Literature

ડાયસ્પોરિક ગુજરાતી સાહિત્ય સર્જન : દશા અને દિશા

વલ્લભ નાંઢા

બ્રિટનની ગુજરાતી સાહિત્ય અકાદમી ત્રણ દાયકાની મજલ પૂરી કરી ચૂકી છે, એ સાંસ્કૃતિક સીમાચિહ્નને ધ્યાનમાં રાખી, અકાદમીએ ‘ગુજરાતી લેકિસકોન’ના સહયોગમાં, તળ ગુજરાતના કેન્દ્રમાં, અમદાવાદ ખાતે, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલમાં, રામનારાયણ વિશ્વનાથ પાઠક સભાગૃહમાં, રવિવાર ૧૧ જાન્યુઆરી ૨૦૦૯ના દિવસે ‘ડાયસપોરિક ગુજરાતી સાહિત્ય સર્જન : દશા અને દિશા’ નામક એક પૂરા દિવસનો પરિસંવાદ યોજ્યો હતો.

સવારની બેઠકના અધ્યક્ષસ્થાને અનિલાબહેન દલાલ હતાં. જ્યારે બ્રિટનનિવાસી ભદ્રાબહેન વડગામા તથા અમેરિકાનિવાસી મધુસૂદન કાપડિયા આ બેઠકમાં વક્તાઓ હતાં. બેઠકનું સંચાલન વિપુલ કલ્યાણીએ કર્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ નારાયણ દેસાઈએ આશીર્વચન આપતા ગુજરાતી ભાષા અને સાહિત્યની સાંપ્રત અવસ્થાની રૂપરેખા રજૂ કરી હતી. ડાયસ્પોરિક સાહિત્યનાં નબળાં-સબળાં પાસાંઓની ચર્ચા માંડતા એમણે જણાવ્યું હતું કે આપણા સાહિત્યે હવે વિશ્વ સાહિત્યનું નેતૃત્વ લેવાની તૈયારી કરવી જોઈએ. ‘ઝુરાપો’ જેવા શબ્દને સાહિત્યસર્જકોએ ઇતિહાસ ન બનાવવો જોઈએ, પણ વિશ્વની સમસ્ત માનવજાતને આગળ લઈ જવામાં એક વિશ્વમાનવ તરીકે આપણે બીજાને કઈ રીતે યોગદાન આપી શકીએ તેની ચર્ચા ડાયસ્પોરાની બેઠકમાં થવી જોઈએ. આ ઉપક્રમમાં ગર્વથી ગૌરવ તરફ જવાની વૃત્તિ હોવી જોઈએ. Ethnic relationshipનો પ્રશ્ન હલ કરવામાં ઊંચો આદર્શ અને નીચામાં નીચા વહેવાર વચ્ચેનું અંતર કેમ ઓછું થાય તેનો વિચાર કરવો રહ્યો. આ અંગે એમણે એક નવું કલચર ઊભું કરવાની રજૂઆત કરી હતી, જે ભાગલા પાડનાશં ન હોય, પણ માનવસમાજને જોડનારુ હોય.

Categories: