલા, ક્યારે  વિકસવાની છે ?
ટૂંકામાં, ગુજરાતીપણાંની શોધમાં સતત રહેવું જોઈશે અને ‘કેવળ ગુજરાતી’ મટીને વિશ્વગુર્જરી તરફની ચાલના કેળવવી જોઈશે, વિશ્વમાનવી બનવાની તાલાવેલી ખિલવવી જોઈશે. ગુજરાતમાંના જે તે હિતોના હાથા બન્યા વગર, આપણાં પોતીકાં ભાવિની ચિંતામાં જ ફક્ત લપેટાવું જોઈશે અને વસવાટના મુલકમાં એકરૂપ બનવા તનમનધન ખરચવાં જોઈશે.
કુદરત આપણને આવું શક્તિસામર્થ્ય આપજો અને તે પ્રતિની ઈચ્છાશક્તિનું બળ આપજો.

e.mail : vipoolkalyani.opinion@btinternet.com

Categories:

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
  • Web page addresses and e-mail addresses turn into links automatically.
  • Lines and paragraphs break automatically.

More information about formatting options

CAPTCHA
This question is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
6 + 12 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.